ગીર જંગલમાં આડેધડ 300 રિસોર્ટ ખડકાયા : સિંહો સ્થળાંતર કરવા મજબૂર

સિંહોની વસ્તી વધી અને તેમપીટ કુદરતી નિવાસસ્થળો ઘટાડાઈ રહ્યા છે : રાજ્ય સરકાર તેના પર લગામ મુકવાને બદલે પૈસા કમાવા અને કમાવી આપવા તેને રેગ્યુલરાઈઝ્ડ કરવાની વેતરણમાં
રાજકોટ, : વિશ્વમાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં જોવા મળતા એશિયાટીક લાયનની વસ્તી વધારાના મુદ્દે જશ ખાટવામાં કોઈ કચાશ રખાતી નથી પરંતુ, ભવિષ્યમાં આ સિંહોને તેમના કુદરતી રહેઠાણ એવા ગીર જંગલમાં મોકળાશ આપવાને બદલે ત્યાં અંદાજે 300 જેટલા રિસોર્ટ ખડકાઈ ગયાનું અને તે કારણે કુદરતી આવાસો ઘટતા તેમજ લાયન શો જેવી પ્રવૃનિગનઓનો ધમધમાટ વધતા સિંહો મજબૂર બનીને જંગલની ભાગોળે જવાને બદલે સૌરાષ્ટ્રભરમાં સ્થળાંતર કરી રહ્યા છે. અગાઉ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં રહેલા સિંહો હવે ભાવનગર ઉપરાંત રાજકોટ, પોરબંદર, દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાં દ્રષ્ટિગોચર થાય છે. તાજેતરમાં જ પાલીતાણામાં નૂતન વર્ષે સિંહ જોવા મળ્યા હતા તો જેતપુર પંથકમાં ૮ સિંહો પરિવાર સાથે વસી ગયા છે અને રાજકોટ નજીકના કોટડાસાંગાણી પંથકમાં પણ જોવા મળેલા સિંહ ત્યાં જ વસી જવાની શક્યતા છે.
દેશની પ્રાકૃતિક સંપદ્દા એવા ગીર જંગલમાં રિસોર્ટ સહિતના બાંધકામો પર કડક નિયંત્રણો મુકવાને બદલે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા. 20-2-2025ના પરિપત્ર જારી કરીને તેને રેગ્યુલરાઈઝ્ડ કરવાની હીલચાલ આદરી છે જેનો વન્યજીવન પ્રેમી ભુષણ પંડયાએ એમ કહીને વિરોધ કર્યો છે કે આનાથી અભ્યારણ્યની સાવ નજીકમાં જ હોટલો, ઉદ્યોગોને મંજૂરી મળવાની દેખીતી શક્યતા છે, જે સિંહો માટે ભવિષ્યમાં ઘાતક બનશે, કોરિડોર્સ બ્લોક થઈ જવાથી ગંભીર પરિણામ આવી શકે છે. આ સુધારા ઠરાવ બગાડા કરે તેવો હોય તેને રદ કરવા રજૂઆત કરાઈ છે પરંતુ, હજુ આ અંગે નિર્ણય લેવાયો નથી.

