એક ભૂલ થયા પછીનું મનોમંથન મનના જંગલમાં ઊગી નીકળેલા ઈર્ષા, અભાવ, ઈચ્છા કે મોહ જેવા ઝાડી-ઝાંખરાની ઓળખ કરાવે છે


- મહાભારતમાં શ્રીકૃષ્ણ દુર્યોધનને અધર્મનો માર્ગ મૂકી દેવા ઘણું સમજાવે છે ત્યારે દુર્યોધન નફ્ફટ જવાબ આપે છે. હું ધર્મને સારી રીતે જાણું છું પણ તેનું આચરણ કરી શકતો નથી. 

શ્રી મદ્ભાગવતના પ્રથમ સ્કંધમાં રાજાપરીક્ષિતથી થયેલી ભૂલ અને એના પ્રાયશ્ચિતની કથા આવે છે. એકવાર રાજા શિકાર કરવા ગયા હતા. બપોર સુધી રખડીને ખૂબ થાક્યા હતા. તરસથી ગળું સૂકાતું હતું. પાણીની શોધમાં એ શમીક ઋષિના આશ્રમમાં આવ્યા. તેમણે ઋષિ પાસે પાણી માંગ્યું. પણ શમીક ઋષિ તો નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીપ અવસ્થામાં ધ્યાનસ્થ હતા. તેમણે સાંભળ્યું નહિ. રાજા થાકેલા, ભૂખ્યા-તરસ્યા હતા. એમને તરત ક્રોધ આવ્યો છતાં ઋષિએ જવાબ ના આપ્યો છેવટે પરીક્ષિતે ત્યાં પડેલો મરેલો સાપ ધનુષ્યની અણીથી ઉપાડી ઋષિના ગળામાં નાખી દીધો. આ વર્તન પોતાનો અહમ્ પોષીને ઋષિનું અપમાન કરવાનું હતું. જ્યારે ઋષિ પુત્ર આશ્રમમાં આવ્યો ત્યારે તેણે પિતાજીના ગળામાં મરેલો સાપ જોયો. તેનું માથું ફરી ગયું. દેવ-તુલ્ય પિતાનું આવું ઘોર અપમાન ! એ ઋષિ જેવો ઠરેલ બદ્ધિનો નો'તો. એણે ક્રોધમાં જ કઠોર શાપ આપ્યો. "મારા પિતાનું અપમાન કરનાર રાજા પરીક્ષિતને આજથી સાતમા દિવસે ભયંકર તક્ષક નાગ ડસશે !!" રાજાને આ શાપના સમાચાર મળ્યા. પોતાનાથી થયેલા નિંદ્ય કર્મનો પસ્તાવો થયો. એમણે મળેલો શાપ (પ્રસકયસ્ય વિરકિતકારણમ) વિરકિતનું સુંદર કારણ ગણ્યો. જાતને તૈયાર કરી. જ્યારે વ્યાસપુત્ર શુકદેવજી પ્રગટ થયા ત્યારે અન્ન-જળનો ત્યાગ કરીને તેમની સામે બેસી નમ્રતાથી પ્રશ્નો પૂછયા. સ્વસ્થ ચિત્તે જવાબો મેળવી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ પ્રાપ્ત કરી.

કોઈક વાર અસાવધાનીના કારણે થઈ જતી ભૂલની ગંભીરતા ધ્યાનમાં આવતાં જ મન ઉદાસ થઈ જાય છે. રમત પુરી થતાં જ બાળક જેમ છોલાયેલા ઘૂંટણિયે બાઝેલું લોહી જોઈને છળી ઊઠે એમ ભૂલની પ્રતીતિ થતાં જ જીવ છળી ઊઠે છે. જાણે વિશાળ ધુમ્મસની નીચે ઊભા હોઈએ અને ભૂલનો ગેબી અવાજ ચેતવણીરૂપે વારંવાર પડઘાયા કરે એમ એનું રટણ મનમાં ઘૂમરાયા કરે છે. ઉન્નત મનની નિશાની એ છે કે માણસે શાંત-ચિત્તે બેસી ભૂલ પારખીને એની અસરને કેવી રીતે ભૂંસી શકાય એનો વિચાર કરવો અને ત્યારબાદ સાચો નિર્ણય લઈ આચરણ કરવું.

ગાંધીજી ફક્ત આઠ વર્ષના હતા ત્યારની વાત છે. એમના ઘરમાં 'કેરી-ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીએ પોતાના દરેક મિત્રોને આમંત્રણ આપ્યું હતું. પણ એક મિત્ર ઉત્સવમાં ના આવ્યો. પછી ખબર પડી કે એને આમંત્રણ આપવાનું જ રહી ગયું હતું. ગાંધીજીને ઘણું જ દુ:ખ થયું. પણ એટલાથી એમનું મન શાંત ન રહ્યું. શિષ્ટાચારની આ ભૂલ માટે તેમણે એ મિત્રની માફી માંગી અને એક વરસ સુધી કેરી કે કેરીનું અથાણું ખાવાનું છોડી દીધું. ગાંધીજીએ આત્મકથામાં નાની ભૂલો, મોટી ભૂલો અને હિમાલય જેવડી મોટી ભૂલોનો એકરાર કર્યો છે. વ્યક્તિ જ્યારે મનથી ભૂલનો સ્વીકાર કરે ત્યારે તેના સામેના પલ્લામાં માફી કે ભીતરી સંસ્કારનું માપ નીકળે છે. જે માણસ ભૂલની બેહોશીમાંથી જાગી જાય એ બીજે દિવસે નવી તાજગી-નવી પ્રફુલ્લતા સાથે નવા દિવસનું સ્વાગત કરે છે. ભગવાન બુદ્ધે જ્યારે અંગુલિમાલને સમજાવ્યું કે તે જેના માટે આટલું ભયંકર પાપ કરે છે એ પાપમાં કોઈ જ ભાગીદાર ગણાતું નથી ત્યારે તેને જીવનનું સત્ય સમજાયું અને ભૂલ સમજતાં જ તેનું હૃદય પરિવર્તન થઈ ગયું. આગળ જતાં એ બુદ્ધનો સારો શિષ્ય બન્યો અને લંકામાં જઈને લોકો વચ્ચે રહીને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો.

ન્યુયોર્કમાં આવેલી ધ રિટ્ઝી-વેલ્ફોર્ડ એસ્ટોરિયા હોટલે ૨૦૧૨ માં એક "નિ:સંકોચ પ્રાયશ્ચિત" યોજના બહાર પાડી હતી. જાહેરાતમાં તેમણે લખ્યું હતું - "ભૂલ કોનાથી નથી થતી ? ઘણા માણસો અજાણતાં કે જાણી જોઈને ભૂલો કરે છે. પણ આવી ભૂલો કરનારને ક્યારેક તો આત્મ-પરિતાપ અનુભવાય જ છે. અમે એવી વ્યક્તિઓને આત્મશુદ્ધિ કરવાની એક તક આપવા માંગીએ છીએ. આ યોજનામાં કોઈપણ જાતની પૂછ-પરછ કે કાનૂની કાર્યવાહી કર્યા વગર ચોરાયેલી કે સંતાડીને લઈ જવાયેલી વસ્તુ સહર્ષ પાછી સ્વીકારવામાં આવશે. "યોજનાના અંતે હોટલ મેનેજરે જણાવ્યું હતું કે અનેક કિંમતી વસ્તુઓ તેમને પરત મળી હતી. જેમાં ૧૯૩૧-૧૯૩૭ ના વર્ષોની એન્ટિક વસ્તુઓ જેવી કે ચાંદીની વસ્તુઓ અને કિંમતી ટી-પોટ પણ હતા.

એક ભૂલ થયા પછીનું મનોમંથન મનના જંગલમાં ઊગી નીકળેલા ઈર્ષા, અભાવ, ઈચ્છા કે મોહ જેવા ઝાડી-ઝાંખરાની ઓળખ કરાવે છે અને જે સજાગ છે, સભાન છે, જાગતો છે એ ભૂલ થયા પછી તરત ચેતી જાય છે અને કાંટાના ઉઝરડાથી બચીને પણ જંગલી વનસ્પતિમાંથી ઔષધીય ગુણવત્તા ચૂંટી લે છે. ભૂલમાંથી બોધપાઠ લેનાર માણસ પછી પોતાના સંસ્કારોને ભાગવત કે ગીતા જેવા ધર્મ પુસ્તકોની માફક શ્રદ્ધાપૂર્વક સાચવીને રાખે છે.

અમેરિકન નેતા નિકસન ત્રીજા પ્રયત્ને માંડ માંડ રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. તેમનાથી પોતાના વિરોધીઓની જાસુસી કરવા માટેનું કાવતરૂં કરવાની ભૂલ થઈ ગઈ. વાત જાહેર થઈ ગઈ છતાં તેમણે એ ભૂલ સ્વીકારવાના બદલે જૂઠાણું ચલાવ્યું. એક જૂઠા નેતાનું લેબલ તેમના પર લાગી પડયું. એટલે સુધી કે હોદ્દા પરથી ઊતર્યા બાદ લોકો તેમને ઘર ભાડે આપવા પણ તૈયાર નો'તા. જ્યારે બીજા એક પ્રમુખ રોનાલ્ડ રીગન. એ જ્યારે 'ઈરાન-ગેટ' કૌભાંડમાં ફસાયા ત્યારે જાગી ગયા. પોતાની ભૂલની જવાબદારી માથે લઈ લોકોની હાથ જોડીને માફી માગી. એમણે ભૂલ થયા પછી એને સ્વીકારીને પોતાની જાતને થનારી સજામાંથી બચાવી લીધી.

મહાભારતમાં શ્રીકૃષ્ણ દુર્યોધનને અધર્મનો માર્ગ મૂકી દેવા ઘણું સમજાવે છે ત્યારે દુર્યોધન નફ્ફટ જવાબ આપે છે. હું ધર્મને સારી રીતે જાણું છું પણ તેનું આચરણ કરી શકતો નથી. (જાનામિ ધર્મમ્, ન ચ મે પ્રવૃતિ:) એક ભૂલ ભવિષ્યમાં લાંબા સમયના દુ:ખનું કારણ બને એ પહેલાં તેનો મનથી સ્વીકાર કરી ધર્મયુક્ત સાચો નિર્ણય લઈ એમાંથી છૂટકારો મેળવવો સારો. દુર્યોધનની માફક પોતાની જાતનો લૂલો બચાવ કરી પહાડ જેવી નવી ભૂલ ના થવા દેવી.

- સુરેન્દ્ર શાહ

City News

Sports

RECENT NEWS