Get The App

બોલો, આ દેશમાં ઊંઘવાનું ચેમ્પિયન કોણ છે

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
બોલો, આ દેશમાં ઊંઘવાનું ચેમ્પિયન કોણ છે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- એઆઈ આપણા વતી બધું કરી આપે, પણ ઊંઘી ન શકે. એમાં જાત મહેનત ઝિંદાબાદ સિવાય આરો નથી.

જાગવંતભાઈ  ભરબપોરે  ભર નિંદ્રામાં હતા ને એમના માથા પર કોઈએ ટપલી મારી. 'જાગી જા, ભાઈ.'

કોઈ ઉઘરાણીવાળો આવી બપોરે આવ્યો કે શું તેવી ચિંતાથી જાગવંતે નાછૂટકે આંખો ઉઘાડી, ચોળી અને પહોળી કરી. સામે કોઈ પડછંદ દેહ અને કરડા ચહેરાવાળો માણસ ઊભો હતો. જાગવતંભાઈને ચીસ પાડવી હતી, પણ તેમ કરવામાં પણ તેમને આ પડછંદની બીક લાગી. 

'હાશ... મને  એમ કે મને જગાડવા માટે જેમ કાનમાં ઢોલ વગાડવા પડતા હતા અને શરણાઈઓ ફૂંકવીપડતી હતી એમ તને જગાડવા પણ  આજની ફિલ્મોનું મ્યુઝિક તારા કાને મારવું  પડશે.'

'બહુ જાણકાર લાગો છો. આપનો પરિચય ?' જાગવંતે હિંમત એકઠી કરી.

'લે, કાનમાં ઢોલ વગાડવાની વાત પરથી પણ મને ન ઓળખ્યો? હું કુંભકર્ણ, જાત્તે પોત્તે.'

જાગવંતની આંખો પૂરેપૂરી ઉઘડી ગઈ. જાગવંતે એક લાંબું બગાસું ખાઈને તેમનું અભિવાદન કર્યું. 'બોસ, તમે કુંભકર્ણ જેવા કુંભકર્ણ થઈને કોઈની  ઊંઘ બગાડી?ખરેખર  ઘોર કળિયુગ કહેવાય.'

'અરે દોસ્ત, કળિયુગ નો અહેસાસ તો મને એ વાત જાણીને થયો કે  હવે દેશમાં  ઊંઘવાની પણ સ્પર્ધાઓ થવા લાગી છે. જે સૌથી લાંબું સારુ ઊંઘે તેને લાખોના ઈનામ મળે છે.'

'બોસ, હાલ ફેસબુક પોસ્ટ, વ્હોટસએપ ચેટિંગ અને  ઈન્સ્ટા રીલના જમાનામાં  સૂઈ જવું કેટલું ટફ છે એ તમારા જેવી જૂની જનરેશનને નહીં  સમજાય. લોકોને ઊંઘવા માટે  પ્રોત્સાહન આપવું પડે તેવી હાલત ખરેખર છે.'

'ઓહો, મને તો એમ કે  આ ટેકનોલોજીના જમાનામાં તમે લોકોએ ઊંઘવા માટે પિલ્સને બદલે કોઈ નવી ટેકનિક શોધી કાઢી હશે.'

'અરે સાહેબ,  આમ તો હવે તો એઆઈનો જમાનો છે. અમારાં બધાં કામ એઆઈ કરી નાખે છે, પણ એ અમારા વતી ઊંઘી  નથી શકતું.  એમાં તો જાતમહેનત ઝિંદાબાદ સિવાય આરો જ નથી.'

એ વખતે કુંભકર્ણે જ બગાસું ખાધું અને કહ્યું, 'જે હોય તે, તમારી આ બધી ઊંઘવાની સ્પર્ધાઓ નર્યો પાખંડ છે.'

'કેમ?બેસ્ટ ઊંઘનારાને તમારા નામે કુંભકર્ણ એવોર્ડ નથી અપાતો એટલે?'

'જો ડિયર, હું તમારા નેતાઓ જેમ સ્વપ્રસિદ્ધિનો ભૂખ્યો નથી.  હું આ બધી ઊંઘ સ્પર્ધાઓને એટલા માટે પાખંડ ગણું છું કે નાગરિકો માટે આવી સ્પર્ધાઓનો કોઈ મતલબ જ નથી. વાસ્તવમાં આ દેશમાં જો કોઈ ખરેખર ઊંઘી રહેવામા કાયમી  ચેમ્પિયન હોય તો એ તો તમારું સરકારી તંત્ર જ છે. દેશમાં રામરાજ આવે કે ન આવે પણ તમારી સરકારી તંત્ર  તો ઊંઘતું રહીને મારું એટલે કે કુંભકર્ણ રાજ જ ચલાવે છે.બોલ, વાત સાચી કે નહીં?'

કોઈ બિહામણું સપનું જોયું હોય તેમ  જાગવંતે મોટી ચીસ પાડી.  કુંભકર્ણ ગાયબ થઈ ગયો. 

આદમનું અડપલું

લોકોને ઊંઘમાં સપનાં આવે, પણ કેટલાય લોકો માટે તો ભરપૂર ઊંઘવું એ જ એક સપનું હોય છે.

Tags :