For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઋગ્વેદ ઉક્ત શ્રી સુક્તના પાઠનું રહસ્ય

Updated: Jul 8th, 2021

Article Content Image

- લક્ષ્મીજીને ચાર પુત્રો છે, આનંદ, કર્દમ, ચિકલિત અને શ્રીદ. હે ચિકિલિત, તમે તથા આપની માતા મહાલક્ષ્મી મારા ઘેરે નિવાસ કરો

શ્રી મહાલક્ષ્મીની ઉપાસનામાં ઋગ્વેદ-યુક્ત શ્રી સુક્તના પાઠનો અનોખો મહિમા છે. શ્રી સુક્તમાં અગ્નિ નારાયણને પ્રાર્થના કરવામાં આવી છે કે હે અગ્નિદેવ આપ સર્વગુણ સંપન્ન લક્ષ્મીજીને મારી સમીપ લઈ આવો. લક્ષ્મીજી મારે ઘેર સ્થિર થાઓ. લક્ષ્મીદેવી અનપગામિની એટલે કે મને મુકીને બીજે જનારા ન હોવાથી મારે ત્યાં અક્ષય સ્વરૂપે નિવાસ કરે.

લક્ષ્મીજી મનોરથો પૂર્ણ કરનારાં અને કમળાસન પર બિરાજમાન છે. લક્ષ્મીજીની  કૃપા અમારા પર સદાય રહે. હું મનુષ્ય લોકમાં ઉત્પન્ન થયો છું. તેથી મને કીર્તિ, રિદ્ધિ અને સિદ્ધ અપાવો. આગળની પ્રાર્થનામાં કહેવાયું છે કે આપ મારા બધા પ્રકારનાં કષ્ટો દુર કરીને મારા ઘરમાં ઐશ્વર્ય અને ધનની વૃદ્ધિ કરો.

બધાં પ્રાણીમાત્રની સ્વામિની લક્ષ્મીદેવીની હું આરાધના કરું છું. સુગંધિત પુષ્પાર્પણથી પ્રસન્ન થનાર દેવી લક્ષ્મીને મારા-નિવાસ સ્થાનમાં કાયમી નિવાસ કરવા માટે આમંત્રિત કરૃં છું.

લક્ષ્મીજીને ચાર પુત્રો છે, આનંદ, કર્દમ, ચિકલિત અને શ્રીદ. હે ચિકિલિત, તમે તથા આપની માતા મહાલક્ષ્મી મારા ઘેરે નિવાસ કરો.

હે અગ્નિદેવ, સુર્વણ સમાન આભાવાળાં લક્ષ્મીજીને મારે ઘેરે બોલાવો અને સ્થિર કરો. ભગવતી લક્ષ્મીજી અજ્ઞાાન અને દરિદ્રતાને દુર કરનારાં છે. અકાયનીધિ પ્રદાન કરનારાં છે તેવાં લક્ષ્મીજી મારે ત્યાં બોલાવો હે અગ્નિદેવ ! લક્ષ્મીજી મને છોડીને બીજે ક્યાંય ન જાય, લક્ષ્મીજીની કૃપાથી મને ઉત્તમ યશ, સુવર્ણ, ઘોડા, પુત્ર-પૌત્રોની પ્રાપ્તિ થાય.

આમ ઉપર સંક્ષિપ્તમાં બતાવેલ ભાવાનુવાદએ શ્રી સુક્તની કુલ ૧૫ ઋચાઓ છે. ૧૬મી ઋચા તેનાં માહાત્મ્યની છે. લક્ષ્મીજીની કૃપા મેળવવા કમળપુષ્પ ધારણ કરેલ હોય તથા સુર્વણ વર્ષા વરસાવતાં હોય તથા જેના પર હાથણીઓ કળશ, ઢોળતી હોય તેવાં લક્ષ્મીજીની છબી કે તસવીરનું ધ્યાન ધરવું.

જે કોઈ લક્ષ્મીજીની અભિલાષા કરતા હોય તેણે પવિત્ર થઈ, શુદ્ધ થઈ, અગ્નિમાં ઘીનો હવન કરી ૧૬ ઋચાઓનો પાઠ કરવો.

લક્ષ્મીજીનાં સ્વરૂપ વિશે જાણીએ તો તેઓ સદા કમળ પુષ્પ પર નિવાસ કરનારાં છે. કમલ સમાન નેત્રોવાળાં છે. એક હાથમાં સુવર્ણ કળશ છે તો બીજો અભય મુદ્રાત્મક છે. તેઓ ગરૂડારૂઢ છે. પરબ્રહ્મ સ્વરૂપિણી, સર્વ પાપ હરનારાં છે.  લક્ષ્મીજીને ગુલાબ, ગુલાબનું અંતર તથા ગુલાબની અગરબત્તી ધરી શકાય છે. શુક્રવારે લક્ષ્મીજીની છબીને ગુલાબનાં ફુલ કે હાર ચઢાવવો જોઈએ.

શ્રીસુક્તની સાથે લક્ષ્મીસુક્ત પણ કરવું જોઈએ તેની બાર ઋચાઓ છે. લક્ષ્મીજીની આરાધનાથી ચંચળ લક્ષ્મી સ્થિર થાય છે. ઘરમાં શુભ લક્ષ્મીનું  આગમન થાય છે. લક્ષ્મીજીને બિલ્વપત્રથી યજ્ઞા કરીને પ્રસન્ન કરી શકાય છે. લક્ષ્મીમાની કૃપાથી તથા શ્રી સુકતનો પાઠ કરવાથી ક્રોધ, માત્સર્ય, ઇર્ષ્યા, લોભ તથા પાપની વૃત્તિ રહેતી નથી. લક્ષ્મીનું વિષ્ણુ વામાંગવાસિની છે. 

શ્રીસુક્તનો પાઠ કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, કીર્તિ, ઐશ્વર્ય, કરજમુક્તિ તથા દેવાઓ અને આર્થિક મુશ્કલીઓ દુર થાય છે. ભક્તને વ્યવસાયમાં વૃદ્ધિ, નોકરીમાં પ્રગતિ તથા બઢતી, યશ તથા દીર્ધાયુ થવાય છે.

શ્રી સુક્તની સાથે મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ કે પઠન પણ વિશેષ ફળ આપે છે. આ ઉપરાંત શ્રી સુક્તના પાઠનો દશાંશ હોમ કરવાથી પણ લક્ષ્મીજીની કૃપા ઉતરે છે.

ધનતેરસ તથા દિવાળીમાં લક્ષ્મી સ્વરૂપા ગાય પૃથ્વી પર બહુ સ્વરૂપે પ્રગટ થયેવલાં. તેથી તહેવારોમાં તેનો પાઠ ખાસ વાંચવો જોઈએ. ગાયનાં ગોબરમાંથી બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ થઈ તથા બિલ્વ વૃક્ષમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં તેથી બિલ્વવૃક્ષ પણ પુજનીય છે. બીલ્વવૃક્ષ નીચે બેસીને લક્ષ્મીજીની ઉપાસના કરવાથી અનેક ગણું ફળ મળે છે.

આમ શ્રી સુક્તના પાઠનું રહસ્ય જાણીને લક્ષ્મીજીની આરાધના કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા અવશ્ય ઉતરે છે. જય મહાલક્ષ્મી મા !

- ભરત અંજારિયા

Gujarat