હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ
દિવસે કડીયા કામ અને રાત્રે સ્પોર્ટસ બાઇક ઉઠાંતરી
આરોપીઓને સ્પોર્ટસ બાઇકની ચોરી કરવાથી થ્રીલ મળતી હોવાથી સિલેક્ટીવ બાઇક જ ટારગેટ કરતા હતાઃ ક્રાઇમબ્રાંચે આઠ સ્પોર્ટસ બાઇક જપ્ત કરી
અમદાવાદ,બુધવાર
શહેરની વિવિધ કન્ટ્રક્શન સાઇટ પર દિવસમાં કડીયા કામ કરવાનું અને રાતના સમયે ચોક્કસ ગેંગ બનાવીને વિવિધ વિસ્તારોમાંથી સ્પોર્ટસ બાઇકની ઉઠાંતરી ગેંગના બે સાગરિતોને ઝડપીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે મહત્વની સફળતા મેળવીને પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની આઠ જેટલી બાઇક પણ જપ્ત કરી છે. બાઇકની ચોરી કરીને આરોપીઓ રાજસ્થાન લઇ જતા હતા અને ત્યાં મોડીફાઇડ કરીને વેચી દેતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચોક્કસ પ્રકારની સ્પોર્ટસ બાઇકની ચોરી થવાના કિસ્સા વધ્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કેટલાંક લોકો બાઇક ચોરી સાથે જોડાયેલા છે. જે સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચાણ કરે છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી ચૌહાણ અને તેમના સ્ટાફે વોચ ગોઠવીને આશીષ અંગારી અને ખેમુ અંગારી નામના બે યુવકોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ અંગે પણ વિગતો મળી હતી.
ઝડપાયેલા બંને આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની સાથે અન્ય છ આરોપીઓ સંકળાયેલા છે. પોલીસે આરોપીઓ સઘન પુછપરછ કરીને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ આઠ જેટલા સ્પોર્ટસ જપ્ત કર્યા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યુ હતુ કે આરોપીઓ દિવસના સમયે કડીયા કામ કરતા હતા અને રાતના સમયે આઠેય આરોપીઓ એકઠા થઇને ઓર્ગેનાઇઝ્ડ ગેંગ બનાવતા હતા. જેમાં હાઇ એન્ડ સ્પોર્ટસ બાઇકને ટારગેટ કરતા હતા. કારણ તે મોંધી બાઇકની ચોરી કરવામાં થ્રીલ અનુભવતા હતા. જે બાઇકને ડાયરેક્ટ વાયરીંગ કરીને બાઇકને સ્ટાર્ટ કરીને તેને સ્પીડમાં ચલાવીને શોખ પુરા કરતા હતા. ત્યારબાદ બાઇકને રાજસ્થાનના ઉદેપુરના ખેરવાડા લઇ જઇને વૈભવ મીણા નામના વ્યક્તિ પાસે બાઇકને મોડીફાઇડ કરીને ચેસિસ નંબર અને એન્જિન નંબર બદલતા હતા. જે વેચાણ કરતા હતા. આરોપીઓ ચાંદખેડા, ઘાટલોડીયા, કૃષ્ણનગર, પાલડી, એલિસબ્રીજ, રાણીપ અને ગાંધીનગરથી બાઇકની ચોરી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.