For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અધિકારનો દુરૂપયોગ કરનારની ખબર સહન કરનારને હોય જ છે

Updated: Jan 18th, 2023

Article Content Image

શ્રી મદ્ભગવતના ચોથા સ્કંધમાં ધ્રુવચરિત્ર આવે છે. રાજા ઉત્તાનપાદને સુરૂચિ અને સુનીતિ નામની બે પત્નીઓ હતી. સુરૂચિએ પોતાની છટાદાર વાણીથી સ્ત્રી સહજ સુંદરતાના આકર્ષણથી રાજાને મોહિત કરી રાખ્યો હતો. અને તે રાજાની પ્રિય રાણી થઈ ગઈ હતી. જ્યારે સુનીતિ અપ્રિય ગણાતી હતી. સુનીતિના પુત્રનું નામ ધ્રુવ હતું. નાની-નાની વાતોમાં સુનીતિનું કાયમ અપમાન થતું. અનાદર થતો, રાણી તરીકેનું ગૌરવ ઘવાતું. પતિ તરફથી તેને રતીભાર પ્રેમ નો તો મળતો. માતાની આવી લાચાર દશા ધ્રુવથી જોવાતી નહિ. તેને ગુસ્સો આવતો. માતાની માફક ધ્રુવને પણ બધા અપમાનિત કરતા. છતાં ધ્રુવ માતાની ધર્મમય વાતોથી શાંત રહેતો. બધું સહન કરી લેતો.

એક દિવસ જ્યારે સુરૂચિનો પુત્ર ઉત્તમ રાજાના ખોળામાં રમતો હતો ત્યારે ધ્રુવને પણ પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ. પણ સુરૂચિએ તરત તેને રોક્યો, ભર સભામાં એને ટોણો માર્યો. જો તુ રાજસિંહાસન પર બેઠેલા પિતાના ખોળામાં બેસવા ઈચ્છતો હોય તો મારા પુત્ર જેવું નસીબ પ્રાપ્ત કર. જા જંગલમાં ભગવાનની આરાધના કર... ધ્રુવ સમસમી ગયો. પગ પછાડતો માતા પાસે ગયો. તેનો ગુસ્સો જોઈ માતાએ તેને શાંત પાડયો. માતાએ કહ્યું - પુત્ર, ભલે તારી બીજી માતાએ તને દૂભવ્યો હોય. દુ:ખી કર્યો હોય નારાજ કર્યો હોય, પણ એમની એક વાત તદ્દન સત્ય છે. જો તું શ્રી હરિનારાયણની આરાધના કરીશ તો તારી દરેક ઈચ્છા, દરેક મનોકામના ઈશ્વર પુરી કરશે. - અને ધ્રુવ મહેલ તથા નગર છોડીને ચાલી નીકળ્યો. નારદજીને આ વાતની ખબર પડી. તે રસ્તામાં જ ધ્રુવને મળ્યા. તેમણે તપસ્યા કરવી કેટલી અઘરી છે એ બાબતે તેને સચેત કર્યો. ઘનઘોર જંગલ હશે, હિંસક પ્રાણીઓ હશે, ખાવા પીવાનું ઠેકાણું નહિ હોય, ભયંકર એકાંત હશે, બીક લાગે એવી ઋતુઓ હશે... ધ્રુવ સહનશીલ હતો પણ નબળો નો તો. તેનો સંકલ્પ દ્રઢ હતો. તે અડગ રહ્યો. ભાગવતમાં તો લખ્યું છે કે ધ્રુવે એવી તપસ્યા કરી કે તેના અંગૂઠાથી દબાઈને અડધી પૃથ્વી એક તરફ નમવા લાગી. છેવટે શ્રી વિષ્ણુભગવાન પ્રસન્ન થયા. ધ્રુવને ભક્તિના આશીર્વાદ આપ્યા. તે મહેલમાં પાછો ફર્યો. પિતાએ ધ્રુવને રાજસિંહાસન પર બેસાડી ભૂલનું પ્રાયશ્ચિત કર્યું. જ્યાં સહનશીલતાની હદ આવી ગઈ ત્યાં જ ધ્રુવે સંકલ્પ કર્યો હતો. હવે હું એ પદ પર અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે જે ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ પદ છે. (ભાગવત: ૪-૮-૩૭) પિતાના ખોળામાં બેસવા મળ્યું તો શું થયું ? તેણે પરમ પિતાના ખોળામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો. ધર્મજીવી કે આદર્શજીવી માણસ ક્રિયાની પ્રતિક્રિયા તરત આપતો નથી. થોડુંક જતું કરીને, સહન કરીને, સારા સમયની રાહ જુએ છે પણ ત્યારે લોકો તેને નબળો ધારી લે છે. પણ એની સહનશીલતા એ એની નબળાઈ નથી હોતી.

સહનશીલ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ કે જેને ઊંડી સમજ હોય કે સામા માણસની અસભ્યતા, એની નીચતા, એની લુચ્ચાઈ કે એનો બદમિજાજ કથા પ્રસંગે કેવી રીતે સહન કરી લેવો. ધીમી આંચથી સંબંધોની પર શેકાતો પ્રેમનો રોટલો અસભ્ય વર્તનથી ગરમીથી બળીને રાખ થઈ જાય છે. જીવતો સંબંધ જ્યારે રાખ થઈ જાય ત્યારે સહનશીલતા પણ મરી પરવારે છે. સહનશીલતા માટે ધીરજ હોવી જરૂરી છે. પોતે જીવનમાં કયું કર્મ શા માટે કરી રહ્યો છે તેનું ભાન હોવું જરૂરી છે. નહિ તો સહનશીલતા દુનિયાને દેખાડવાનું એક આવરણ બનીને રહી જાય છે. સહનશીલતા શક્તિશાળી પાસે હોય ત્યારે જ શોભે છે. લંકાના દરબારમાં રાવણ જ્યારે વિભીષણનું અપમાન કરતો હતો ત્યારે કડવાં વેણ સહન કરીને પણ વિભીષણ રાવણને સાચા ધર્મનું જ્ઞાાન આપતા હતા. ભવિષ્યના સંકટથી તેને વાકેફ કરાવવા પ્રયત્ન કરતા હતા.

મહાવીર સ્વામી તો સહનશીલતાના મૂર્તિ સમાન હતા. એક ગોવાળિયાંએ એમના કાનમાં ખીલા ખોસ્યા ત્યારે તેમણે ક્રોધ ના કર્યો. તે ક્ષત્રિય હતા. રાજા હતા. શક્તિશાળી હતા. તેમણે ધાર્યું હોત તો એક ધક્કો મારીને ગોવાળિયાને ચાર ગુલાંટો ખવડાવી દીધી હોત. પણ એમની શાંત પ્રકૃતિનું-એમની સહનશીલતાનું એ જ રહસ્ય હતું કે ગોવાળિયાને એમના તરફથી ભય નહિ નિર્ભયતા મળી.

બે ચાર વ્યક્તિનું સંયુક્ત કુટુંબ-જીવન હોય કે બે વ્યક્તિનું દાંપત્યજીવન બારીક નિરીક્ષણ કરવામાં આવે તો એવા કુટુંબમાં એકાદ સમજદાર વ્યક્તિ કોઈની નજર પણ ના પડે એ હદે દરેક પરિસ્થિતિને સહન કરતી રહે છે. કારણ કે એ પ્રેમ કરે છે. અને જે વ્યક્તિ પ્રેમ કરે છે એ દેખાડો નથી કરતી. એની અંતર-લાગણી આઈસ-બર્ગ જેવી ગહન હોય છે. જે નજરે દેખાય એના કરતાં અનેકગણી વિશાળ હોય છે. આવી વ્યક્તિનો એટલો ઉપયોગ ના કરવો કે એની સહનશક્તિ જવાબ આપી દે. કારણ એ વ્યક્તિ સહનશીલ હોઈ શકે - નબળી નથી હોતી.

પોતાના જીવનસાથીના ક્રેડિટ કાર્ડથી નકામી ખરીદી કર્યા કરવાથી ઈચ્છાઓ પુરી થઈ શકે પણ પ્રેમનું બેલેન્સ ઘટે જાય છે. અને યાદ રાખવું અધિકારનો દુરૂપયોગ કરનારની ખબર સહન કરનારને હોય જ છે, સહન કરનારની છાતી વીંધાઈ જાય એવું અયોગ્ય વર્તન કદી ના કરવું. કડવાં વર્તનના તીર નજરને વાગે ત્યારે શોધવામાં આખી રાત બગડે એનું શું ? સહન કરનારને છેતરાયાનો અનુભવ થવા મંડે ત્યારે સમજવુું કે સંબંધનો અંત નજીક છે સોયની અણી પર ટકી શકે એટલી જમીન પણ આપવાની વાત દુર્યોધને ના સ્વીકારી ત્યારે કૃષ્ણની સહનશક્તિની પણ હદ આવી ગઈ અને મહાભારતનું યુધ્ધ થયું. સારા માણસની સહન શક્તિ એટલી ના ચકાસવી કે છેવટે યુધ્ધ કરવાનો વખત આવે.

- સુરેન્દ્ર શાહ

Gujarat