જમીન વિવાદમાં દલાલ ઉપર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ : છ સામે ગુનો દાખલ
ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં
રાયસણની વસાહતમાં રહેતા જમીન દલાલને સાથી દલાલ સાથે બાનાખત મુદ્દે તકરાર થતા હુમલો કરાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ચાની કીટલી ઉપર બેઠેલા જમીન દલાલ ઉપર છ શખ્સો દ્વારા હુમલો કરીને તેની ઉપર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મામલે ઇન્ફોસિટી પોલીસ દ્વારા ચાંદખેડાના બે શખ્સો સહિત કુલ છ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેર નજીક રાયસણની ગુડાની આવાસ યોજનામાં રહેતા અને મૂળ પાટણના લોલાડા ગામના વતની
એવા વિષ્ણુ અમૃતભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી કે, તે જમીન લે-વેચનો વ્યવસાય કરે છે અને તેણે અને ચાંદખેડા ડી
કેબીન ખાતે રહેતા વિજય ઉર્ફે લાલો અમૃતભાઈ રબારીએ ભુલાવડી ગામની જગ્યાનું લખાણ
કર્યું હતું અને તે તેના નામે હતું. જેના પગલે તેણે આ લખાણ આપી દેવા માટે વિજયને
કહ્યું હતું પરંતુ તે આપતો ન હતો. જેથી બે દિવસ પહેલા તેણે ફોન કરી લખાણ માગ્યું
હતું અને ઊંચા અવાજે વાત કરી ફોન મૂકી દેતા વિજયને મન દુઃખ થયું હતું. જેના પગલે
ગઈકાલે વિષ્ણુ કુડાસણ ખાતે આવેલી ચાની કીટલી ઉપર ચા પીવા બેઠો હતો તે દરમિયાન એક
કાર આવી હતી અને તેમાં વિજયની સાથે બીજા ત્રણેક માણસો હતા જ્યારે અન્ય એક કારમાં
વિજયનો ભાઈ વિક્રમ અમૃતભાઈ રબારી અને બીજા ત્રણ માણસો હતા. જેના પગલે તે ડરી ગયો
હતો અને ભાગવા લાગતા ઠોકર વાગી જતા નીચે પડયો હતો. આ દરમિયાન વિજય દ્વારા કાર તેની
ઉપર ચઢાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ તે અને તેના ભાઈઓ લાકડીઓ લઈને તૂટી પડયા
હતા અને માર માર્યો હતો. આ ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકોનું ટોળું આવી ગયું હતું.
વિજય ધમકી આપી હતી કે, હવે
બાનાખત માગીશ તો જાનથી મારી નાખીશ ત્યારબાદ વિષ્ણુનો મિત્ર રાજન ત્યાં આવી ગયો હતો
અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હાલ તેની ફરિયાદના આધારે
પોલીસે ૬ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.