For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહામારીમાં અધ્યાત્મનું અનુદાન

Updated: Jun 23rd, 2021

Article Content Image

'કોરોના' આ નવો શબ્દ કાન પર અથડાતા જ ધરતી પરના માનવીના મનમાંથી મહા ભયંકર બીકનું એક લખલખુ પસાર થયા વિના રહેતું નથી. કોરોનાએ સમગ્ર માનવ જાતને અજગરની જેમ ભરડામાં લઈ ભયનું ખોફનાક વાતાવરણ ઉભુ કરી દીધું. આ મહામારીએ બૌધ્ધિકો, વૈજ્ઞાાનિકો, ડોક્ટરો, શિક્ષિતો વગેરેથી માંડી સમષ્ટિના માનવોને ઘૂંટણીએ પાડી દીધા! માત્ર 'રામના રખોપા'ના વિશ્વાસે જીવવાનો વખત આવ્યો. મનુષ્ય ભૂતકાળમાં ક્યારેય નહોતો થયો એટલો ચિંતિત, ભયભીત અને નાસીપાસ આ કોરોના કાળમાં બન્યો!

કોરોના મહામારીનાં સંક્રમણથી બચવા સેનેટાઈઝ, સાબુથી હાથ વારંવાર ધોવા, મોઢા પર માસ્ક, બે વ્યક્તિ વચ્ચે બે ગજનું અંતર, ઘરમાં જ રહો, ટોળું ભેગું ન કરવું, સમૂહમાં ન જવું, નાટક, સિનેમા, મોલ, જીમ, શાળા-કોલેજ, પરીક્ષા, રેલવે, બસ અરે! દેવ દર્શન માટે મંદિરો પણ બંધ. લગ્ન-મરણ જેવા પ્રસંગોએ વ્યક્તિની મર્યાદિત હાજરી જેવા કેન્દ્ર સરકારની કોવિડ-૧૯ની આચાર સંહિતા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું, લોકડાઉન વગેરે જીવનનો એક ભાગ બની રહ્યા!!

વર્તમાન પત્રોમાં 'શ્રધ્ધાંજલિ'ઓ તથા 'અવસાન નોંધ'ની યાદીઓ વધારે પાનાની જગ્યા રોકવા લાગી! પોતાના સગા, સ્નેહિ, સંબંધી, પરિચિત, મિત્રો પડોશીઓના નામ ક્યારે એમાં સમાવેશ થઈ જશે એવી શંકા-કુશંકા પ્રત્યેક માણસના મનમાં ઘર કરી ગઈ. અરે! અન્ય તો ઠીક સ્વયં પોતાના નામ આગળ ક્યારે 'સ્વર્ગસ્થ'નો 'સ્વ' લાગી જશે એ ડરથી મનુષ્ય જીવન ચિંતિત બની ગયું. જીવનમાંથી જીવનરસ સૂકાઈ ગયો. જીવવું દોહ્યલું બન્યું. આવા ભયાવહ ઓથારના વાતાવરણમાં માનવ જીવન થંભી ગયું!

આ થંભી ગયેલા જીવનમાં પણ પરમાત્માની કૃપાથી સાજા-સ્વસ્થ રહેલા સદ્નશીબ મનુષ્યોએ જીવનના છ અનિવાર્ય પ્રશ્નો પોતાના આત્માને પૂછવા જેવા છે. એ છ પ્રશ્નો આમ છે -

(૧) છ અનિવાર્ય પ્રશ્નો -

(૧) આપણું રહેઠાણ આપણી માલિકીનું છે?

(૨) આવકનો શ્રોત-આર્થિક સ્થિતિ સંતોષકારક છે?

(૩) આપણા દીકરા-દીકરીનો અભ્યાસ પૂરો થઈ ગયો છે?

(૪) આપણા સંતાનો નોકરી-ધંધે લાગી, પરણીને ઠરીઠામ થઈ ગયા છે?

(૫) કોરોના કાળમાં આપણે અને આપણો પરિવાર સાજો-સ્વસ્થ છે?

(૬) બધા જ વહેવારિક-સામાજિક કાર્યોમાંથી ચિંતામુક્ત થઈ જવાનું સૌભાગ્ય સાંપડયું છે?

આ છ પ્રશ્નોના જવાબ પ્રામાણિકતાથી 'હા'માં હોય તો આપણે આગળના છ 'કર્તવ્ય કાર્યો' કરવા મનને તૈયાર કરવા જરૂરી બને. એ છ 'કર્તવ્ય કાર્યો' આ મુજબ કહી શકાય.

(૨) કર્તવ્ય કાર્યો:

(૧) સ્વસ્થ-તંદુરસ્ત રાખવા બદલ પરમાત્માનો આભાર માનવો.

(૨) પોતાની ભાવિ સુરક્ષા રીઝર્વ કરવી.

(૩) વ્યક્તિ અને સમાજના ઋણમાંથી મુક્ત થવા પ્રયાસ

(૪) મહામારીની ચિંતામાંથી મુક્ત થઈ પોતાનું આત્મબળ વધારવા.

(૫) મૃત્યુના ડરમાંથી મુક્ત થઈ નિર્ભય બનવા

(૬) અન્ય માનવને પ્રેરણા આપવા

ઉપરોક્ત છ કાર્યોનું મહત્વ મન અને બુધ્ધિને સ્વીકાર્ય તો નીચે મુજબના પુણ્ય અર્જીત સમાજ સેવાના સદ્કાર્યોનો પ્રારંભ કરી દેવો જોઈએ. જેવા કે વેન્ટીલેટર, ઓક્સિજન, દવા, ઇંજેક્શનનું દાન, ભોજન કે ધનથી મદદ.

આપણાથી આટલું પણ જો ન બની શકે તો વ્યક્તિ અને સમાજની સુખાકારી-શાંતિ અર્થે આપણે 'અધ્યાત્મનું યોગદાન' તો અવશ્ય આપી શકીએ. કેમકે આપત્તિના કપરા ભયંકર કોરોનાના કાળમાં દુષ્ટ કર્મો-પાપ કર્મો જેવાકે- અફવા ફેલાવવી, દવા-ઇંજેક્શનના કાળાબજાર કરવા, ભ્રષ્ટાચાર આચરવો, અંગત સ્વાર્થ અને લાગવગના કામો કરી લેવા, શંકા-કુશંકા, વહેમ, અંધશ્રદ્ધા, ગલત માન્યતા વગેરે દુર્બુધ્ધિના અનિષ્ટ કાર્યોથી બચી શકાય. આવા કાર્યોથી અલિપ્ત રહેવા માટે સદ્બુધ્ધિની દાતા ચારવેદની મા ગાયત્રીના મંત્ર કે પોતાના ઈષ્ટ મંત્રની છ માળાનો  જપ દૈનિક કરવા માટે મનમાં નિશ્ચય કરવો જોઈએ. આ છ માળાના જાપનું મહત્વ અને ઉદ્દેશ પણ લઈએ જેથી કોના કોના હિતાર્થે આ જાપનું પૂણ્ય અર્પિત કરવાનું છે એ ભાવના ધ્યાનમાં રહે!

આવા છ કલ્યાણકારી પરોપકારના કાર્યો આ મુજબ જાણી શકાય.

(૩) કલ્યાણકારી કાર્યો:

(૧) ચોવિસ કલાક દરમિયાન મન, વચન, કર્મથી જાણ્યે અજાણ્યે પોતાનાથી થયેલા પાપના પ્રાયશ્ચિત માટે એક માળાનું પૂણ્ય અર્પણ.

(૨) વિશ્વશાંતિ અને સુખાકારી માટે રત આપણા પોતાના ગુરુની શક્તિ, ઊર્જા અને તપમાં વૃધ્ધિ કરવા બીજી માળાના જાપ ગુરુને અર્પણ.

(૩) ત્રીજી માળાનું પૂન્ય વિશ્વમાં ફલાયેલી મહાભયંકર મહામારીના વાતાવરણને ખતમ કરવા અર્થે

(૪) કોઈપણ જ્ઞાાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય કે ઊંચ-નીચના ભેદભાવ વગર કોરોના મહામારીમાં દિવંગત મનુષ્ય આત્માની શાંતિ અર્થે ચોથી માળાનું પૂન્ય અનુદાન મૃતાત્મા માટે

(૫) કોરોનાથી મુક્ત થવા હોસ્પિટલમાં દાખલ કોઈ પણ દર્દી સત્વરે સાજો-સ્વસ્થ થઈ આનંદથી પોતાના પરિવારને મળે તે આશયથી પાંચમી માળાનું પુણ્ય મહામારીના દર્દી માટે.

(૬) આપણા સહિત જે મનુષ્ય કોરોનાની ચપેટમાં નથી આવ્યો એ પ્રભુકૃપાથી સાજો-સ્વસ્થ, સુખરૂપ બની રહે તે માટે છઠ્ઠી માળાના જાપ પ્રભુને આ પ્રાર્થના માટે અર્પિત.

શાસ્ત્ર વચન છે, 'ધર્મો રક્ષતિ રક્ષિતઃ' 'ધર્મનું રક્ષણ કરો, ધર્મ તમારું રક્ષણ કરશે' બીજાને માટે કરેલા દાન, પૂણ્ય, જપ, શુભેચ્છા, સેવા, સહાય જેવા પૂણ્યકાર્યો જ આપણું રક્ષણ કરશે. બાકી તો વિપત્તિના સમયમાં મંદિરના ભગવાને પણ ભક્તનું મોઢું જોવાનું બંધ કરી જ દીધું છે ને? ઉપનિષદનું સૂત્ર કહે છે, 'ત્યેન ત્યક્તેન ભૂંજીયા' ત્યાગીને ભોગવો, વાવો અને લણો 'પ્રથમ આપો અને પછી મેળવો', 'ગીવ એન ટેઈક' શાસ્ત્રોના સુખ પ્રદાન કરતા આવા સૂત્રો આપણી સ્વાર્થી દૃષ્ટિથી ઝાંખા દેખાતા હતા હવે સ્વાર્થના મોતીયાનું ઓપરેશન કરી જીવન દૃષ્ટિ બદલ્યા વગર કોઈના જીવનમાં સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કોઈ પણ વ્યક્તિ ક્યારેય કરાવી શકવા હવેથી શક્તિમાન નથી રહી!

- હરસુખલાલ સી. વ્યાસ

Gujarat