કાલાવડમાં પ્રેમ પ્રકરણના કારણે યુવાનને છરીનાં ઘા ઝીંક્યા, પાંસળી ભાંગી નાખી

પ્રેમિકાના પિતા સહિત ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની
પોલીસ ફરિયાદ
ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો, પોલીસ દ્વારા બે હુમલાખોરની અટકાયત, અન્ય એક શખ્સની શોધખોળ
જામનગર જિલ્લાના કાલાવડમાં વાવડી રોડ પર રહેતા અને
ડ્રાઇવિંગ કામ કરતા ચિરાગ તરુણભાઈ આડઠક્કર નામના ૨૦ વર્ષના યુવાન પર અયાન પંજા, ઈરફાન પટણી અને
બોદુ પટણી વગેરેએ હુમલો કરીને છરીના ૬ જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ સાથે લોખંડના
પાઇપ વડે પણ હુમલો કર્યો હોવાથી યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યો હતો અને તેના પર સર્જરી કરવામાં આવી હતી. જેમાં તેને છરીનો
ફેફસા સુધીનો ઊંડો ઘા વાગ્યો છે,
અને તેની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. આ ઉપરાંત તેને લોખંડના પાઇપ વડે માર
માર્યો હોવાથી પાંસડીઓ ભાંગી ગઈ છે,
અને ફેક્ચર સહિતની પણ ઈજા થઈ છે.
પોલીસ ફરિયાદમાં
જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન દ્વારા આરોપીના પરિવારની સગીર પુત્રીનું અગાઉ
અપહરણ કરાયું હતું. જો કે ત્યારબાદ તેઓ ઘેર પરત આવી ગયા હતા અને તે પ્રકરણમાં
પોલીસ કેસ કરાયો હોવાથી બંને વચ્ચે મન દુઃખ ચાલે છે. અને સગીરા પોતાના પિતાને ઘેર
રહેવા ચાલી ગઈ હતી. પરંતુ પરિવારને હજુ શંકા હતી કે સગીરા ફરિયાદી યુવાન સાથે લગ્ન
કરવા માંગે છે. જેથી મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
જેથી પોલીસે આ મામલામાં જીવલેણ હુમલા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને ત્રણ આરોપીઓ
પૈકી ઈરફાન પટણી તેમજ બોદુ પટણીની અટકાયત કરી લીધી છે, જયારે ત્રીજા
આરોપી આયાન પંજાની શોધખોળ હાથ ધરી છે.

