આંતરસુબામાં ગેરકાયદે આકારણી કરી દુકાનો બાંધી વેચ્યાનો આક્ષેપ
- તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ
- ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીનની ખોટી આકારણી કરી બાંધકામ કરી વેચ્યાનો આરોપ
કપડવંજના તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆતમાં આક્ષેપ સાથે જણાવાયું છે કે, આંતરસુબા બસ સ્ટેશન વિસ્તારમાં દૂધ મંડળી દ્વારા બગીચો બનાવાયો હતો પરંતુ, વરસાદમાં અડધો ધોવાઈ ગયો હતો.
તે જગ્યાએ, પશુઓ માટેના હવાડાવાળી જગ્યાએ તેમજ પીવાના પાણીની પરબની જગ્યાઓ તોડી પાડી આંતરસુબા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચે ખોટી આકારણી કરી દુકાનો બનાવી ગેરકાયદે વીજ મીટરો મેળવી લીધા હોવાનો આક્ષેપ કરાયો છે.
છતાપીરની દરગાહથી હાઈસ્કૂલ સુધી હાઈવે રોડ પાસે પણ ગેરકાયદે આકારણી કરી દુકાનો બાંધી દેવાઈ હોવાનો આક્ષેપ કરાયો છે.
સરકારી જમીનમાં ગેરકાયદે આકારણી કરી બાંધેલી મિલકતોને દૂર કરાય અને પંચાયતના ઠરાવો, સહીઓની ખરાઈની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.આ અંગે તાલુકા વિકાસ અધિકારી બિપીનભાઈ પરમારે જણાવ્યું હતું કે, યોગ્ય તપાસ કરી વહિવટી પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.