Get The App

ટ્રમ્પનું ટેરિફ વૉર તો મહોરું છે, અસલી ચહેરો છે ડીલ ડિપ્લોમસી

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનું ટેરિફ વૉર તો મહોરું છે, અસલી ચહેરો છે ડીલ ડિપ્લોમસી 1 - image


- વર્લ્ડ વિન્ડો

- ટેરિફનું હથિયાર ઉગામીને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન કંપનીઓ માટે ગ્લોબલ માર્કેટમાં જગ્યા બનાવી રહ્યા છે. યુરોપથી એશિયા-આફ્રિકા સુધી ટ્રમ્પનું આ શસ્ત્ર કારગત નીવડે એવી પૂરી શક્યતા છે

અમેરિકન ડિપ્લોમેટ અને વિદેશનીતિના એક્સપર્ટ ડેનિસ રોસે એક વખત કહેલું: સફળ ડિપ્લોમસી એ છે જેમાં બતાવવાનું કંઈક જુદું હોય અને મેળવવાનું હોય એનાથી તદ્ન અલગ. રાજદ્વારી સંબંધોમાં આમેય બે વાક્યો કરતાં એની વચ્ચે ન કહેવાયેલી વાત વધારે મહત્ત્વની હોય છે. ચાવવાના અલગ દાંત અને બતાવવાના અલગ દાંત - એ વિદેશનીતિ છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વ્યૂહને બરાબર અજમાવી રહ્યા હોય એમ લાગે છે.

ટ્રમ્પ બિઝનેસમેનમાંથી રાજકારણી બન્યા છે અને રાજકારણી બન્યા પછીય બિઝનેસમેન રહી શક્યા છે. ટ્રમ્પ દિમાગથી રાજનેતા ઓછા ને બિઝનેસમેન વધુ છે. રાજકારણીઓની બધી જ ગણતરીઓ ફાયદા-નુકસાનની હોય છે. બિઝનેસની બધી ગણતરી નફા-નુકસાનની હોય છે. ટ્રમ્પની ગણતરીમાં આ બંને આવે છે. ટ્રમ્પ રાજકીય ફાયદાનો વિચાર તો કરે જ છે, પરંતુ એ પહેલાં વેપારી નફાનો વિચાર કરે છે. તેમની વિદેશનીતિ હોય કે આંતરિક બાબતો હોય - દરેકમાં આ નફાનું ગણિત પહેલાં કામ કરે છે. ફાયદો શું થશે? આ તેમનો કેન્દ્રીય વિચાર છે અને એમાંથી ટ્રેડ વૉર પણ બાકાત નથી.

આમ તો ટ્રેડ વૉર એ અમેરિકન સરકારની મજબૂરી છે. છેલ્લાં બે દશકામાં ચીનની કંપનીઓએ જગતના વેપારમાં જે ઘૂસણખોરી કરી છે એ અભૂતપૂર્વ છે. દુનિયાનું જે માર્કેટ સર કરતાં બ્રિટનને ૨૦૦ વર્ષ લાગ્યાં હતાં ને અમેરિકાને એ માર્કેટમાં પગપેસારો કરતાં ૧૦૦ વર્ષ થયાં હતાં - ત્યાં ચીને ૨૫ વર્ષમાં જગ્યા કરી છે. ચીનની ઝડપ ખરેખર ડ્રેગન જેવી છે. બે-અઢી દશકામાં ચીને પ્રોડક્શનના ક્ષેત્રમાં જે તરક્કી કરી છે એની કોઈએ કલ્પના કરી ન હતી. અમેરિકા જગત જમાદારીમાં વ્યસ્ત રહ્યું ને રશિયાને મુખ્ય દુશ્મન માનીને એના ટુકડા કરવામાં સમય આપતું હતું ત્યારે ચીનની કંપનીઓ આખા વિશ્વમાં અમેરિકન કંપનીઓનો વિકલ્પ બની રહી હતી.

જીવનજરૂરી ચીજવસ્તુઓના પ્રોડક્શનથી માંડીને ફાર્મા, ટેકનોલોજીથી માંડીને ગાર્મેન્ટ, ઈલેક્ટ્રોનિક્સથી માંડીને ઈવી સુધીના માર્કેટ પર ચીની કંપનીઓએ કબજો જમાવી લીધો. ચીની કંપનીઓનો મુકાબલો કરવાનું અમેરિકન કંપનીઓનું ગજું જ રહ્યું નહીં. આઈટીમાં અમેરિકન સિલિકોન વેલીના દબદબાનેય ચીને છેલ્લાં એક દશકામાં ટક્કર આપી. સોશિયલ મીડિયા કંપનીઓની વાત હોય તો એમાં અમેરિકાનો દબદબો યથાવત ખરો, નહીંતર ચીન બીજાં અનેકાનેક સેક્ટર્સમાં અમેરિકા પર ભારે પડી રહ્યું છે. અમેરિકાની વિશાળ કંપનીઓના બિઝનેસમાં છેલ્લાં એક દશકામાં ધરખમ ઘટાડો થયો છે. જો અમેરિકાએ આ સ્પર્ધામાં ટકી રહેવું હોય તો ફરીથી ગ્લોબલ માર્કેટમાં જગ્યા બનાવવી પડે અને તેમને જગ્યા અપાવવા મેદાને પડયા છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ.

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત ૨૦૧૬માં પ્રમુખ બન્યા ત્યારે જ તેમની પૉલિસી સ્પષ્ટ હતી. એ વખતે અમેરિકન મીડિયામાં અહેવાલો આવતા હતા કે ટ્રમ્પ શક્તિશાળી બિઝનેસ વર્લ્ડના ઈશારે અમુક નિર્ણયો કરી રહ્યા છે. પહેલી ટર્મમાં પણ ટ્રમ્પે ચીન સામે ટેરિફ વૉર છેડીને અમેરિકન કંપનીઓને આર્થિક રીતે ફાયદો થાય એવા પ્રયાસો કર્યા હતા. ત્યારે થોડીઘણી સફળતા મળી હતી, પણ કોરોના ત્રાટક્યો એમાં ટ્રમ્પને બીજી ટર્મ મળી નહીં ને આગળની વાત અધૂરી રહી ગઈ.

બીજી ટર્મ મળી તે સાથે જ ટ્રમ્પ બમણા જોશથી એક્ટિવ થયા છે. તેમણે આવતાંની સાથે જ કેનેડા-ચીન જેવા દેશો પર ટેરિફ લગાડી દીધો. એ પછી તો યુરોપિયન સંઘ પણ ટ્રમ્પના ટેરિફ ટેરરથી બાકાત ન રહ્યો. ભારત સહિતના કેટલાય દેશો પર ટેરિફની ધમકી સતત આપતા રહેલા ટ્રમ્પે અત્યાર સુધીમાં નાના-મોટા ત્રણ-ચાર ડઝન જેટલા દેશો પર ટેરિફ લગાડી દીધો છે. એપ્રિલમાં તો ૨૬ ટકા સુધીના ટેરિફની જાહેરાત કરી દીધી હતી, પરંતુ એનાથી અમેરિકન કંપનીઓને ફાયદાને બદલે નુકસાન થયું એટલે પીછેહઠ કરીને અમેરિકાએ ૧૦ ટકા ટેરિફની જાહેરાત કરવી પડી હતી. ટ્રમ્પના ટેરિફ વૉરથી એવી દહેશત પણ વ્યક્ત થવા માંડી કે તેનાથી ગ્લોબલ ઈકોનોમીને મોટો ફટકો પડશે. દુનિયાભરના સ્ટોક માર્કેટ પર એની અવળી અસરો થઈ.

દુનિયાભરના રોકાણકારોના અબજો ડોલર ધોવાઈ ગયા. તે છતાં ટ્રમ્પે ટેરિફની તલવાર મ્યાન ન કરી, કારણ કે ટ્રમ્પ ટેરિફના શસ્ત્રથી અમેરિકન કંપનીઓ માટે વેપારની જગ્યા બનાવી રહ્યા છે. ચીનની કંપનીઓ સામે નબળી પડી રહેલી અમેરિકન કંપનીઓને દુનિયા આખીમાં વેપારની તક મળે એ માટે ટ્રમ્પ ટેરિફની ધમકી આપી રહ્યા છે. ટેરિફ વૉર એ ટ્રમ્પ સરકારની લાંબા ગાળાની યોજનાનો હિસ્સો છે. અમેરિકન કંપનીઓ પર વિશ્વમાં જે ટેરિફ લાગે છે એ હટી જાય તો તેમના પર આર્થિક બોજો ઘટે અને માર્કેટમાં ચીજવસ્તુઓ સસ્તી આપી શકે તો ચીનને ટક્કર આપી શકાય એ ટ્રમ્પનો મુખ્ય હેતુ છે.

ટેરિફ વૉરના બહાને ટ્રમ્પે ડીલ ડિપ્લોમસી અમલમાં મૂકી છે. એનાં પરિણામો પણ મળતાં થયાં છે. અમેરિકા-ઈન્ડોનેશિયા વચ્ચે એક વેપારી કરાર થયો. એ પ્રમાણે ઈન્ડોનેશિયાની ચીજવસ્તુઓ પર અમેરિકા માત્ર ૧૯ ટકા ટેરિફ લગાડશે અને તેના બદલામાં ઈન્ડોનેશિયામાં અમેરિકન કંપનીઓ કોઈ જ ટેરિફ વગર વેપાર કરશે. ટ્રમ્પે આની જાહેરાત કરતાં થોડા દિવસ પહેલાં કહ્યું હતું - 'આ ઐતિહાસિક ડીલ છે. અમેરિકાને આ રીતે ક્યારેય ઈન્ડોનેશિયામાં વેપારની આવી તક મળી નથી. આપણે ઈન્ડોનેશિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ અને એ પણ ઝીરો ટેરિફથી, ગ્રેટ!'

ટ્રમ્પની સરકારે છેલ્લાં થોડા સમયમાં આવા કરારો એક, બે નહીં લગભગ ૨૦ દેશો સાથે કર્યા છે. ભારત સહિતના બીજા ૧૦-૧૫ દેશો સાથે લાઈન-અપ થઈ રહ્યું છે. ટ્રમ્પે જ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'ભારત સાથે વાટાઘાટો ચાલી રહી છે. જો બધું સરખું પાર ઉતરશે તો ભારત-અમેરિકાની ડીલ ટૂંક સમયમાં થઈ જશે. ભારત પણ મૂળ આ દિશામાં જ કામ કરી રહ્યું છે ને ભારતમાં પણ અમેરિકાની એન્ટ્રી થઈ જશે. પહેલાં આપણા લોકો (અમેરિકન કંપનીઓ) ત્યાં પહોંચી શકતી ન હતી, પરંતુ હવે ટેરિફના કારણે આપણા પ્રવેશનો માર્ગ મોકળો બન્યો છે.'

ભારત અમેરિકન કંપનીઓ પર જે ટેરિફ લગાડે છે તે વાજબી નથી એવું એકથી વધુ વખત ટ્રમ્પ કહી ચૂક્યા છે. અમેરિકા માટે ભારત બહુ જ વિશાળ માર્કેટ છે. કેટલીય કંપનીઓને ભારતમાં તક છે. ચીનની કંપનીઓ પર ભારતમાં પ્રતિબંધ હોવાથી અમેરિકન કંપનીઓ માટે અનુકૂળ વાતાવરણ છે. ટ્રમ્પ આ વાત બરાબર સમજે છે. એટલે જ ભારત-અમેરિકા વચ્ચે માત્ર ૧૦ ટકા ટેરિફનું ફ્રેમવર્ક થઈ રહ્યું છે. ટેરિફના નામે પહેલાં કડકાઈ બતાવવી ને પછી નરમ પડીને ટ્રેડ ડીલ કરવી એ ટ્રમ્પનો વ્યૂહ છે. એ વ્યૂહના આધારે જ ટ્રમ્પ એશિયાથી આફ્રિકા અને યુરોપના દેશો સાથે અમેરિકન કંપનીઓનો વેપાર વધારવા પ્રયાસો કરે છે. જો એમાં ધારી સફળતા મળશે તો અમેરિકન કંપનીઓ ફરીથી મજબૂત બનશે એ નક્કી છે.

Tags :