નાના પાટેકર લાંબા સમય પછી ફરી અભિનય ક્ષેત્રે કમબેક કરશે


- પ્રકાશ ઝાની સોશિયો  પોલિટીકલ વેબ સીરીઝમાં એક રાજનેતાના રોલથી ઓટીટી પર ડેબ્યુ કરશે

મુંબઇ : ડિજિટલ પ્લેટફોર્મ બોલીવૂડના ટોચના કલાકારોને કામ કરવા માટે આકર્ષી રહ્યું છે. ઓટીટી પર બનનારી વેબ સીરીઝો અને ફિલ્મો દર્શકોને પસંદ પડી રહી છે. હવે આ યાદીમાં નાના પાટેકરનું નામ પણ સામેલ થયું છે. 

નાના પાટેકર બોલીવૂડના શાનદાર એકટરમાંના એક છે. લાંબા સમયથી તેમણે અભિનયથી અંતર રાખ્યું છે. છેલ્લે તેઓ ૨૦૨૦માં ફિલ્મ ઇટસ માય લાઇફમાં જોવા મળ્યા હતા. પહેલા એવી ચર્ચા હતી કે,પ્રકાશ ઝાની આશ્રમ વેબ સીરીઝમાં નાના પાટેકર જોવા મળવાના છે. પરંતુ એમ થયું નથી. હવે નાનાએ પોતે જ પોતાના આગામી પ્રોજેક્ટ વિશે સ્પષ્ટતા કરી છે. 

નાના પાટેકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,  હું પ્રકાશ ઝાની એક લાલ બત્તી નામની વેબ સીરીઝ દ્વારા અભિનય ક્ષેત્રે પાછો ફરી રહ્યો છું. આ વેબ સીરીઝ રાજકારણના કાળા કર્મોને ઉઘાડા પાડશે. નાના પાટેકર તેમાં એક રાજનેતાના રોલમાં જોવા મળશે. 

આ પહેલા પણ નાના પાટેકર અને પ્રકાશ ઝાએ ૨૦૧૦ની ફિલ્મ રાજનીતિમાં સાથે કામ કર્યું હતું. જે રૂપેરી પડદે હિટ નીવડી હતી. હવે આ ફિલ્મની સિકવલની પણ ચર્ચા થઇ રહી છે. 

જોકે તેને બનવામાં હજી સમય લાગશે. રાજનીતિમાં નાના પાટેકર સાથે રણબીર કપૂર, અજય દેવગમ, નસીરૂદીન શાહ, કેટરીના કૈફ, મનોજ બાજપાયી જેવા દમદાર સિતારાઓ જોવા મળ્યા હતા. 

City News

Sports

RECENT NEWS