વલ્લભ ભટ્ટ- વલ્લભ મેવાડો- વલ્લભ ધોળો
આસો માસ શરૃ થાય અને થાય નોરતા શરૃ. નવરાત્રિ એટલે નવદિવસો માતાજીની ભક્તિ- શક્તિભક્તિ.
આ નવ દિવસો દરમિયાન આખા ગુજરાતમાં ગરબાની રમઝટ બોલે. સ્ત્રીઓ- પુરુષો તાળિયોના તાલે ગરબે ધૂમે. દાંડિયા, રાસ-ગરબા, દોઢિયા એમ અનેક પ્રકારે ગરબો રળિયામણો બને.
ગરબો શબ્દ 'ગર્ભગૃહ' પરથી આવ્યો છે. માટીની કાણાંવાળી માટલીમાં દીવો પ્રગટાવે એટલે ગરબો. ધાર્મિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણના પ્રપૌત્રવધુ ઉષાના લાસ્ય નૃત્ય ગરબાની ઉત્પતિ ગણાય છે. માટલી શરીરનું, દીવો આત્માનું પ્રતીક ગણાય છે. ગરબો એ ગુજરાતની આગવી- અનોખી ઓળખ છે. નવરાત્રિમાં ગવાતા ગરબાના સર્જક વલ્લભને ભાગ્યે જ લોકો- પ્રકાશનો યાદ કરે છે. ચાલો આપણે આજ ગરબાના સર્જક વલ્લભટ્ટને યાદ કરીએ.
શાલિભદ્ર કૃત 'ભરતેશ્વર બાહુબલિરાસ'થી શરૃ થયેલી ગુજરાતી સાહિત્યની યાત્રા અવિરત ચાલુ છે. આપણી ભાષા ગુજરાતી. આ ભાષાને ગુજરાતી નામ આપનાર પ્રેમાનંદ. પ્રેમાનંદ તેની અંતિમ કૃતિ દસમ સ્કંધમાં જણાવે છે કે ' બાંધુ નાગદમણ ભાષા ગુજરાતી.'
મધ્યકાલીનયુગમાં આદિકવિ નરસિંહ મહેતા, જનમજનમની દાસી મીરાંબાઈ, આખ્યાન શિરોમણિ પ્રેમાનંદ, તત્વજ્ઞાાની અખો, પદ્યવાર્તાકાર શામળ તથા શૃંગારરસ કવિ દયારામના હાથે સર્જાયેલ અમુલ ભક્તિ સાહિત્ય આપણને સાંપડયું છે.
આ યુગના કવિ- ગરબાના સર્જક વલ્લભ ભટ્ટની વાત કરવી છે.
દેવી ભક્ત- બહુચરાજીના ભક્ત વલ્લભ તેની અટકને કારણે વલ્લભ ભટ્ટ. તેની મેવાડા જ્ઞાાતિને કારણે વલ્લભ મેવાડો અને તેના ભાઇ, શિષ્ય, મિત્ર, અનુયાયી ધોળાના કારણે વલ્લભ ધોળો કહેવાયો.
વલ્લભ ભટ્ટનો જન્મ આશરે સંવત ૧૬૯૬(ઇ.સ.૧૭૪૦) અમદાવાદના નવાપુરા ખાતે થયો હતો. મૃત્યુ સંવત ૧૮૦૩ (ઇ.સ.૧૮૫૧)માં આમ ૧૧૧ વર્ષનું આયુષ્ય એણે ભોગવેલું. કિંવદંતી મુજબ ચાર ભાઈઓ હતા વલ્લભ, હરિ, ધોળો- ચોથાનું નામ નથી મળતું. વલ્લભ ભટ્ટના લગ્ન વડનગરમાં થયા હતા. ચાર સંતાન હતા.
સંતાનસુખ લાંબો સમય ભોગવી શકેલ નહિ. નર્મગદ્યની, દંતકથા મુજબ તે શ્રીનાથજીની યાત્રાએ ગયેલા ત્યારે મંદિરના પ્રાંગણમાં ભૂલથી થુંકવા બાબત મંદિરવાળા સાથે ઝઘડો થયેલો. ત્યારથી દેવ નહિ પણ દેવીભક્ત બન્યા.
બીજી દંતકથા મુજબ નઠારા માણસોની સોબતને કારણે દારુ પીતા હતા એટલે પોતાને દેવીભક્ત કહેવડાવતા. એવું મનાય છે કે તેર વર્ષની ઉંમરે માતાજીએ દર્શન આપેલા. માતાજીના પ્રેરણાથી ગરબાની રચના કરેલી. સૌ પ્રથમ માતાજીની લાવણી લખેલા તેમનો વિખ્યાત ગરબો' આનંદનો ગરબો' છે.
જે ૧૧૮ કડી અને ૨૩૬ પંકિતઓનો વિસ્તાર ધરાવે છે. ૧૧૬મી કડીમાં ગરબાની રચનાની સાલ લખી છે જે સંવત ૧૭૦૯ ફાગણસુદ ત્રીજ છે.
તેમણે ગુજરાતની ત્રણેય શક્તિપીઠ(અંબાજી, બહુચરાજી, મહાકાળી)ના ગરબા રચ્યા છે. દંતકથા મુજબ વલ્લભ ભટ્ટને (શક્તિ સંપ્રદાયના સનાતન ધર્મી) વામમાર્ગીઓએ ખૂબ હેરાન કરેલા. વલ્લભભટ્ટની માતાના અવસાન પ્રસંગે માતાજીએ ઉતરક્રિયામાં મદદ કરેલી.
વલ્લભ ભટ્ટનો પ્રખ્યાત ' આનંદનો ગરબો' શરૃઆત
'' આઈ આજ મને આનંદ વધ્યો, અતિ ઘણો મા,
ગાવા ગરબા છંદ બહુચર માત તણો મા'' - થાય છે. આ ગરબામાં વિસ્તૃત શક્તિ- ભક્તિ છે. વિસ્તૃત સ્તુતિ, શણગાર, શોભા, આનંદ, વીરતા અને બહુચરાજીનું સંકીર્તન છે.
મહાકાળીના ગરબામાં પાવાગઢના રાજા પતઈના પતનનો પ્રસંગ કથાગીત વર્ણવ્યો છે. અંબાજીના ગરબામાં માતાજીના વસ્ત્રાલંકારની શોભાનું ગાન છે. આ ગરબામાંથી વસ્ત્રાલંકારની સમૃધ્ધ માહિતી મળે છે. શણગારનો ગરબો ગુજરાતી કવિનું સૌંદર્ય લહરી સ્ત્રોત છે.
આ સિવાય ચોસઠ જોગણીનો ગરબો, મહાકાળીનો ગરબો, આરાસુરનો ગરબો, સત્યભામાનો ગરબો, આંખ મિંચામણનો ગરબો, કળીકાળનો ગરબો ( ધોળાભાતનો) તથા રંગ આરતી, બહુચરાજીની આરતી, કૃષ્ણ વિરહના પદ રામચંદ્રજીના પદ, રામવિવાહ, અભિમન્યુ ચક્રાવો વગેરેની રચના કરી છે.
જાણીતી પંક્તિઓ-
''મા પાવા તે ગઢથી ઉતર્યા મા કાળી રે,
મા એ વસાવ્યું ચાંપાનેર પાવગઢ વાળી રે,
''રંગતાળી, રંગતાળી, રંગતાળી રે રંગમાં રંગતાળી,
હું મા ગબ્બર ગોખવાળી રે, રંગતાળી રે''
સૌથી વધુ કડીનો વિસ્તાર ધરાવતા ગરબા વલ્લભના છે. બહુચર માતાના મંદિર વલ્લભનું સ્થાન મોજુદ છે.
આજે પણ બહુચરાજીની આરતી પછી વલ્લભભટ્ટની જય બોલાવાય છે. અમદાવાદ નજીક સીતાપુરમાં વલ્લભભટ્ટની વાવ આવેલી છે. વિજ્યરાજવૈદ્યે તેના ગરબાને મધ્યકાલીન સાહિત્યના બુટ્ટી કે નથની જેવા ગૌણ પણ ચિત્તહર અલંકારો કહ્યા છે. ગરબાની બાબતમાં તે લગભગ અજોડ છે.
આર.પી.હિમાણી