સુરત પાલિકાની શાળામાં ધોરણ 10 અને 12માં A1 ગ્રેડ સાથે પાસ થયેલા 306 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે
Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે એ ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓને રોકડ સહાય જાહેર કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં એ ગ્રેડમાં આવનારા વિદ્યાર્થીઓને સાત સાત હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જેના કારણે આ વર્ષે પાલિકાની સ્કુલના ધોરણ 10 અને ધોરણ 12 A1 ગ્રેડ લાવનારા 306 વિદ્યાર્થીઓને પાલિકા સ્કોલરશીપ આપશે.
સુરત પાલિકા સંચાલિત સુમન સ્કૂલ માં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ 95 ટકાથી વધુ આવ્યું છે. સુરત પાલિકાના આ વર્ષના બજેટમાં પાલિકા સંચાલિત સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેની યોજના બનાવી છે. આ પહેલા ધોરણ 10 અને ધોરણ 12માં A1 ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓ માટે એક લાખની રકમ ફાળવવામાં આવી હતી. તેમાંથી બધા વિદ્યાર્થીઓને પૈસા સરખે ભાગે આપવામાં આવતા હતા.
જોકે, સુમન સ્કૂલનું બોર્ડનું રિમાણ દર વર્ષે સારુ આવતું થયું છે અને હાલમાં તો 95 ટકા કરતાં પણ વધુ આવ્યું છે. ધોરણ 10માં 234 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે જ્યારે હાલમાં આવેલા ધોરણ 12ના પરિણામ 72 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને બજેટમાં જાહેર કર્યા મુજબ A1 ગ્રેડ માં આવનાર તમામ વિદ્યાર્થીઓને સાત સાત હજાર રૂપિયા આપવામાં આવશે. આ પરિણામ જાહેર કરાયા બાદ A1 ગ્રેડમાં આવનારા તમામ વિદ્યાર્થીઓની માર્કશીટ આવ્યા બાદ આ 306 વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ મેળવવાની કામગીરી શરૂ કરી છે.