'મારો કેસ દબાવતા નહીં...', અમદાવાદમાં જીવન ટૂંકાવનારા યુવકની સુસાઈડ નોટમાં ભાજપના મોટા નેતાનું નામ

Ahmedabad News: અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા યુવકના આપઘાત કેસમાં ભાજપના એક મોટા નેતાનું નામ પણ આવ્યું છે. શ્યામલ ચાર રસ્તા પર પાનની દુકાન ચલાવતા યુવકે છ યુવકોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે જીવન ટૂંકાવતા પહેલા મિત્રોને મોકલેલા વોટ્સએપ મેસેજમાં 6 લોકો પર સતત હેરાન કરવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. અગાઉના ઝઘડા તથા પ્રોહિબિશનના ગુનામાં બાતમી આપવાના કારણે આ 6 લોકોએ અદાવત રાખી હતી. જે પૈકી એક ભાજપ નેતાનો ભત્રીજો છે.
જૂની અદાવતમાં આપતા વારંવાર આપતા હતા ધમકી
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અને મૃતક એકબીજાને ઓળખતા જ હતા. આ 6 આરોપીઓમાં રાજ સુખવાસીયા, માનવ ઠક્કર, મિહિર દેસાઈ, ઉમંગ નરેશભાઈ દેસાઈ, તીર્થ પ્રધાન અને નીલ ઠાકરનો સમાવેશ થાય છે. અગાઉ મૃતક યુવકના સંબંધી સાથે આ આરોપીઓનો ઝઘડો થયો હતો જે ત્યારબાદ તેમની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે બાદ આ 6 આરોપી મૃતક યુવકને વારંવાર હેરાન કરતાં હતા અને ધમકી આપતા હતા કે તારી દુકાન બંધ કરાવી દઇશું.
નોંધનીય છે કે સમગ્ર કેસમાં આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 'SIR'ની 90% કામગીરી પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાશે, 2.68 લાખ રિપીટેડ!
મૃતકે યુવકની સુસાઈડ નોટ
મૃતક યુવકે વોટ્સએપમાં કરેલા અંતિમ મેસેજમાં લખ્યું છે, 'થોડા મહિના પહેલા મારા ભાઈના છોકરા સાથે થયેલી માથાકૂટથી બધુ ચાલુ થયું. સમાધાનની વાત કરવાનું કીધું હતું છતાં એને માર માર્યો અને દુકાન આવીને કીધું કે મેં તમારા ભત્રીજાને માર્યો છે અને પછી એ રાતે મને બોલાવીને ગાલ પર લાફો માર્યો. તે મને પછી મને માનસિક ટૉર્ચર આપવાનું શરૂ કર્યું. મારા પપ્પા બે નંબરના ધંધા કરે છે તેવું કહીને મને માનસિક ત્રાસ આપ્યો અને કહ્યું કે દુકાન બંધ કરાવી દઇશ.'
મૃતકે વધુમાં લખ્યું હતું, કે તે લોકો દારૂ પીને દુકાને આવ્યા ત્યારે તેમને પોલીસે બીજી જગ્યાએથી પકડ્યા હતા. ત્યારે મેં ફોન કરીને કીધું કે પાનના ગલ્લેથી કોઈ બાતમી નથી અપાઈ. જોકે તે લોકો દારૂવાળી વાત ઊંધી સમજીને મને માનસિક ટૉર્ચર કરે છે તથા બીજા કારણમાં અમને ભરાવવા માંગે છે. મારી પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.
ભાજપના એક મોટા નેતાના ભત્રીજાનું નામ
નોંધનીય છે કે આ સુસાઈડ નોટમાં મૃતકે ભાજપના એક મોટા નેતાના ભત્રીજાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. તથા કહ્યું છે કે હવે હું જાઉં છું તમે શાંતિથી રહેજો બધા. સોરી જીવન એક જ વખત મળે પણ આ લોકોએ મારું જીવવાનું હરામ કરી નાંખ્યું.

