શ્રી ચૈતન્યચરિત્રામૃતના રચયિતા શ્રીકૃષ્ણદાસ કવિરાજ રાધા-કૃષ્ણની રાગાત્મિકા ભક્તિ કરતા હતા
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
'કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર
નામ હયતે હય સર્વ જગત નિસ્તાર
આ કળિયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનું પવિત્ર નામ,
હરે કૃષ્ણ મહામંત્ર ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર છે. પવિત્ર નામનો જાપ કરવા માત્રથી જ વ્યક્તિ સીધો. ભગવાન સાથે જોડાઈ જાય છે. જે કોઈપણ આવું કરે છે તેને ચોક્કસ મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે.'
'સાધુ-સંગ, નામ-કીર્તન, ભાગવત શ્રવણ ।
મથુરા-વાસ શ્રીમૂર્તિ શ્રદ્ધા સેવન ।।
સકલ-સાધના શ્રેષ્ઠ ઐ પંચ અંગ ।
કૃષ્ણ પ્રેમ જન્માય ઐ પંચેરા સંગ ।।
માનવીએ ભક્તોનો સંગ કરવો જોઈએ, ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું જોઈએ, શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરવું જોઈએ, મથુરામાં નિવાસ કરવો જોઈએ અને શ્રદ્ધા તથા વિશ્વાસ સાથે ભગવાનની સેવા-પૂજા કરવી જોઈએ. ભક્તિના આ પાંચ અંગ સર્વશ્રેષ્ઠ છે. આ પાંચેયનું થોડું પણ પાલન કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થઈ જાય છે.'
'ચૈતન્ય ચરિતામૃત' બાંગ્લાના મહાન ભક્તકવિ કૃષ્ણદાસ કવિરાજે લખ્યો હતો. આ ગ્રંથ શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશનું વિવરણ કરે છે. તે મુખ્યત્વે તો બાંગલા ભાષામાં લખાયેલો છે પણ તેમાં 'શિક્ષાષ્ટકમ્' સહિત થોડા ભક્તિપૂર્ણ કાવ્ય સંસ્કૃત છંદમાં પણ છે. તે ગૌડીય સંપ્રદાયનો આધાર ગ્રંથ છે. તેમાં ચૈતન્ય મહાપ્રભુનું જીવનચરિત્ર, એમના તાત્ત્વિક સિદ્ધાંતો, કૃષ્ણના નામો અને હરે કૃષ્ણમંત્રના જપનું પણ વિશેષ વિવરણ છે. આ ગ્રંથ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે- આદિ લીલા, મધ્ય લીલા અને અંત્યલીલા. આ ગ્રંથ ભગવત્પ્રેમ, ભગવત્સ્મરણ અને સેવા, નામ- સંકીર્તનનો મહિમા રજૂ કરે છે.
'ચૈતન્ય ચરિત્રામૃત'ના રચયિતા ભક્ત ગોસ્વામી કૃષ્ણદાસ કવિરાજ બાળપણથી જ ધર્મપ્રેમી અને ઇશ્વર અનુરાગી હતા. એમના માતા-પિતા ચૈતન્ય મહાપ્રભુજીની રાગાત્મિકા ભક્તિથી પ્રભાવિત હતા એના સંસ્કાર કૃષ્ણદાસમાં બાળપણથી ઊતર્યા હતા. તે નિશદિન ભગવાનના નામની માધુરીમાં રમમાણ રહેતા હતા. એક દિવસ કૃષ્ણદાસને સ્વપ્નમાં શ્રી નિત્યાનંદજીએ દર્શન આપી સંસારધર્મથી અલિપ્ત થઈ એનો ત્યાગ કરવા સંમતિ આપી. તેનાથી પ્રેરાઈને કૃષ્ણદાસ ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમલીલાસ્થળી વૃંદાવનમાં વસવા ચાલી નીકળ્યા. કૃષ્ણદાસના જન્મ પહેલાં જ શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાનની લીલામાં સ્વધામ પહોંચી ગયા હતા. એટલે તે ચૈતન્ય મહાપ્રભુના પ્રિય શિષ્ય રઘુનાથદાસજીના સાંનિધ્યમાં રહયા હતા અને તેમની પાસેથી દીક્ષાગ્રહણ કરી શ્રી ચૈતન્ય મહાપ્રભુજીના પરમ પવિત્ર ચરિત્રનું અનુશીલન અને અધ્યયન કરી પ્રેમ ભક્તિનો સાક્ષાત્કાર કરતા હતા.
શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની અંતિમ અવસ્થા વખતે તેમની પાસે શ્રી સ્વરૂપ ગોસ્વામી અને રઘુનાથદાસ જ રહ્યા હતા. મહાપ્રભુના દિવ્ય રાધા મહાભાવની ઉચ્ચ અવસ્થા, એમની અપૂર્વ પરમ પ્રેમમય સ્થિતિની ભાવના અને રાધા-કૃષ્ણના પરમ તત્ત્વની સાનુભૂતિના સાક્ષાત્કારના અનુભવોને શ્રી રૂપ ગોસ્વામી એમની કૃપાથી જાણી લેતા અને તેનું વર્ણન રઘુનાથદાસને કરતા. રઘુનાથદાસ રાધા મહાભાવના પ્રેમ રહસ્યોનું ઉદ્ઘાટન કૃષ્ણદાસ સમક્ષ કરતા. એનાથી એમનામાં આ તત્ત્વનું દિવ્યજ્ઞાન પ્રકટ થયું હતું. એના થકી કૃષ્ણદાસે એમની વૃદ્ધાવસ્થામાં પણ અંતિમ વર્ષોમાં અત્યંત સુલલિત છંદોમાં શ્રીચૈતન્ય ચરિત્રામૃતની રચના કરી હતી.
એકવાર કોઈકે તેમને પૂછયું- 'તમારા અંગો જર્જરિત થઈ ગયા છે. આંખોથી બરાબર દેખાતું નથી, કાને પૂરું સંભળાતું નથી, મુખેથી વધારે ઉચ્ચારણ થતું નથી હાથેથી વધુ લખાતું નથી તો તમે કેવી રીતે આ ગ્રંથની રચના કરી રહ્યા છો ? તેમણે એનો જવાબ આપતાં કહ્યું હતું- 'મારું શું સામર્થ્ય છે કે હું આ ગ્રંથ લખી શકું ? એને તો રાધારમણ શ્રીકૃષ્ણ સ્વયં મારા થકી લખાવી રહયા છે.
એકવાર રાધારાણીએ એક વિદ્વાન, વ્યાકરણશાસ્ત્રીના સ્વપ્નમાં પ્રકટ થઈ કહ્યું હતું- 'કૃષ્ણદાસ તો મારી મંજરીનો અવતાર છે. તેમણે જે લખ્યું છે તે મારા પ્રિયતમ પ્રભુએ જ લખાવ્યું છે. 'પ્રેમ અને આનંદરૂપ રાધા રાગાત્મિકા ભક્તિથી રાધા મહાભાવનો સતત સાક્ષાત્કાર કરતા ગોસ્વામી કૃષ્ણદાસ કવિરાજે શ્રી ચૈતન્ય ચરિત્રામૃત ઉપરાંત સંસ્કૃતમાં વૈષ્ણવાષ્ટક, ગોવિંદલીલામૃત અને કૃષ્ણકર્ણામૃતની સારંગરંગદા નામની ટીકા લખી છે. ગોવિંદલીલામૃતમાં રાધા-કૃષ્ણની વૃંદાવન લીલાનું કોમલ લલિત પદાવલીઓ સાથે રસમય, રોચક વર્ણન કરાયેલું છે. પશ્ચિમ બંગાળમાં ગોસ્વામી શ્રીકૃષ્ણદાસ કવિરાજનું એ જ સ્થાન છે જે ઉત્તર ભારતમાં રામચરિતમાનસના રચયિતા સંત શ્રી તુલસીદાસજીનું છે.