86 દેશની જેલમાં 10152 ભારતીયો કેદ, સૌથી વધુ બે મુસ્લિમ દેશોમાં સજા હેઠળ, જાણો ગુજરાતીઓની સ્થિતિ
- ભારતીયોને સૌથી વધુ કેદ કરાયા છે તેવા દેશોમાં સાઉદી મોખરે, યુએઈ બીજા અને નેપાળ ત્રીજા ક્રમે, 12 દેશોમાં 100થી વધુ ભારતીય કેદીઓ જેલમાં બંધ છે
- નેપાળમાં મોટી સંખ્યામાં ભારતીયોને જેલ થાય છે અને છોડવામાં પણ આવે છે : પંજાબ, બંગાળ, તમિલનાડુ, ગુજરાત અને મણિપુરના લોકો સૌથી વધારે કેદમાં : 2684 ભારતીયો એવા છે જેમની સામે વિદેશી અદાલતોમાં મોટા કેસ ચાલી રહ્યા છે, તેમાં પણ સાઉદી અરેબિયામાં 1226 ભારતીયો સામેના કેસ વિચારાધીન છે, યુએઈમાં 294, બેહરીનમાં 144, કતારમાં 123 અને મલેશિયામાં 121 ભારતીયો સામેના કેસ વિચારાધીન સ્થિતિમાં છે : ભારતીયોની જ વાત કરવામાં આવે તો 54 ભારતીયોને વિદેશમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે, યુએઈમાં સૌથી વધારે 29 ભારતીયોને જ્યારે સાઉદીમાં 12 ભારતીયોને મોતની સજા ફટકારવામાં આવી છે
Indians in Jail News : ભારતીયોની છાપ સામાન્ય રીતે સરળ અને સજ્જન લોકોમાં થતી હોય છે તેમ છતાં દુનિયાના એવા ઘણા દેશો છે જેમાં ભારતીય નાગરિકોને જેલની સજા મળે છે. તાજેતરમાં યમનમાં ફસાયેલી મોતની સજા મેળવનારી ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી હાલ પૂરતી ટળી ગઈ છે પણ તેના માટે મોતની સજાનું સંકટ ઓછું થયું નથી. ભારત સરકાર દ્વારા લગભગ હાથ ઉંચા કરી દેવાયા છે અને આ કેસમાં હવે કશું જ થાય તેમ દેખાતું નથી. યમનમાં પીડિત પરિવાર દ્વારા અલ્લાહ કા કીસાસ કાનૂન હેઠળ સજા કરવાની જ જીદ પકડવામાં આવી છે. આ કાયદો એક શરિયત કાયદો છે. તેના હેઠળ આંખની સામે આંખની વાત છે. સૂત્રોમાં ગણગણાટ છે કે, નિમિષા પ્રિયાએ હત્યા કરી છે તો તેને પણ મોતની જ સજા આપવામાં આવે તે જ યોગ્ય હોવાનું પીડિત પરિવાર માની રહ્યો છે.
આ તમામ બાબતો વચ્ચે એક માહિતી એવી પણ છે જેણે સૌનું ધ્યાન ખેંચેલું છે. માત્ર નિમિષા પ્રિયા જ નહીં પણ દુનિયાભરના ઘણા દેશોમાં ભારતીય નાગરિકો કેદી તરીકે જેલમાં બંધ છે અને તેમની સામે કાયદાકીય કામગીરી ચાલી રહી છે. ઘણાને મૃત્યુદંડની પણ સજા જાહેર કરી દેવાઈ છે. ઘણાને આજીવન કેદની સજા ફટકારાઈ છે તો કેટલાક સામે કેસ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં જ આવેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં દુનિયાભરના વિવિધ દેશોમાં 10000 કરતા વધારે ભારતીયો જેલમાં કેદ છે. સંસદમાં થોડા સમય પહેલાં રજૂ કરવામાં આવેલા સરકારી અહેવાલમાં જણાવાયું હતું કે, 10152 ભારતીયો વિદેશની જેલોમાં કેદ છે. દુનિયાના 86 દેશોમાં આ ભારતીયો જેલની સજા ભોગવી રહ્યા છે. દુનિયાના 12 દેશો એવા છે જેમાં ભારતીય કેદીઓની સંખ્યા 100 કરતા વધારે છે.
સંસદમાં રજૂ કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સૌથી વધારે ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં બંધ છે. અહીંયા 2633 ભારતીયોને વિવિધ ગુના હેઠળ કેદ કરવામાં આવેલા છે. ત્યારબાદ સંયુક્ત આરબ અમિરાત એટલે કે યુએઈનું નામ આવે છે. યુએઈમાં 2518 ભારતીયો સજા ભોગવી રહ્યા છે. ભારતીયોને જેલમાં ધકેલવા મુદ્દે ભારતનો પાડોશી દેશ નેપાળ વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. નવાઈની વાત એવી છે કે, નેપાળ અને ભારત વચ્ચે ખુલ્લી સરહદ છે, સુમેળભર્યા સંબંધો છે છતાં નેપાળમાં ભારતીય કેદીઓની સંખ્યા વધારે છે. નેપાળમાં 1317 ભારતીય નાગરિકો જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમાં 300 થી વધારે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. નેપાળમાં ભારતની સરખામણીએ કાયદા જુદા છે અને તેના લીધે ભારતીયો ફસાઈ જાય છે. અહીંયા મોટાભાગે વિદેશી નાગરિકને યોગ્ય અપિલ કરવા મળતી નથી અને તેના કારણે તેને જામીન તો મળતા જ નથી.
ભારતમાં અનેક આતંકી હુમલા અને બોમ્બ વિસ્ફોટનો અપરાધી યાસીન ભટકલ 2013માં નેપાળમાં જ પકડાયો હતો. ત્યારબાદ તેને ભારતને સોંપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 1993માં મુંબઈમાં થયલા બ્લાસ્ટમાં સંડોવયેલો અબ્દુલ ટુંડા પણ 2013માં નેપાળમાંથી પકડાયો હતો. તેને પણ ત્યારબાદ ભારત મોકલાયો હતો. તે હાલમાં પણ ભારતની જેલમાં છે. નેપાળની જેમાં 300થી વધારે ભારતીય મહિલાઓ પણ કેદ છે.
આ સિવાય કોઈ ભારતીય મહિલા કેદીઓ વિશે ક્યારેય કોઈ માહિતી આવી નથી. ઉલ્લેખનીય છે કે, ભારતીયો જ નહીં નેપાળમાં ચીની કેદીઓને પણ જમાવડો છે. ગત વર્ષે નેપાળમાં 22 ચીની નાગરીકોને પણ જેલમાં ધકેલવામાં આવ્યા હતા. ચીની લોકોને માનવ તસ્કરી, માદક પદાર્થોની હેરફેર તથા સાઈબર ફ્રોડના કેસમાં પકડવામાં આવ્યા હતા. કતારમાં 611, કુવૈતમાં 387, મલેશિયામાં 338, બ્રિટનમાં 288, બેહરીનમાં 181, ચીનમાં 173, ઈટાલીમાં 168 અને ઓમાનમાં 148 ભારતીયોને જેલમાં ધકેલવામાં આવેલા છે. પાકિસ્તાન કે જેની સાથે ભારતને અનેક પ્રકારના વિવાદ છે તેમાં પણ 266 ભારતીય કેદીઓને જ રાખવામાં આવ્યા હોવાનો અધિકારિક અહેવાલ સામે આવેલો છે. બીજી તરફ 2684 ભારતીયો એવા પણ છે જેઓ વિદેશોમાં કોર્ટ કેસમાં અટવાયેલા છે. તેમના ગુના અને સજાઓ વિચારાધીન છે. સાઉદી અરેબિયામાં સૌથી વધારે 1226 ભારતીય કેદીઓ વિચારાધીન છે. ત્યારબાદ યુએઈમાં 294, બહેરીનમાં 144, કતારમાં 123 અને મલેશિયામાં 121 ભારતીયો સામેના કેસ વિચારાધીન છે. આ કેસમાં જે ચુકાદા આવશે ત્યારબાદ આંકડામાં મોટા ફેરફાર જોવા મળે તેવી આશંકા સેવાઈ રહી છે. તેમાં એવું પણ જણાવાયું છે કે, 54 ભારતીય નાગરિકોને વિદેશની અદલાતો દ્વારા મૃત્યુદંડની સજા પણ કરવામાં આવેલી છે. તેમાં યુએઈની અદાલતો દ્વારા 29 ભારતીયોને જ્યારે સાઉદીની અદાલત દ્વારા 12 ભારતીયોને મૃત્યુ દંડની સજા ફટકારવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં ભારતીય કેદીઓ અંગે એક ડેટા સામે આવ્યો હતો. ખાસ કરીને ૨૦૨૨ના અંતમાં જ્યારે કતાર દ્વારા આઠ ભારતીય નાવિકોને મોતની સજા ફટકારવામાં આવી તે સમયથી વિદેશની જેલમાં સબડતા ભારતીયો વિશે સરકાર વધારે ગંભીર બની છે. તેમનો ડેટા મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ આઠ નાવિકો મુદ્દે ભારત સરકારે સમયસુચકતા દાખવી અને તેમને ન્યાય મેળવવા માટે મદદ પણ કરી હતી. ૨૦૨૪ની જ વાત કરીએ તો ડિસેમ્બરના અંતમાં શ્રીલંકન નેવી દ્વારા 50 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે સામે આવ્યું કે, 10 દેશમાં ભારતના અંદાજે 2700 માછીમારો કેદ થયેલા છે. તેમાં ઈરાનમાં 27, શ્રીલંકામાં 501, યુએઈમાં 5, બાંગ્લાદેશમાં 309, બહરીનમાં 12, મ્યાંમારમાં 19, પાકિસ્તાનમાં 1060, કતારમાં 54, સાઉદીમાં 564 અને સેશેલ્સમાં 61 ભારતીય માછીમારોનો સમાવેશ થાય છે.
આ વર્ષે પણ 307 માછીમારોને કેદ કરવામાં આવ્યા છે. તેમાં પાકિસ્તાનમાં સૌથી વધારે 217, ત્યારબાદ શ્રીલંકામાં 58, સાઉદી અરેબિયામાં 28 અને બેહરીનમાં 4 માછીમારોનો સમાવેશ થાય છે. બીજી તરફ ગત વર્ષે શ્રીલંકાએ 497 ભારતીય માછીમારોને મુક્ત પણ કર્યા હતા. તે ઉપરાંત બાંગ્લાદેશે 95, બેહરીને 47, કતારે 29 અને સાઉદી અરેબિયાએ 27 માછીમારોને મુક્ત કર્યા હતા.
નેપાળમાં બોર્ડર ટેક્સ ચોરી અને નકલી નોટોના કેસમાં સજા ભોગવતા ભારતીયો વધારે
નેપાળમાં સીમા શુક્લની ચોરી કરવાના કેસ વધારે થતા હોય છે. તેમાં પકડાતા આરોપીઓમાં ભારતીયોનું પ્રમાણ પણ વધારે હોવાના અહેવાલ છે. જાણકારોના મતે નેપાળમાં ભારતીયો આ ગુના કરતા જોવા જ મળ્યા છે. તેઓ સીમા શુલ્ક બચાવવાનો પ્રયાસ કરતા હોય છે અને તેમાં પકડાઈ જાય છે. તેના કારણે તેમને જેલ થાય છે. ૨૦૨૩ની વાત કરીએ તો નેપાળમાં જેલની સજા ભોગવનારા 27ભારતીયોમાંથી અડધા એટલે કે 13 લોકોની ધરપકડ સીમા શુલ્ક ચોરી માટે જ કરવામાં આવી હતી. ત્યારબાદ આવે છે નકલી ચલણી નોટોની ઘુસણખોરી અને લેવડદેવડ.
નાણાકિય છેતરપીંડીના કેસમાં ભારતીયો પકડાય છે અને જેલહવાલે થાય છે. ગત વર્ષે પાંચ ભારતીયો નકલી નોટોની લેવડ દેવડમાં પકડાયા હતા. ત્યારબાદ માદક પદાર્થો અને નશીલી દવાઓની તસ્કરીના કેસમાં પણ ભારતીયોને વધારે સજા થતી હોય છે.
થોડા સમય પહેલાં જ એક સંગઠિત ગુના સાથે જોડાયેલા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. માનવ તસ્કરીના હાઈ પ્રોફાઈલ કેસમાં આઠ ભારતીયોની પણ અટકાયત કરવામાં આવી હતી. આ સીવાય કેટલાક ભારતીયોની નકલી દસ્તાવેજો બનાવીને નેપાળની નાગરીકતા મેળવવાના કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. અહીંયા ભારતીયોને રોજની કામગીરી માટે નેપાળના ૪૫ રૂપિયા એટલે કે ભારતીય ચલણ પ્રમાણે માત્ર 29રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત ભારતીય કેદીઓને દૈનિક 700 ગ્રામ ભોજન આપવામાં આવે છે.
અમેરિકાની જેલોમાં સજા ભોગવનારામાં પંજાબી મોખરે, ગુજરાતીઓ બીજા ક્રમે
વિદેશની જેલોમાં સૌથી વધારે પંજાબના લોકો છે. પંજાબના 156 લોકો વિદેશોની જેલમાં ગંભીર ગુનામાં કેદમાં છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળના 142, તમિલનાડુના 122, ગુજરાતના 74, મણિપુરના 65, યુપીના 38, કેરળના 31, દિલ્હીના 29, આસામના 25 અને મહારાષ્ટ્રના 21 લોકો વિદેશની જેલમાં છે. આ સિવાય પણ ઘણા રાજ્યોના નાની-મોટી સંખ્યામાં વિદેશની જેલોમાં ફસાયેલા છે. વિદેશની જેલોમાં ભારતીયોની સંખ્યાની વાત કરીએ તો અમેરિકામાં ગંભીર ગુનામાં પકડાયેલા કે સજા કાપી રહેલા ભારતીયોની સંખ્યા ઓછી છે. તેમ છતાં અમેરિકામાં છેલ્લાં આંકડા પ્રમાણે 170 ભારતીયો ગંભીર ગુનામાં અમેરિકી જેલમાં સજા કાપી રહ્યા છે. આ લોકોમાંથી સૌથી વધારે 89 લોકો પંજાબના વતની છે અથવા મૂળ પંજાબી લોકો છે. ત્યારબાદ બીજા ક્રમે આવે છે ગુજરાતીઓ. ગુજરાતી કે મૂળ ગુજરાતના લોકોમાંથી 38 લોકો ગંભીર ગુનામાં અમેરિકાની જેલમાં સજા ભોગવી રહ્યા છે. પંજાબના 22 લોકો ફિલિપાઈન્સની જેલમાં પણ સબડી રહ્યા છે. તેવી જ રીતે ઈરાનમાં 16 ગુજરાતીઓ જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારબાદ આવે છે પશ્ચિમ બંગાળ જેના 65 નાગરિકો ભુતાનમાં, 50 નાગરિકો બાંગ્લાદેશમાં અને 10 નાગરિકો ચીનની જેલમાં કેદ છે. મણિપુરના ૫૭ નાગરિકો મ્યાંમારની જેલમાં સજા કાપી રહ્યા છે. વધારે ભારતીયો જેલમાં હોવાના કિસ્સામાં તમિલનાડુનું પણ નામ છે. તમિલનાડુના 18 નાગરિકો ઈરાનમાં, 44 નાગરિકો સિંગાપુરમાં 33 નાગરિકો શ્રીલંકામાં અને 13 નાગરિકો માલદિવ્સની જેલમાં છે.