ચગાવતાં, ઢીલ છોડતાં અને કાપતાં આવડે તે પાર્ટી ઓફિસમાં મળે
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જાતભાતની કેરિયર ઓરિએન્ટેડ જાહેરાતોનો મારો
અસલના જમાનામાં ઉત્તરાયણ ટાણે લોકો અગાશીઓ પર ડેક અને સ્પીકરો ગોઠવતાં અને ત્યારે સૌથી સુપરહિટ હિંદી ફિલ્મ ગીતો તેના પર ચલાવતા. કહે છે કે આજકાલ કયું ગીત સૌથી વધારે લોકપ્રિય છે તેનું માપ ઉત્તરાયણની અગાશીઓ પરથી નીકળતું હતું. હવે તો બોલિવુડે ગીત-સંગીત રચવાનાં જ બંધ કરી દીધાં છે. જોકે, સ્પીકરો પરથી ગીતો ન સંભળાય તો કાંઈ નહીં, પરંતુ કેટલીક જાહેરાતોનો મારો ચલાવવા જેવો છે. જેમ કે-
કામ વગરનો ઘોંઘાટ કરનારા ધ્યાન આપે
ઉત્તરાયણના પતંગ ચગાવવાના કામ કરતાં ગોકીરો વધારે કરનારા ખાસ ધ્યાન આપે. તમારી દેશની સંસદ અને વિધાનસભાઓમાં ખાસ જરુર છે. અહીં પણ તમારે એક્ચ્યુઅલ કામને બદલે હાહા હીહી, ચીસાચીસ અને ગોકીરો જ મચાવવાના છે.
ગૂંચ ઉકેલનારા તત્કાળ મળે
જે લોકોએ દોરીની ભલભલી જટિલ ગૂંચ ઉકેલી નાખી હોય તેમની ઈન્ટરનેશનલ લેવલે ખાસ જરુર છે. અત્યારે હમાસ અને ઈઝરાયલ વચ્ચે ગૂંચ પડી છે. યુક્રેન અને રશિયા વચ્ચે ગૂંચ પડી છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે ગૂંચ પડી છે. ભારતમાં જ ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે ગૂંચ પડી છે. બોલિવુડમાં ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પણ ગૂંચ પડી છે. જેમને પણ ફાવતું હોય અને ઈચ્છા હોય તેઓ સંબંધિતોનો સંપર્ક કરે.
લૂંટી લેનારાઓ માટે અનોખી તક
જે લોકો પતંગ પકડવા કરતાં આજુબાજુમાંથી કપાઈને આવતી પતંગ લૂંટવામાં જ હોંશિયાર છે તેઓ ખાસ સંપર્ક કરે. આમાં તમારે ઝંડા લઈને દોડવાનું નથી કે કોઈ ઝાડ કે બાજુવાળાની અગાશીની પાળી પર પણ ચઢવાનું નથી. તેને બદલે તમારે જીએસટીની ટીમોને મદદ કરવાની છે. બાકી... તો તમે સમજદાર છો.
ફટાકડા, ગરબા અને ઉંધિયાના શોખીનો જોગ
ઉત્તરાયણ તો પતંગ ચગાવવાનું પર્વ છે, પરંતુ આખો દિવસ અગાશી પર એક પણ પતંગ ચગાવ્યા વિના સાંજ પડે અગાશી પર ફટાકડા ફોડવા, ગરબા રમવા અને ઉંધિયા જલેબીની પાર્ટી કરવા જ હાજર થનારાઓ ધ્યાન આપો. આઈપીએલમાં તમને વિવિધ લેવલે સમાવી લેવાશે. અહીં પણ ક્રિકેટ પર ધ્યાન આપવાનું નથી. બાકી રીલ, જાહેરખબરો, પાર્ટીઓ ને બીજી બધી ઈવેન્ટસ પર જ ફોક્સ કરવાનું છે.
કાપતાં, ચગાવતાં અને ઢીલ છોડતાં આવડે તે આવે
તમને કોઈની પણ પતંગ મસ્ત કાપતાં આવડે છે? તમે નહીંવત્ પવનમાં પણ પતંગ ચગાવવામાં માહેર છો? તમને ઢીલ છોડવાની બહુ મજા આવે છે? તો આવો , ભારતની દરેક પોલિટિકલ પાર્ટીના દરવાજા તમારા માટે ખુલ્લા છે. અહીં તમારે વિરોધીઓના અને ક્યારેક તો તમારી પાર્ટીવાળા જ પતંગ કાપવાના રહેશે. વાતમાં કોઈ દમ ન હોય તો પણ મોટી મોટી જાહેરાતો અને દાવાઓના પતંગ ચગાવવાના રહેશે. જો તમે રખેને કોઈ સરકારી હોદ્દા પર બેસી ગયા તો તમારે કામકાજમાં ભરપૂર ઢીલ છોડતા રહેવાની રહેશે. પધારો...
આદમનું અડપલું
ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ભેળ વચ્ચે સામ્ય શું ? બંનેમાંથી એકેયને ચાઈના સાથે કોઈ લેવાદેવા જ નથી.