For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રભુ સાથેનો શ્રેષ્ઠ સંબંધ 'દાસ્યભાવ' છે

Updated: Jun 16th, 2021

Article Content Image

- પ્રિયતમ પરમેશ્વરની જ સ્મૃતિ સદૈવ સજીવન હોય. ભગવાન મારા માલીક છે. હું તેમનો દાસ સેવક છું. એવા અનન્ય ભાવ સંબંધથી આપણે ભગવાનને બાંધી શકીએ છીએ

સા ચા નિષ્ઠાવાન ભક્તનું લક્ષ્ય, પરમતત્ત્વ કે સર્વવ્યાપક પ્રેમ સ્વરૂપની અનુભૂતિ કરવાનું હોય છે. સંસારની આસક્તિ-મોહથી ભક્ત અળગો થતો જાય ને ભગવાનની નજીક જતો જાય, તેવો અંતરયાત્રા- સદ્પુરુષાર્થ થતો જાય તે અત્યંત જરૂરી છે.

પ્રશ્ન એ થાય છે કે પ્રભુપાસે કેવી રીતે જવાય ? સંતો-મહાત્મા-ભક્તો-જ્ઞાાની પુરુષોએ  અનુભવથી સિદ્ધ કર્યું છે કે - શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય આ પાંચ પ્રકારના સંબંધમાંથી ભક્ત પોતાનાં રસ-રૂચિ અનુકૂળ સ્વયં નક્કી કરી, ભગવાન સાથે સંબંધ જોડી શકે છે.

હવે આપણી જાતને પૂછીએ કે વર્ષોથી ધાર્મિક.. ભક્ત કહેવડાવનાર આપણે, ઉપર કહ્યા તે સંબંધોથી કોઈ એક સંબંધે, નિષ્ઠાપૂર્વક જોડાયા છીએ ખરા ? આપણા સાંસારિક સંબંધો કાચ જેવા તકલાદી હોય છે. ઇશ્વર સાથેનો સંબંધ આપણને શાશ્વત શાંતિ-સુખ આપે છે.

ગોપીઓએ, મીરાંએ, નરસિંહે, હનુમાનજીએ, ભરતજીએ, લક્ષ્મણજીએ, ધ્રૂવે, પ્રહ્લાદે તથા અન્ય ઘણા ભક્તોએ પ્રભુ સાથે ભાવ સંબંધ બાંધી, શ્રધ્ધા, પ્રેમ, નિષ્ઠા, પૂર્ણશરણાગતિ તથા તત્પરતાનાં ઉત્તમ દૃષ્ટાંત પૂરાં પાડયાં છે.

શ્રેષ્ઠ સંબંધ દાસ્યભાવ છે. શેષ ચાર ભાવ પણ સાથે સંમ્મિલિત રહે છે. પ્રભુ પ્રેમનો ઉદય દાસ્ય ભાવથી થાય છે. જેમાં મોહ, માયા, કાચ, ભોગ અને વાસનાઓને સ્થાન હોતું નથી.

પ્રભુ સાથેના પ્રેમમાં વિષયોનું વિસ્મરણ હોય છે. પ્રિયતમ પરમેશ્વરની જ સ્મૃતિ સદૈવ સજીવન હોય. ભગવાન મારા માલીક છે. હું તેમનો દાસ સેવક છું. એવા અનન્ય ભાવ સંબંધથી આપણે ભગવાનને બાંધી શકીએ છીએ.

'દાસ્યભાવ' સંબંધે ભગવાન સાથેની આત્મીયતા વધતી વધતી પુષ્ટ થઈ, સંપૂર્ણપણે ભગવાનમાં ઓતપ્રોત થઈ જાય છે. ભક્તનું કોઈ અલગ અસ્તિત્વ રહેતું નથી.

ભક્ત પ્રારંભમાં પ્રભુને કહે છે.' મેં તેરાહૂ' પછી ધીમે ધીમે પ્રગતિ કરી 'મેરા સબકુછ તેરા હૈ.. કહે છે અને ભાવની પરાકાષ્ઠાએ અનુભૂતિ પૂર્વક કહે છે, સર્વમેં તું હી હૈ.. સબ તેરા હૈ.. આ ભાવમાં ઇશ્વર આપણો બને છે ને આપણે તેના બનીએ છીએ.

બિલાડી પોતાનાં બચ્ચાંને મોંથી ઉપાડી, એક સ્થળથી બીજા સ્થળે લઈ જાય છે. બચ્ચાં માના ભરોસેજ હોય છે. બચ્ચાંને કોઈ ભય નથી. વિરોધ નથી બિલાડી જ્યાં મૂકે ત્યાં બચ્ચાં પ્રસન્નતાથી રહે છે. બચ્ચાં બિલાડી ઉપર જ છોડી દે છે.

ભક્તનો આ પ્રકારનો જ નાતો (પૂર્ણ શરણાગતિનો ) ઇશ્વર સાથે હોય છે ને વિશ્વાસ હોય કે 'ભગવાન જે કંઈ કરે છે તે મારા હિત માટે જ કરે છે.' દાસ્ય' ભાવના નાતે ભક્તતો કહેતો હોય છે કે, ' હે ભગવાન ! તે મારા માટે જે કંઈ કર્યુ છે તે શ્રેષ્ઠ છે. એમાં જ મારું કલ્યાણ છે. ઘણી વખત આપણી કુબુધ્ધિ આપણને સાચામાર્ગથી વિચલિત કરવા પ્રયત્ન કરે છે. પણ આપણે સાવચેત થઈ, સ્વસ્થચિત્તે આપણા નિઃશ્ચયમાં દૃઢ રહેવું.

એકમાત્ર ભગવાનને જ શરણે જવું. એજ સુગમ ઉપાય છે. એકમાત્ર ભગવાનની શરણાગતિ તમામ પ્રકારે લાભદાયક છે. 'ઁ ભયં સર્વભૂતેષુ' સર્વ પ્રકારે નિર્ભય બનાવે છે. સાંસારિક કર્તવ્યો નિષ્ઠાથી બજાવતાં બજાવતાં ભગવાન સાથે મનથી, બુદ્ધિથી વ્યાપક વિચારથી, શરીરથી જોડાઈ જવું ભગવાનની અસીમ કૃપાનાં દર્શન કરવાં. દરેક પરિસ્થિતિમાં નિર્વિકાર, સમ, સંતુષ્ટ, પ્રસન્ન શાંત રહેવું.

વાલ્મિીકી રામાયણમાં ભગવાન કહે છે,' જે મનુષ્ય હું તમારો છું. (તવાસ્મીતિ) એવા શુધ્ધ ભાવથી મને અર્પણ થતો રહે છે. તેને હું નિર્ભય (અભયં સર્વભૂતેષુ) કરું છું. આ મારું વ્રત છે.' ભગવાન પ્રેમી છે. ભક્ત પ્રેમપાત્ર છે. સર્વશક્તિમાન સર્વલોક મહેશ્વર, સર્વનિયંતા સર્વાન્તર્યામી, અનંતગુણસાગર, પરમકૃપાળુ ભગવાન જીવોના સુહૃદ છે. આપણું પરમહિત કરનારા છે. 

- લાભુભાઈ ર.પંડયા

Gujarat