કચ્છમાં 1971 ના યુધ્ધનું પુનરાવર્તન ! 1 જ દિવસમાં પાંચેક ડ્રોન તોડી પડાયા
કાશ્મીર બાદ હવે કચ્છ પાકિસ્તાનના નિશાને? : અબડાસાના ધૂફી, ભુજના નાગોર અને આદિપુરમાં ડ્રોન તોડાયા તો લોરીયામાં ડ્રોન દેખાયોઃ નાપાક હરકતો કચ્છ તરફ મંડરાઈ
ભુજ, : 1971ના યુધ્ધનું પુનરાવર્તન થવાનું હોય તેમ પાકિસ્તાન કાશ્મીર બાદ હવે કચ્છ તરફ યુધ્ધની તૈયારીઓ આરંભતું હોય તેવી રીતે કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યા છે. સરહદી કચ્છમાં આજે એક જ દિવસે શનિવારે વધુ 6 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ગત રોજ મોડી રાત્રીના સિરક્રિક વિસ્તારમાં ડ્રોન વડે નિષ્ફળ હુમલાના પ્રયાસો વચ્ચે આજે ભુજ એરપોર્ટ ઉપર 3 ડ્રોન વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવી હતી. જો કે, સુરક્ષા દળોએ તેનું ખંડન કર્યું હતું. જેના પગલે ખાવડા માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજીતરફ છેવાડાના અબડાસા તાલુકાના ધુફી, ભુજના નાગોર અને આદિપુરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. આમ, એક જ દિવસે કચ્છમાં પાકિસ્તાન દ્વારા ભુજ સહિત છ સ્થળોએ ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો. જેના પગલે સવારથી બજારો બંધ કરી દેવાઈ હતી અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. આજે ભુજ તેમજ માધાપરમાં વારંવાર સાયરન વાગતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
ગત 8 મે ના રોજ ખાવડાથી 12 કિ.મી. દુર કોટડા ગામ નજીક ડ્રોન તોડી પડાયા બાદ ગત રોજ બીજા દિવસે રાત્રિના સિરક્રિક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યા હતા. ગત રોજ સરહદી વિસ્તારમાં પણ ડ્રોન જોવા મળ્યાના અહેવાલ છે. જેમાં, લખપતના દરિયા કિનારે ત્રણ ડ્રોન દેખાયા હતા. જે અંગેના વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયા હતા. જે ડ્રોન ગાયબ થયા હતા. લક્કીનાળા પાસે પણ ડ્રોન દેખાયા હતા. ગત રાત્રીના સરહદી કુંવર બેટ પાસે પણ ડ્રોન દેખાયાના અહેવાલો વચ્ચે આજે શનિવારે ૬ સ્થળોએ પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં, ભુજ એરપોર્ટ પાસે ૩ ડ્રોન તોડી પડાયા હતા જો કે, આ અંગે સતાવાર કોઈએ પુષ્ટિ કરી ન હતી. પરિણામે, સવારના ભાગે ભુજ- ખાવડા માર્ગને તાબડતોબ બંધ કરી દેવાયો હતો. તો બીજીતરફ પૂર્વ કચ્છમાં આદીપુરમાં તેમજ ભુજના નાગોર, અબડાસાના ધુફી ગામે ડ્રોન દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓએ તોડી પાડયા હતા. ભુજના લોરીયા પાસે ડ્રોન દેખાયા બાદ તે નાગોર પાસે પહોંચ્યા પછી તોડી પાડયો હતો.
1971ના યુધ્ધમાં પાકિસ્તાને ભુજના વાયુ મથક ઉપર હુમલો કરીને નુકસાન પહોંચાડયું હતું તેવી જ રીતે કાશ્મીર બાદ ફરી એક વખત પાકિસ્તાનની નાપાક હરકતો કચ્છ તરફ મંડરાઈ રહી હોય તેમ છેલ્લા બે દિવસથી કચ્છમાં ડ્રોન દ્વારા હુમલા થવા અને ડ્રોન દેખાયાની ઘટનાએ ભારે ચિંતા જગાવી છે. બે દિવસથી વહીવટી તંત્ર દ્રારા બ્લેક આઉટ કર્યા બાદ આજે વહેલી સવારથી ભુજમાં દુકાનો બંધ કરાવાઈ હતી. પરિણામે, જન જીવન ઠપ્પ થયું હતું. પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.