ભુજમાં ઉકળાટ બાદ એક અને મુંદરામાં અડધો ઈંચ વરસાદ
કચ્છમાં ત્રીજા દિવસે વરસાદી માહોલ
ગાંધીધામ, માંડવી અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ
ભુજ 39 ડિગ્રીએ રાજ્યનું સૌથી મોખરાનું ગરમ મથક
વૈશાખના પ્રારંભે ભારે ગરમી પડયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરતળે રાજ્યની સાથે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લા મથક ભુજમાં સવારથી ભારે ગરમી અનુભવાઈ હતી. બપોરે આકરો તાપ અનુભવાયો હતો. મહત્તમ તાપમાન સાડા પાંચ ડિગ્રી જેટલું ઉચકાયું હતું. ૩૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાંજે સાડા છ વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. ભારે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડયું હતું. એક ઈંચ પાણી પડયું હતું. અનેક જગ્યાએ માર્ગો પર પાણી ભરાયા હતા. વહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભેજનું પ્રમાણે સવારે ૮૭ ટકા નોંધાયું હતું. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તાલુકાના મોખાણા ગામે ભારે પવન ફુંકાયો હતો. માધાપર ગામે કરા સાથેવરસાદ પડયો હતો.
માંડવી ખાતે વરસાદનું ઝાપટું વરસ્યું હતું. માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના નાના આસંબિયા ગામે કરા સાથે વરસાદ પડયો હતો. ભુજથી માંડવી જતાં માર્ગ પર આવેલા ધુણઈથી પુનડી પાટીયા વચ્ચે તોફાની પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીધામમાં અસહ્ય ગરમી અને આકરા તાપ બાદ વરસાદનું ઝાપટું પડયું હતું. સાપેડા, રતનાલ, કુકમા ગામે વરસાદના ધીમીધારે વરસાદ પડયો હોવાનું જાણવા મળ્યું છે.
મુંદરામાં વાતાવરણ પલટાતા વરસાદ પડયો હતો. અડધો ઈંચ વસરદા પડતા માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના લાખાપર, વવાર, વડાલામાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો.
ભારે ગરમી બાદ રાપરના ભીમાસર, ગેડી વિસ્તારમાં વરસાદ પડયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે.