ચીનમાં 40 હજાર સ્ક્રીન પર લડકી રિલીઝ કરવાનો રામ ગોપાલ વર્માનો દાવો

Updated: Jul 8th, 2022


- ચીનમાં ત્યાંના સ્થાનિક કલાકારો સાથે પણ કેટલુંક શૂટિંગ થયું 

- કોઈ અભિનેત્રીને લેવાને બદલે માર્શલ આર્ટની જાણકાર યુવતીને જ મુખ્ય રોલમાં લઈ ફિલ્મ બનાવી દીધી 

મુંબઈ : એક સમયે સત્યા, રંગીલા અને સરકાર જેવી ફિલ્મોથી બોલીવૂડમાં ધાક જમાવનારા પરંતુ છેલ્લા કેટલાય સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ માર્શલ આર્ટ આધારિત ફિલ્મ લડકી બનાવી છે. રામ ગોપાલ વર્માના પ્રચાર અનુસાર આ ફિલ્મ ચીનમાં ૪૦ હજાર સ્ક્રીનમાં રિલીઝ થઈ રહી છે. 

રામ ગોપાલ વર્માના દાવા  અનુસાર પોતે બુ્રસ લીના બહુ મોટા ચાહક છે. તેમણે બે દાયકા પહેલાં બુ્રસ લીની માર્શલ આર્ટ આધારિત ફિલ્મ બનાવવાનું સપનું જોયું હતું. 

આખરે તેમણે પૂજા ભાલેકર નામની માર્શલ આર્ટ્સની જાણકાર યુવતી  સાથે લડકી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મનું હિન્દી અને તેલુગુ ઉપરાંત ચાઈનીઝ વર્ઝન પણ તૈયાર કરાયું છે. ફિલ્મનું કેટલુંક શૂટિંગ ચીનમાં પણ થયું છે અને તેમાં ચીનના સ્થાનિક કલાકારોએ પણ ભાગ લીધો છે. 

રામ ગોપાલ વર્માના જણાવ્યા અનુસાર તેમણે કોઈ સ્થાપિત હિરોઈનને લઈ તેને માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવાને બદલે માર્શલ આર્ટની જાણકાર હોય તે યુવતી સાથે જ ફિલ્મ બનાવવાનું પસંદ કર્યું છે. તેના લીધે ટ્રેનિંગ વગેરેનો સમય તથા લોજિસ્ટિક્સમાં બચાવ થયો છે. 

ઉલ્લખનીય છે કે ચીન ભારતીય ફિલ્મો માટે બહુ મોટું માર્કેટ છે અને ભૂતકાળમાં આમીર ખાન સહિતના કલાકારોએ પોતાની ફિલ્મ ચીનમાં વ્યાપક રીતે પ્રમોટ પણ કરી છે. ચીનમાં સૌથી વધુ ચાલેલી ભારતીય ફિલ્મોમાં દંગલ, સિક્રેટ સુપરસ્ટાર, પીકે, અંધાધૂંધ અને બજરંગી ભાઈજાનનો સમાવેશ થાય છે. 

    Sports

    RECENT NEWS