એકતા-માનવતા-ભાવના .
મા નવજીવન એકતા, માનવતા અને ભાવના જેવા અમૂલ્ય ગુણોથી મહાન અને દિવ્ય બને છે. સાત્વિક અને આધ્યાત્મિક ગુણોથી જેનું સમગ્ર જીવન પસાર થાય છે તે જીવન ઉત્તમ અને શ્રેષ્ઠ તથા સાર્થક છે. આજે માનવીને માનવી પાસે બેસીને સુખ દુઃખની કે ધર્મની વાતો કરવાનો સમય નથી. જીવન ફાસ્ટ બની ગયું છે. પોતે દુઃખી છે છતાં પોતાના દુઃખનું કારણ શોધતો નથી. આપણા બાપદાદાઓ ભેગા મળીને એકબીજાના વિચારો આપ-લે કરતા હતા. સુખદુઃખના સહભાગી થતા હતા. તેના ઉપાયો અને ઈલાજ શોધતા હતા. ઝઘડા કે વાદવિવાદોને ગામના મુખી પાસે જઈ ભેગા મળી સમાધાન કરતા હતા. તેમનામાં સમાધાનની ભાવના હતી. પંચ ત્યાં પરમેશ્વરના આખરી નિર્ણયને સૌ માન્ય રાખતા હતા. એકબીજાના સાથી બની ખભેખભા મેળવતા હતા. આ તેમની એકતામાં માનવતા અને ભાવના હતી. આપણામાં આવું નથી. ધીમેધીમે લુપ્ત થઈ રહ્યું છે. બીજાનું દુઃખ જોઈ આપણામાં દયા, ભાવના, એકતા કે સહિષ્ણુતા જણાતી નથી. ભિખારીને બટકું રોટલો આપવાની આપણામાં દયા ભાવના નથી. આપણામાં આ બધાં ગુણો હતાં પણ આધુનિકતાએ આપણને મજબૂર બનાવી દીધા છે.
ગામડામાં આજે પણ એકતા, માનવતા, ભાવનાના દર્શન થાય છે. કોઈક વ્યક્તિ બીમાર હોય તો એક કલાકમાં તો પૂરા ગ્રામજનોને સમાચાર મળી જાય છે. થોડીવાર પછી બધાં તેની ખબર પૂછવા ભેગા થઈ જાય છે. ગામડાંની રહેણીકરણી અને ભાવના ખૂબ જ સારી હોય છે. સ્વાર્થને સંતોષવા આપણે માનવતા ગુમાવી રહ્યા છીએ. માનવતા સાથે સમર્પણ અને બિનસ્વાર્થ કે નિખાલસ ભાવ સમાયેલાં છે. આપણે સ્વાર્થ માટે અહિત કરી રહ્યા છીએ. દયા, ભાવના, માનવતા વિનાનું જીવન વ્યર્થ અને અર્થવગરનું છે. આપણા જીવનમાં જેવા ગુણોનું સિંચન અને અમલ કરીશું તેવું જીવન બનશે. સાચી સમજણ અને વિવેકબુદ્ધિની ખૂબ જરૂર છે. ભાવના કે માનવતા ભરેલ સત્કાર્ય તે પ્રભુકાર્ય કહેવાય છે. આ કાર્ય પાછળ અદ્દશ્ય શક્તિનો સાથ મળે છે. આપણામાં આવી આંતઃશક્તિઓ છે અને તેનો સદઉપયોગ થવો જરૂરી છે. આપણું જીવન દયામય, ભાવનામય અને માનવતામય બની જશે. જીવનની આ જ ખરી સાર્થકતા છે.