ભરૂચ ભાજપમાં ભડકો, કોંગ્રેસ-આપમાંથી આવેલા હોદ્દેદારોને સ્થાન અપાતાં સાંસદે પિત્તો ગુમાવ્યો
Mansukh Vasava Post on Social Media: ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકા જેવી સ્થિતિ છે. કારણ કે ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા પાર્ટીના નિર્ણયો સામે અવારનવાર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ મોદીએ ઝઘડિયા અને વાલિયા તાલુકા સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરતાંની સાથે સાંસદે પિત્તો ગુમાવ્યો છે. સોશિયલ મિડીયા પર નવા જિલ્લા પ્રમુખની શાબ્દિક ઝાટકણી કાઢતી પોસ્ટ મૂકતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને તો જે ઝઘડિયા અને વાલિયામાં મહામંત્રીની નિમણુક કરી તે આપ અને કોંગ્રેસમાંથી આવેલા છે. અન્ય પક્ષમાંથી આવેલા લોકોને હોદ્દા આપી દેતાં ભાજપના કાર્યકર્તા અને સાંસદ નારાજ થયા છે.
ભાજપ સાંસદે સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે 'ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે વરણી કરી છે, એમાં મોટાભાગના સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદ સભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી. જિલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમને અવગણના કરી છે. જિલ્લા પ્રમુખે એમની આસપાસની ટોળકીના દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણુક કરી છે જે આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકસાન પહોંચાડશે.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
આદિવાસી અને પટેલ સમાજની અવગણના
ભરૂચ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે. વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજમાંથી નિમણૂંક કરી છે. જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂંક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે. એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ. પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે.
ભાજપના જ નેતાઓને એકબીજા પર પ્રત્યે અવિશ્વાસ
બીજી બાજુ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીનું કહેવું છે કે ઝઘડિયા અને વાલિયા તાલુકાના સંગઠનમાં સમાજના તમામ લોકોને હોદ્દા આપવામાં આવ્યા છે. અમે સાથે મળીને પાર્ટીનો વિકાસ કરીશું. બંને તાલુકાનાં સંગઠનમાં નવા નિમણૂક પામેલા આગેવાનોએ મારી મુલાકાત પણ લીધી છે અને વિગતવાર ચર્ચા પણ કરી છે. જોકે આ બાબતે ભરૂચ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદને કીધું કે આપણે એક થઈને આનું નિરાકરણ લાવીએ. પરંતુ આ ધારાસભ્યો અને સાંસદ ભેગા થતા નથી. એમ કહી શકાય કે ભરૂચમાં ભાજપના જ નેતાઓ એકબીજા પર વિશ્વાસ ન મૂકતા હોય એમ લાગી રહ્યું છે. જેને લઈ ભાજપમાં જ વિખવાદ જોવા મળી રહ્યો છે.