For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદ પોલીસનો નવતર અભિગમ, નાના દુકાનદારો કે વેપારીઓને લોન અપાવશે

પોલીસ આગામી 28, 29 અને 30 જાન્યુઆરી સુધી 'મે વી હેલ્પ' નામનો કાર્યક્રમ લોન્ચ કરશે

Updated: Jan 26th, 2023

Article Content Image
image- twitter



અમદાવાદ, 26 જાન્યુઆરી 2023 ગુરૂવાર

ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે લાલઆંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બહાર કાઢવા શહેર પોલીસે જાન્યુઆરીમાં ખાસ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં 20 દિવસમાં પોલીસને વ્યાજખોરો વિરુદ્ધની 400 અરજી મળી છે, જેમાં 100 ગુના દાખલ કરવામાં આવ્યા છે તેમ છતાં હજુ પણ લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરાવવા શહેર પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે 27 જાન્યુઆરીએ મેગા લોક દરબાર યોજવામાં આવશે. બીજી બાજુ અમદાવાદ શહેર પોલીસ નાના દુકાનદારો કે વેપારીઓ વ્યાજ ખોરોના જાળમાં ન ફસાય તે માટે પોલીસ અધિકૃત રીતે લોન અપાવશે.

પોલીસ 'મે વી હેલ્પ' નામનો કાર્યક્રમ લોન્ચ
અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ વેપારીઓને મળીને વ્યાજખોરીમાં ફસાતા નાગરીકોમાં જાગૃતતા ફેલાવી બેંકના કર્મચારીઓની હાજરીમાં ઓન ધ સ્પોટ લોન અપાવવાની કામગીરી કરશે. અમદાવાદ શહેર પોલીસ આગામી 28, 29 અને 30 જાન્યુઆરી સુધી 'મે વી હેલ્પ' નામનો કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંક, કોર્પોરેશન સાથે મળીને તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે.

પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમ યોજવામાં આવશે
અમદાવાદ શહેરમાં પ્રત્યેક પોલીસ સ્ટેશન દીઠ ત્રણ કાર્યક્રમ યોજવામાં આવશે. સ્થાનિક પોલીસ અધિકારીઓ તેમના વિસ્તારના નાના શાકભાજી, લારી ગલ્લા ધારકોને સમજાવવાનો પ્રયાસ કરશે કે ઊંચા દરે વ્યાજે રૂપિયા ન લેવા જોઈએ. બેંકના કર્મચારીઓ પણ ઓન ધ સ્પોટ તેમના દ્વારા નાના વેપારીઓને કરવામાં આવતી લોનની સહાય અંગે માહિતગાર કરશે અને લોન આપવા માટેની પ્રક્રીયા કરશે.આ ખાસ પ્રોજેક્ટમાં ટ્રાફિક પોલીસ પણ વિવિધ મોટા જંકશન પર કાર્યરત ટી સ્ટોલ અને ખાણીપીણીના દુકાન ધારકોને મળીને વ્યાજખોરોની સામે જાગૃત કરી લોનની સમજ આપશે.

Gujarat