નેનપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને ટક્કર મારતા રામપુરાના યુવકનું મોત
- સણાલી ગામે લગ્ન પ્રસંગમાં યુવક આવ્યો હતો
- અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલકે આગળ બીજા ત્રણ વાહનને અડફેટે લીધા : વાહન મૂકી ટ્રક ચાલક ફરાર
અમદાવાદના દસ્ક્રોઇ તાલુકાના રામપુરા ગામમાં રહેતા યોગેશભાઈ ઘનશ્યામભાઈ ડાભી (ઉ.વ.૧૯) અને તેના કાકાનો દીકરો ભાવેશ જશવંતભાઈ ડાભી ગઈ કાલે બાઈક લઈ મહુધા તાલુકાના સણાલી ગામે આયોજિત એક લગ્નમાંથી ઘરે પાછા જતા હતા. બાઈક મહેમદાવાદ-અમદાવાદ રોડ પર આવેલી નેનપુર ચોકડીથી થોડેક આગળ પસાર થતું હતું, ત્યારે પુરપાટ આવતી ટ્રક નંબર જી.જે.૨૩.વાય.૭૧૪૨ના ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. જેને લઇ બાઇક ચાલક ભાવેશ અને પાછળ સવાર યોગેશ બાઈક સહિત રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચવાથી બાઇક ચાલક ભાવેશનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું હતું. દરમિયાન બાઈકને ટક્કર મારી રોડ પર પૂરપાટ ટ્રક હંકારી ભાગેલા ટ્રક ચાલકે રોડ પર આગળ બીજા ત્રણેક વાહનોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને ટ્રક મૂકી ટ્રક ચાલક નાસી છુટયો હતો. મહેમદાવાદ પોલીસે આ અંગે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.