For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બેટ દ્વારકામાં વધુ 20 બાંધકામો ધ્વસ્ત : 35,000 ફુટ જગ્યા ખુલ્લી

- ચોથા દિવસે રેન્જ આઈજી અને કલેક્ટર દ્વારા નિરીક્ષણ

Updated: Oct 4th, 2022

- વધુ એક નામચીન શખ્સના આલીશાન મકાન ઉપર પણ બુલડોઝર ફેરવારયું :  આજે પણ ડિમોલીશન થશે

ખંભાળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ખાતે ગૃહ વિભાગના આદેશી ગત તારીખ ૧ ઓકટોબરના રોજ પોલીસ અને રેવન્યુ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ ઉપર શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે ચોથા દિવસે વધુ વીસ જેટલા દબાણો ધ્વસ્ત કરાયા છે. જેમાં આશરે ૩૦ થી ૩૫ હજાર ચોરસ ફૂટ જેટલી દબાણગ્રસ્ત સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આજરોજ રાજકોટ રેન્જ આઇ.જી. તથા જિલ્લા કલેકટરએ ખુલ્લી કરવામાં આવેલી આ જગ્યાઓની ખાસ મુલાકાત લીધી હતી અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

દેશના પશ્ચિમના છેવાડાના મહત્વના તીર્થધામ બેટ દ્વારકા ખાતે ગત શનિવારથી પોલીસ તંત્ર દ્વારા રેવન્યુ તંત્રને સાથે રાખીને શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડીમોલિશનના આજે મંગળવારે ચોથા દિવસે બેટ દ્વારકાના હનુમાન દાંડી તરફ જતા માર્ગે બાલાપર વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ પર સરકારી બુલડોઝર ફરી વળ્યું હતું. જેમાં આજે સાંજ સુધીમાં આશરે ૨૦ જેટલા નાના-મોટા બાંધકામ તોડી પડાયા છે. આ ડિમોલિશનમાં આજે આશરે ૩૫,૦૦૦ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ પડકારરૂપ કામગીરી માટે રેન્જ આઇ.જી.ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સાથે જિલ્લાના બન્ને ડી.વાય.એસ.પી. તેમજ દ્વારકા અને ખંભાળિયાના પ્રાંત અધિકારીની જહેમતથી એકંદરે શાંતિપૂર્ણ અને બિનવિવાદસ્પદ રીતે દબાણ હટાવ ઝુંબેશ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. જેમાં રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપ સિંગ તથા અહીંના જિલ્લા કલેકટર એમ.એ. પંડયાએ બોટમાં બેસી અને બેટ દ્વારકાની ખાસ મુલાકાત લીધી હતી.

સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલી ઓપરેશન ડિમોલિશનની કામગીરીનું તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું અને આ બાબતે અહીંના અધિકારીઓ સાથે ખાસ ચર્ચા વિચારણા કરી હતી. સંદીપ સિંગે જિલ્લા પોલીસવડા તથા રેવન્યુ અને નગરપાલિકા તંત્રની આ કામગીરીને બિરદાવી અને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે ચાલતી ડ્રગ્ઝ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસની બાજ નજર છે. આંતરિક સુરક્ષા અને દરિયાઈ સુરક્ષાને નજરમાં રાખી અને ગેરકાયદેસર દબાણ અંગે કરાયેલી મોજણી બાદ અહીં કોમશયલ તેમજ રહેણાંક સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આવા બાંધકામ તથા સરકારી જમીન પરના દબાણનો ગેરઉપયોગ થઈ શકે તેવી સંભાવના હોય, આ વિસ્તારમાં તમામ અનઅધિકૃત દબાણો દૂર કર્યા પછી જ આ કામગીરી બંધ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર મુકેશ પંડયાએ જણાવ્યું હતું કે બેટ દ્વારકામાં આકાર લઇ રહેલા અને સમગ્ર દેશ માટે મહત્વના એવા સિગ્નેચર બ્રિજ ઉપરાંત આસપાસના વિસ્તારો માટે જોખમ રૂપ ગણાતા દબાણો અંગે સર્વે બાદ આ કામગીરી કરવામાં આવી રહી છે. જે માટે પોલીસ પ્રશાસન, સ્થાનિક નગરપાલિકા તંત્ર, એસડીએમ, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ, ફોરેસ્ટ વિભાગ સહિતના સ્ટાફની જહેમતથી આ કામગીરી શાંતિપૂર્ણ રીતે થઈ રહી છે.

બેટ દ્વારકા ખાતે આજરોજ રેન્જ આઈજીની ઉપસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી. સરકારી તંત્ર દ્વારા આજે પણ વધુ એક નામચીન શખ્સના આશરે ૧૫૦૦ ફૂટના આલીશાન મકાન પર બુલડોઝર ફેરવી અને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. આજે ચોથા દિવસના દબાણ સહિત કુલ ૭૦ જેટલા નાના મોટા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા છે. જેમાં આશરે ૬ કરોડ જેટલી કિંમતની સવા લાખ ફૂટ જેટલી જગ્યા દબાણ મુક્ત કરવામાં આવી છે. આજે પણ અગાઉની જેમ યાત્રીકો માટે બોટની સવસ બંધ રાખવામાં આવી હતી. પરંતુ જરૂરિયાત મુજબની ચીજ વસ્તુનું આવાગમન થયું હતું. તંત્રની આ કામગીરીને રાજ્યના ગૃહમંત્રીએ પણ ટ્વિટ દ્વારા બિરદાવી છે.

ફેરીબોટ હજુ બંધ ઃ માત્ર સાંજે જ ખુલતી બજારો

છેલ્લા ત્રણ દિવસથી રોજ સાંજના સમયે ડિમોલિશનની કામગીરી પૂર્ણ થાય તે પછી બજારો ખોલવાની છૂટ આપવામાં આવે છે. જેના કારણે સ્થાનિક લોકો દૂધ, શાકભાજી, અનાજ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદી શકે છે. બેટ દ્વારકા આવવા-જવા માટે ફેરી બોટ સવસ બંધ કરાવી દેવામાં આવી છે. પરંતુ દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ બેટ દ્વારકામાં લઈ જવાની છૂટ આપવામાં આવી છે. આમ, સ્થાનિક લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે હાલાકી ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે આ સ્થળે ૨૪ કલાક પોલીસ તેમજ એસઆરપીનો બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે. જે વચ્ચે દિવસ દરમિયાન ડિમોલિશનની કામગીરી કરવામાં આવે છે.

બેફામ પેશકદમીમાં જવાબદાર તંત્રવાહકો સામે પગલાં ભરાશે

નાના એવા બેટ દ્વારકામાં ત્રણ દિવસ દરમિયાન આશરે રૂપિયા પાંચ કરોડથી વધુ બજાર કિંમત ધરાવતા અને એક લાખ ફૂટ જગ્યા પર કરવામાં આવેલા ૪૬ જેટલા દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે. ત્યારે મહત્વની બાબત તો એ છે કે નાના એવા યાત્રાધામ બેટ દ્વારકામાં આટલી મોટી સંખ્યામાં સરકારી જમીનનો તેમજ જંગલ ખાતાની જગ્યા તથા ગૌચર પર દબાણ થઈ ગયું ત્યાં સુધી શું સ્થાનિક તંત્ર સુતું હતું? તંત્રના આવા બેજવાબદાર મનાતા કર્મચારીઓ સામે શું પગલાં લેવામાં આવશે? તે બાબતે વ્યાપક ચર્ચાઓ સાથે લોકોને મિટ મંડાઇ છે.

Gujarat