- ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંગનાએ સ્પષ્ટતા કરી કે, તેનો જન્મદિવસ 23 માર્ચે છે 20 માર્ચે નહીં
મુંબઈ, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર
બોલીવુડની પંગા ક્વીન એટલે કે, કંગના રનૌત પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. દેશ-વિદેશમાં થનારી ગતિવિધિઓ પર મોટાભાગે બેખૌફ રીતે પોતાની વાત મૂકનારી કંગના રનૌત હવે વિકિપીડિયા પર ભડકી ગઈ છે. એનું કારણ છે કે, વિકિપીડિયાએ તેના વિશે ખોટી જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કંગના રનૌતે પોતાનો ગુસ્સો ઈન્સ્ટા સ્ટોરી દ્વારા વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તેનો જન્મદિવસ અને બેકગ્રાઉન્ડ સહિત તેના વિશે વિકૃત જાણકારી આપી છે. એક્ટ્રેસે એ પણ કહ્યું કે, વિકિપીડિયા એકદમ ખોટુ અને ભ્રામક છે.
કંગના રનૌતનો ગુસ્સો વિકિપીડિયા પર તેના જન્મદિવસ વિશે આપવામાં આવેલી ખોટી માહિતી પર ફાટી નીકળ્યો અને તેણે બેફામપણે કહ્યું કે, ડાબેરીઓએ વિકિપીડિયા પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કંગનાએ સ્પષ્ટતા કરી કે, તેનો જન્મદિવસ 23 માર્ચે છે 20 માર્ચે નહીં.
ઈન્સ્ટા સ્ટોરી પર કંગનાએ લખ્યું કે, વિકિપીડિયા પર ડાબેરીઓએ સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. મારા વિશેની મોટા ભાગની માહિતી જેમ કે, મારો જન્મ દિવસ મારું બેકગ્રાઉન્ડ સંપૂર્ણ ખોટુ છે. અમે તેને સુધારવાનો લાખ પ્રયત્ન કરીએ તેમ છતાં પણ તે ખોટું જ રહે છે.

મારો જન્મદિવસ 23 માર્ચે છે
કંગનાએ વધુમાં કહ્યું કે, 'જો કે ઘણી રેડિયો ચેનલો, ફેન ક્લબ અને શુભેચ્છકો 20 માર્ચે જન્મદિવસની શુભેચ્છાઓ મોકલવાનું શરૂ કરે છે. મને કોઈ વાંધો નથી પણ સાચું કહું તો ઘણા લોકો કન્ફ્યુઝ છે કારણ કે વિકિપીડિયા કહે છે કે, મારો જન્મદિવસ 20મી માર્ચે છે અને હું 23મી માર્ચે મારો જન્મદિવસ ઉજવું છું. મારો જન્મદિવસ 23મી માર્ચે છે… કૃપા કરીને વિકિપીડિયા પર ના જશો તેના પર તદ્દન ખોટી અને ભ્રામક માહિતી આપવામાં આવી છે.


