Get The App

જોધપુર વિસ્તારના ગોપાલ આવાસમાં દારુ વેચાતો હોવાની રજુઆત થતાં કોર્પોરેટરે પોલીસ બોલાવી , પણ દારુ વેચનારા ન મળ્યા

આવાસમાં દારુના વેચાણ,ગંદકીને લઈ લોકોએ હોબાળો મચાવ્યો હતો

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News

   જોધપુર વિસ્તારના ગોપાલ આવાસમાં દારુ વેચાતો હોવાની રજુઆત થતાં કોર્પોરેટરે પોલીસ બોલાવી , પણ દારુ વેચનારા ન મળ્યા 1 - image  

  અમદાવાદ,બુધવાર,16 જુલાઈ,2025

અમદાવાદના જોધપુર વિસ્તારમાં ગોપાલ આવાસ યોજના નામના ઔડાના આવાસ આવેલા છે. આ આવાસમાં દારુના વેચાણ અને ગંદકીને લઈ રહીશોએ જનતા રેડ કરી હોબાળો મચાવી ભાજપના મહીલા કોર્પોરેટર પ્રવિણાબહેન પટેલને બોલાવ્યા હતા.જેના પગલે મહીલા કોર્પોરેટરે પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં દારુ વેચનારા ભાગી જતા પોલીસને કાંઈ મળ્યુ નહતુ.

જોધપુર વિસ્તારમાં વર્ષો જુની ગોપાલ આવાસ યોજનાના બે માળના મકાનો આવેલા છે. આ મકાનોમાં ઠેર ઠેર ગંદકી અને દારૃના થતા વેચાણને લઈ સ્થાનિક લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો.દારુના થતા વેચાણને લઈ અગાઉ ફરિયાદો કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોએ ભાજપના મહીલા કોર્પોરેટરને બોલાવ્યા હતા.મહીલા કોર્પોરેટર સ્થળ ઉપર પહોંચ્યા તે સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.લોકોએ આવાસ યોજનામાં દારુ વેચાતો હોવાથી તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની રજુઆત કરી હતી.આવાસ યોજનાના મકાનોમાં ગંદકી અને દારુની કોથળીઓ પડી હોવાના વિડીયો બનાવી લોકોએ સોશિયલ મિડીયામા વાઈરલ કર્યા હતા.ઘટનાની જાણ થતા આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે તપાસ કરતા કયાંયથી પણ દારુ મળી આવ્યો નહોતો. વોર્ડના મહીલા કોર્પોરેટર પ્રવિણાબહેન પટેલના કહેવા પ્રમાણે, મને ગંદકી અને દારુના વેચાણને લઈ બોલાવવામા આવી હતી.મોટી સંખ્યામાં લોકોનુ ટોળું એકઠુ થઈ ગયુ હતુ.પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવવામા આવી હતી પરંતુ પોલીસને સ્થળ ઉપરથી કશુ મળ્યુ નથી.જે પણ સમસ્યા છે એનુ નિરાકરણ લાવવા અમે પ્રયાસ કરી રહયા છીએ.

Tags :