સમ્રાટ પૃથ્વીરાજ અડધો ખર્ચો પણ નહીં કાઢે, ઓટીટી પર વહેલી આવી જશે


મુંબઈ, તા. 12 જૂન 2022, રવિવાર

અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ તેના નિર્માણનો અડધો ખર્ચ પણ ટિકિટ બારી પરથી કાઢી શકે તેવી શક્યતાઓ હવે તદ્દન નહીંવત્ત જણાઈ રહી છે. આ સંજોગોમાં ફિલ્મ બહુ જલ્દીથી ઓટીટી પર આવી જાય તેવી સંભાવના છે. 

યશરાજ બેનરની આ ઐતિહાસિક ફિલ્મ પાછળ 200 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હોવાનું અંદાજવામાં આવે છે. જોકે,  આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા જ દિવસથી ડચકાં ખાવા માંડી હતી અને દિવસોદિવસ તેના કલેક્શનમાં કોઈ મોટો જમ્પ આવ્યો ન હતો. હાલત એવી થઈ ગઈ હતી કે કેટલાંય સ્થળોએ એક પણ પ્રેક્ષક ન મળતાં તેના શો રદ કરવા પડ્યા હતા. 

ટ્રેડના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ આ ગતિએ માંડ 65 કરોડનાં કલેક્શન પર પહોંચે તેવી સંભાવના છે. મતલબ કે તેના નિર્માણનો અડધો ખર્ચ પણ નહીં નીકળે. હવે જલ્દીથી કોસ્ટ રિકવર કરવા માટે યશરાજ ફિલ્મ્સ તેને વહેલી તકે ઓટીટી પર રિલીઝ કરી દે તેવી સંભાવના છે. સામાન્ય રીતે ફિલ્મની થિયેટરમાં રિલીઝની તારીખ અને ઓટીટી રિલીઝ વચ્ચે આઠ સપ્તાહનો સમયગાળો નક્કી થયો છે. જોકે, કોરોના મહામારી પછી થિયેટર્સ બંધ થવા લાગ્યાં અને બોક્સ ઓફિસ રેવેન્યુમાં કડાકો બોલાવા માંડ્યો ત્યારે મલ્ટીપ્લેક્સ એસોસિએશન, પ્રોડ્યૂસર્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે થિયેટર રિલીઝ અને ઓટીટી વચ્ચે ચાર સપ્તાહનો જ લઘુત્તમ ગેપ રાખી શકાશે. આશા એવી હતી કે થિયેટરો ફરી ખુલશે અને ફિલ્મો સારી ચાલશે તો આ ગેપ વધારીને આઠ સપ્તાહની પૂર્વવત સ્થિતિએ લાવી શકાશે. 

કમનસીબે ભૂલભૂલૈયા જેવી એક-બે ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. આથી નિર્માતાઓ વહેલો ખર્ચો કાઢવા ચાર સપ્તાહમાં જ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરાવી દેવા માટે મજબૂર બન્યા છે. યશરાજ બેનરની જ જયેશભાઈ જોરદાર પર બહુ ખરાબ રીતે પિટાઈ ગયા બાદ એક મહીના કરતાં પણ ઓછા સમયમાં ઓટીટી પર રિલીઝ થઈ ગઈ હતી. હવે સમ્રાટ પૃથ્વીરાજ પણ તે જ માર્ગે છે.

City News

Sports

RECENT NEWS