For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જન્મદિન વિશેષઃ ગરીબીમાં વીત્યું હતું એ આર રહમાનનું બાળપણ, આ ઘટના બાદ બની ગયા હતા હિંદુમાંથી મુસ્લિમ

Updated: Jan 6th, 2022


- ફિલ્મકાર મણિરત્નમે પોતાની ફિલ્મ 'રોજા'માં તેમને સંગીત આપવાની તક આપી હતી

નવી દિલ્હી, તા. 06 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

એ આર રહમાનનો જન્મ 06 જાન્યુઆરી, 1967ના રોજ તમિલનાડુની રાજધાની ચેન્નાઈ ખાતે થયો હતો. તેમનું આખું નામ અલ્લાહ રક્ખા રહમાન છે. જોકે તેમનું અસલી નામ 'દિલીપ કુમાર' હતું જે તેમને પસંદ નહોતું. પોતાના સંગીત દ્વારા લોકોના દિલમાં સ્થાન મેળવનારા રહમાનને સંગીત પોતાના પિતા દ્વારા વારસામાં મળ્યું છે. તેમના પિતા પણ સંગીતકાર હતા. પોતાની રચનાઓ દ્વારા રહમાને દેશ ઉપરાંત દુનિયામાં પણ નામના મેળવી છે અને તિરંગાનું માન વધાર્યું છે. ઓસ્કર વિનર સંગીતકારના જન્મદિવસ નિમિત્તે તેમના જીવન સાથે સંકળાયેલી કેટલીક રોચક વાતો જાણીએ. 

તેઓ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. તે સમયે શાળામાં ભણી રહેલા રહમાને પરિવારને મદદરૂપ થવા માટે કામ કરવું પડ્યું જેથી તેઓ પરીક્ષામાં પણ નાપાસ થવા લાગ્યા. એ હદે ગરીબી વધી રહી હતી કે, પરિવારજનોએ પૈસા માટે વાદ્યયંત્ર પણ વેચવા પડ્યા. રહમાન જ્યારે 15 વર્ષના હતા ત્યારે ઓછી હાજરીના કારણે તેમણે શાળા છોડી દેવી પડી. તેમણે પોતાના હુનરને જ હથિયાર બનાવ્યું અને આજે વિશ્વની તમામ મોટી સંગીત શાળાઓમાં રહમાનને ભણાવવામાં આવે છે. 

એક ઈન્ટરવ્યુ દરમિયાન રહમાને જણાવ્યું હતું કે, 25 વર્ષની ઉંમર સુધી તેઓ આત્મહત્યા કરવા અંગે વિચાર્યા કરતા હતા. પરંતુ સંગીતના શોખના કારણે તેઓ એવી સ્થિતિમાંથી બહાર આવ્યા અને તેમણે પોતાના શોખને જ પોતાનો વ્યવસાય બનાવી દીધો. 1991ના વર્ષમાં રહમાને ફિલ્મો માટે મ્યુઝિક બનાવવાનું શરૂ કર્યું હતું. ફિલ્મકાર મણિરત્નમે પોતાની ફિલ્મ 'રોજા'માં તેમને સંગીત આપવાની તક આપી હતી. 

એવું કહેવાય છે કે, 1984માં રહમાનની બહેનની તબિયત ખૂબ વધારે ખરાબ હતી અને તે જ વખતે તેમની મુલાકાત કાદરી સાથે થઈ. તેમની સેવા કર્યા બાદ રહમાનની બહેન સંપૂર્ણપણે સાજી થઈ ગઈ. ત્યાર બાદ તેમણે પોતાના પરિવાર સાથે મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો અને પોતાનું નામ દિલીપ કુમારમાંથી બદલીને અલ્લાહ રક્ખા રહમાન કરી દીધું હતું. 

રહમાનને અત્યાર સુધીમાં 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, 2 ઓસ્કર પુરસ્કાર, 2 ગ્રૈમી પુરસ્કાર, એક ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર, 15 ફિલ્મફેર પુરસ્કાર અને દક્ષિણ ભારતીય ફિલ્મો માટે 17 સાઉથ ફિલ્મફેર પુરસ્કાર મળી ચુક્યા છે. એ આર રહમાનનો ચેન્નાઈ ખાતે પોતાનો આગવો મ્યુઝિક સ્ટુડિયો પણ છે. 

એ આર રહમાનની પત્નીનું નામ સાયરા બાનો છે અને તેમના 3 બાળકો ખતીજા, રહીમા અને અમીન છે. તાજેતરમાં જ તેમની દીકરી ખતીજાની સગાઈ થઈ હતી. 

Gujarat