For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓલ લિવિંગ થિંગ્સ એનવાયર્નમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ૩૩ મૂવી દર્શાવાશે

- પર્યાવરણ જાગૃત્તિ માટેની ૧૧ ઈવેન્ટ લાઈવ કરાશે

- 'ધ લવ બગ્સ' નામની ફિલ્મ દુનિયાના સૌથી મોટા કિટક સંગ્રાહકો વિશેની છે

Updated: Nov 30th, 2020


મુંબઈ, તા.૩૦

મનોરંજક ફિલ્મોની માફક જગતભરમાં પર્યાવરણ ફિલ્મોના ફેસ્ટિવલ યોજાય છે. કેમ કે પર્યાવરણનું જતન જરૃરી છે અને એ અંગે જાગૃત્તિમાં ફિલ્મો મહત્ત્વનો ભાગ ભજવેે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને આ વખતે ભારતમાં ઓલ લિવિંગ થિંગ્સ એનવાયર્નમેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓનલાઈન યોજાશે. ૫થી ૧૩ ડિસેમ્બર દરમિયાન યોજાનારો આ ફેસ્ટિવલ શરૃઆતમાં પંચગીનીમાં યોજવાનું નક્કી થયું હતું.

આ ફિલ્મમાં ભારતની ૧૫ અને માડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા, જર્મની, યુ.કે., અમેરિકા, ગિની, મોઝામ્બિક વગેરે દેશોમાંથી આવેલી ૧૮ આંતરરાષ્ટ્રીય ફિલ્મો દર્શાવાશે. પર્યાવરણ અંગેની ફિલ્મો ફિચર ફિલ્મ પ્રકારની મનોરંજક નહીં પરંતુ પર્યાવરણ જાગૃત્તિનો સંદેશો આપતી અને સામાન્ય રીતે ન સ્પર્શાતા હોય એવા વિષયને સ્પર્શતી હોય છે.

જેમ કે 'ધ લવ બગ્સ' નામની ફિલ્મો કિટકો પર આધારિત છે. આ ફિલ્મમાં એન્ટમોલોજિસ્ટ (કિટક નિષ્ણાત) ચાર્લી અને લુઈસ ઓબ્રાયનની વાત છે, જેમની પાસેે ૧૦ લાખથી વધારે કિટકોનો સંગ્રહ છે. એ જગતનો સૌથી મોટો ખાનગી કિટક સંગ્રહ છે જેની કિંમત ૧ કરોડ ડૉલર કરતા પણ વધારે થવા જાય છે. સ્ટ્રૂપ નામની ફિલ્મ ગેંડાના શિંગડાની તસ્કરી અંગેની છે. આ ફિલ્મ દક્ષિણ આફ્રિકાની છે. 'એલિફન્ટ ઈન માય બેકયાર્ડ' નામની ભારતીય ફિલ્મ કર્ણાટકના જંગલોમાં હાથીના સંરક્ષણ અંગેની છે.

આ ઉપરાંત ફેસ્ટિવલ દરમિયાન લાઈવ ઈવેન્ટ એટલે કે વન્યજીવ સંરક્ષણના વિવિધ મુદ્દા અંગે ચર્ચા પણ યોજાશે. વન્યજીવોનું સંરક્ષણ કરીને પ્રવાસન કેમ વિકસાવવું એ જગત માટે મહત્ત્વનો પ્રશ્ન થઈ પડયો છે, તેની વાત અહીં યોજાનારી ઈવેન્ટ દરમિયાન થશે. આ ફેસ્ટિવલ સાથે ભારતીય વાઈલ્ડ લાઈફ ફિલ્મ મેકર માઈક પાંડે, બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફ, પર્યાવરણ ક્ષેત્રે કામ કરી રહેલા ગીતા ઝોહરી, કુણાલ ખન્ના વગેરે આ ફેસ્ટિવલ દ્વારા વન્યજીવ સંરક્ષણનો નવતર પ્રયાસ કરી રહ્યા છે.

 

Gujarat