For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તામિલ ભાષાના કવિ સંત તિરુવલ્લુવરે અનેક લોકોને જીવનનો સાચો રાહ બતાવ્યો હતો

Updated: Jan 18th, 2023

Article Content Image

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

સં ત તિરુવલ્લુવર દક્ષિણના મહાન સંત હતા. તેમને દક્ષિણ ભારતના કબીર માનવામાં આવે છે. તેમનો જન્મ ક્યારે થયો તે વિશે કોઈ પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી પણ કેટલાક વિદ્વાનોનું એવું અનુમાન છે કે ઇ.સ.પૂર્વે ૩૦ થી ૨૦૦ વર્ષોની વચ્ચે તેમનો જન્મ થયો હશે. કબીરની જેમ તે પણ એક દલિત વણકરના કુટુંબમાં જન્મ્યા હતા. એવું મનાય છે કે તે ચેન્નાઈના મયિલાપુરમાં થોડો સમય રહ્યા હતા. તેમનું અધિકાંશ જીવન મદુરામાં વીત્યું હતું. ત્યાં પાંડયવંશી રાજાઓ દ્વારા તામિલ સાહિત્યને પોષિત કરાતું રહ્યું હતું અને એમના દરબારમાં બધા ખ્યાતનામ વિદ્વાનોને આશ્રય અપાતો હતો. ત્યાંના જ દરબારમાં 'તિરુક્કુલર'ને એક મહાન ગ્રંથના રૂપે માન્યતા પ્રાપ્ત થઈ હતી.

સંત તિરુવલ્લુવરે માનવીને જીવનનો સાચો માર્ગ બતાવતી નાની નાની કવિતાઓ લખી હતી. તેમના આવા પુષ્કળ લઘુકાવ્યોનું સંકલન 'તિરુક્કુલર' ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ એક એવો ગ્રંથ છે જે નૈતિકતા, સદ્ગુણ અને સદાચારનો પાઠ ભણાવે છે. કોઈ ધર્મ વિશેષ સાથે તેનો સંબંધ નથી. આમાં ગાગરમાં સાગર સમાય તે રીતે જીવનનું દર્શન આલેખાયેલું છે. એવું નથી કે કેવળ તામિલ ભાષાના લોકો જ આ ગ્રંથનું પઠન કરે છે. તેનો દુનિયાની અનેક ભાષાઓમાં અનુવાદ થયેલો છે. તિરુક્કુલર ગ્રંથ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે.

૧. અરમ (આચરણ/ સદાચરણ) ૨. પરુલ (સાંસારિકતા) સંવૃદ્ધિ. ૩. ઇન્બમ (પ્રેમ/ આનંદ). આ ગ્રંથમાં કુલ ૧૩૩ અધ્યાય છે અને દરેક અધ્યાયમાં ૧૦ દોહા છે. તિરુક્કુલરના ૧૩૩ અધ્યાયોને ધ્યાનમાં રાખીને કન્યાકુમારીના વિવેકાનંદ સ્મારક પાસે એક નાના પથરાળ દ્વીપ પર સંત કવિ તિરુવલ્લુવરની ૧૩૩ ફૂટ ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. પ્રતિમાની વાસ્તવિક ઊંચાઈ ૯૫ ફૂટ છે. પરંતુ તે ૩૮ ફૂટ ઊંચા મંચ પર સ્થાપિત છે અને તેને પણ મૂર્તિનો ભાગ માનવામાં આવે છે. એટલે ૧૩૩ ફૂટ ગણાય છે. મૂર્તિનો આ આધાર એમની કૃતિ તિરુક્કુલરના પ્રથમ ખણ્ડ 'સદાચાર'નો બોધક છે. આ જ આધાર સંસારને સુખદ અને સારરૂપ બનાવે છે. તેનાથી જ તેની સંવૃદ્ધિ, સુવિકાસ થાય છે. સદાચાર જ સંવૃદ્ધિ પામી અંતે પ્રેમ અને આનંદનો અનુભવ કરાવે છે.

સંત તિરુવલ્લુવરના જીવનનો એક સુંદર, માર્મિક, બોધદાયક પ્રસંગ છે. તે જ્ઞાાતિ અને વ્યવસાયે વણકર હતા. એક દિવસ અત્યંત મહેનતથી તૈયાર કરેલી સાડી લઈને તેને વેચવા બજારમાં બેઠા હતા. તે વખતે એક ઉચ્છૃંખલ, ઉધંડ યુવક ત્યાં આવ્યો. સાધુ-સંતના વેશમાં બેઠેલા તિરુવલ્લુવરના સંતત્વ વિશે તેને કુશંકા થઈ. તેમની પરીક્ષા લેવાના હેતુથી તેણે તે સાડીની કિંમત પૂછી. તિરુવલ્લુવરે તેની કિંમત બે રૂપિયા બતાવી. પેલા યુવકે પાથરણા પર પડેલી કાતર ઉઠાવીને તે સાડીના બે ટુકડા કરી દીધા અને પછી તેની કિંમત પૂછી. સંત તિરુવલ્લુવરે એક એક ટુકડાનો એક રૂપિયો કિંમત જણાવી.

પેલા ઉઘંડ યુવકે પેલા બે ટુકડાના પાછા બે બે ટુકડા કરી નાંખ્યા અને તેની કિંમત પૂછી. સંતે શાંતિ અને ધીરજ જાળવી રાખી દરેકના આઠ આના એમ કહ્યું. યુવકે ફરી દરેકના બે બે ટુકડા કરી એની કિંમત પૂછી સંતે એટલા જ શાંત, ધીર, ગંભીર, સ્વરે જણાવ્યું- દરેકના ચાર આના. આમ છેવટે એના દરેક દરેક ટુકડાને ફાડતાં- ફાડતાં જ્યારે તે સાડી તાર-તાર થઈ ગઈ, તેના તાણા-વાણા છૂટી પડી ગયા પછી તેનું ગુંચળું વાળી મજાક કરતો કહેવા લાગ્યો- 'હવે આમાં રહ્યું જ છે શું કે તેના પૈસા અપાય.'

સંત તિરુવલ્લુવરે પણ હસીને કહ્યુ- વત્સ, તારી વાત બિલકુલ સાચી છે. સાડી હવે કશા કામની રહી નથી. એનું કોઈ મૂલ્ય ના અપાય. સંત તિરુવલ્લુવર આવું કહેશે એવી એની ધારણા નહોતી.

તે ધનિક યુવાને ધનનું અભિમાન પ્રદર્શિત કરતાં બે રૂપિયા કાઢયા અને સંતને તે આપવા માંડયા- 'આ લો તમારી સાડીની કિંમત.' સંત તિરુવલ્લુવરે તે બે રૂપિયા લીધા નહીં. તે તેને કહેવા લાગ્યા- 'બેટા, જ્યારે તેં સાડી ખરીદી જ નથી. તો હું એની કિંમત કેવી રીતે લઉં ?' પેલા ઉધંડ યુવકના હૃદયમાં પશ્ચાત્તાપ થયો. તેણે સંતની ક્ષમા માંગી અને એ બે રૂપિયા લઈ લેવા આગ્રહ કર્યો. સંત, તિરુવલ્લુવરે તેને શાણપણ પૂર્વક બોધ આપતા કહ્યું- ' તારા બે રૂપિયા આપવાથી શું આ સાડીને વણવામાં, એનું સૂતર કાંતવામાં કેટલા લોકોએ શ્રમ કર્યો હતો. તે નકામો ગયો ને ? એમનો સમય બરબાદ થયો. અને તેં એને ફાડી તાર-તાર કરી નાંખી એમાં તનેય શું મળ્યું. સંતે તેના બે રૂપિયા ના લીધા તે ના જ લીધા. પછી પેલા ઉઘંડ યુવકનો સ્વભાવ બદલાઈ ગયો અને જીવનનું પણ પરિવર્તન થઈ ગયું. આમ, સંત તિરુવલ્લવરે અનેક લોકોને જીવવાનો સાચો રાહ બતાવ્યો હતો.

Gujarat