Happy B'day Jeetendra: મોતના મુખમાં બચી ગયા જીતેન્દ્ર, કરવા ચોથના દિવસે બચ્યો જીવ
- વર્ષ 1976માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ હતી અને તેમાં લગભગ 171 લોકોએ જીવ ગુમાવ્યો હતો
મુંબઈ, તા. 07 એપ્રિલ 2022, ગુરૂવાર
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જીતેન્દ્ર (Jeetendra) આજે પોતાનો 80મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. પોતાની અભિનય કારકિર્દી દરમિયાન જીતેન્દ્રએ આપણને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. આ સાથે જ આ ફિલ્મો દ્વારા તેમણે ઘણી વખત જીવનમાં ઉતાર-ચઢાવ સામે લડવાની હિંમત પણ આપી છે. આજે જીતેન્દ્રના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી એક એવી ઘટના જણાવીશું જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરી શકશો. હકીકતમાં ઘણા વર્ષો પહેલા કરવા ચોથના દિવસે જીતેન્દ્ર મોતના મુખમાં જતા બચી ગયા હતા. જીતેન્દ્રએ પોતે જ નેશનલ ટેલિવિઝન પર આ વાતનો ખુલાસો કર્યો હતો.
શું હતો મામલો?
થોડા મહિના પહેલા કપિલ શર્મા શો દરમિયાન જીતેન્દ્રએ તેમના જીવન સાથે જોડાયેલી ઘણી યાદગાર વાતો શેર કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કરવા ચોથના દિવસે તેઓ મોતના મુખમાંથી બચી ગયા હતા. તે જ દિવસે તેમને કામ માટે બહાર જવાનું હતું અને તેમની ફ્લાઈટ પણ હતી. પત્ની શોભા કપૂરની વિનંતી પર જીતેન્દ્રએ બીજી ફ્લાઈટ પકડવાનું નક્કી કર્યું હતું. જીતેન્દ્રએ એવો પણ ખુલાસો કર્યો હતો કે, તેમના ઘરની છત પરથી એરપોર્ટ દેખાતું હતું અને તે કરવા ચોથની સાંજે તેમણે એ જ વિમાનને આગની જ્વાળાઓમાં લપેટાયેલું જોયું હતું જેમાં તેઓ મુસાફરી કરવાના હતા.
જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, તે ઘટના બાદ તેમના ફોન પર કોલ આવવા લાગ્યા હતા. બધાને ચિંતા હતી કે, જીતેન્દ્રની હાલત કેવી છે? જીતેન્દ્રએ જણાવ્યું હતું કે, તેમનો એક કો-સ્ટાર પણ તે ફ્લાઈટમાં હતો.
તમને જણાવી દઈએ કે, વર્ષ 1976માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ ક્રેશ થઈ હતી અને તેમાં લગભગ 171 લોકોએ જીવ ગુમાવ્યો હતો.