For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સાથે સંકળાયેલો પૌરાણિક મહિમા

Updated: Jul 8th, 2021

Article Content Image

- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

નીલાચલનિવાસાય નિત્યાય પરમાત્મને ।

બલભદ્રસુભદ્રાભ્યાં જગન્નાથાય તે નમઃ ।।

જગદાનંદકંદાય પ્રણતાર્તહરાય ચ ।

નીલાચલનિવાસાય જગન્નાથાથાય તે નમઃ ।।

રત્નાકરસ્તવ ગૃહં ગૃહિણી ચ પદ્મા

કિં દેવમસ્તિ ભવતે પુરુષોત્તમાય ।

અભીર વામનયનાહાતમાનસાય

દત્તં મનો યદુપતે ત્વરિતં ગૃહાણ ।।

હિંદુ ધર્મશાસ્ત્રોમાં સાત પવિત્ર નગરીઓને મોક્ષદાયિની કહેવામાં આવી છે - અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા । પુરી દ્વારાવતી  ખ્યાતા સપૌતા મોક્ષદાયકાઃ ।। આ સાત પાવનકારી નગરીઓમાંની એક જગન્નાથ પુરી ઓરિસ્સા (ઉડીસા) રાજ્યના સમુદ્ર તટ પર વસેલી છે.

ભારતના પૂર્વમાં બંગાળની ખાડીના પૂર્વ તરફના છેડે વસેલી આ દિવ્ય નગરી ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી થોડાક જ અંતરે આવેલી છે. આજનું ઓરિસ્સા પૂર્વે ઉત્કલ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પુરાણોમાં આ ધરતીને વૈકુંઠ કહેવામાં આવી છે. જગન્નાથ પુરી ભગવાન વિષ્ણુનાં ચાર ધામોમાંથી એક છે. જગન્નાથપુરીને શ્રી ક્ષેત્ર, શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર, શાક ક્ષેત્ર, નીલાંચલ અને નીલ ગિરિ પણ કહેવાય છે. અહીં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુએ વિવિધ પ્રકારની લીલાઓ કરી હતી.

બ્રહ્મપુરાણ અને સ્કંદપુરાણ અનુસાર અહીં ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રૂપમાં અવતરિત થયા હતા અને સબર જનજાતિના પરમ પૂજનીય દેવોના દેવ બની ગયા હતા. સબર જનજાતિના દેવાધિદેવ  હોવાથી અહીં ભગવાન જગન્નાથનું રૂપ કબીલાઓના દેવતાઓ જેવું છે. પૂર્વે કબીલાના લોકો પોતાના દેવતાઓની મૂર્તિઓ કાષ્ઠથી બનાવતા હતા. જગન્નાથ મંદિરમાં સબર જનજાતિના પૂજારીઓ ઉપરાંત બ્રાહ્મણ પૂજારીઓ પણ હોય છે. જેઠ સુદ પૂનમથી અષાઢ સુદ પૂનમ સુધી સબર જાતિના દૈતાપતિ જગન્નાથજીની બધી રીત-રસમો કરે છે.

રાજા ઈન્દ્રદ્યુમ્ન માળવાના રાજા હતા. તેમને સ્વપ્નમાં ભગવાન જગન્નાથના દર્શન થયા હતા. અનેક ગ્રંથોમાં રાજા ઈન્દ્રદ્યુમ્ન અને તેના યજ્ઞાના વિષયમાં વર્ણન આવે છે. ભગવાન વિષ્ણુએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે નીલાંચલ પર્વતની ગુફામાં મારી એક મૂર્તિ છે એને નીલમાધવ કહે છે. તમે એક મંદિર બનાવી એમાં મારી આ મૂર્તિ સ્થાપિત કરી દો. રાજાએ એમના સેવકોને નીલાંચલ પર્વતની શોધમાં મોકલ્યા. એ સેવકોમાં એક હતો બ્રાહ્મણ વિદ્યાપતિ. તેને ખબર હતી કે કબીલાના લોકો નીલમાધવની પૂજા કરે છે અને તેમણે તે મૂર્તિને નીલાંચલ પર્વતની ગુફામાં છુપાવી રાખી છે.

તેણે કબીલાના મુખિયા વિશ્વવસુની પુત્રી સાથે લગ્ન કરી લીધા. પછી તેની પત્નીની સહાયથી નીલ માધવની ગુફા સુધી પહોંચી ગયો. ત્યાંથી મૂર્તિ ચોરી લીધી અને રાજાને આપી દીધી. પણ ભગવાન વિશ્વવસુની ભક્તિથી ગુફામાં પાછા આવી ગયા અને રાજા ઈન્દ્રદ્યુમ્નને ખાતરી આપી કે તે યોગ્ય સમયે જરૂર તેમની પાસે પાછા ફરશે. પણ તેણે એમના માટે સુંદર મંદિર બનાવી દેવું પડશે. તેમણે તે બનાવી પણ દીધું. એ પછી ભગવાને તેમને કહ્યું - મારી મૂર્તિ બનાવવા માટે સમુદ્રમાં તરી રહેલો વૃક્ષનો મોટો ટુકડો લઈ આવો. જે દ્વારિકાથી તરતો તરતો પુરી તરફ આવી રહ્યો છે.

રાજાએ સેવકોને મોકલ્યા પણ બધા ભેગા મળીનેય તે ટુકડો ઉઠાવી શક્યા નહીં પછી વિશ્વવસુની સહાય લીધી. તેણે એકલાએ તે ભારે ટુકડો ઉઠાવી મંદિર સુધી પહોંચાડયો. અનેક કારીગરોએ અપાર પ્રયત્નો કર્યા પણ તે લાકડાને છેદીને મૂર્તિ બનાવી શક્યા નહીં. છેવટે દેવ શિલ્પી વિશ્વકર્મા વૃદ્ધ કારીગરનું રૂપ લઈને આવ્યા અને કોઈ ઓરડામાં પ્રવેશે નહીં એવી શરત સાથે મૂર્તિ બનાવવા બેઠા. એક દિવસ રાજરાણી ગુંડિચાને મૂર્તિ બનાવવાનો અવાજ ન સંભળાયો એટલે ચિંતાતુર થઈ રાજાને વાત કરી.

રાજાએ શરતનો ભંગ કરી અંદર પ્રવેશ કર્યો તો વૃદ્ધ કારીગર રૂપી વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા. રાજા-રાણીએ જોયું તો મૂર્તિઓ અધૂરી હતી. શ્રીકૃષ્ણ, એમના ભાઈ બલરામ અને એમની બહેન સુભદ્રાની એ અધૂરી મૂર્તિઓને ભગવાનની ઈચ્છા માની મંદિરમાં સ્થાપિત કરી દેવામાં આવી.

અષાઢ સુદ બીજના દિવસે આ ત્રણેય મૂર્તિઓને રથ પર બેસાડી તેમની યાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રાને ભગવાનની નગરચર્યા પણ કહેવાય છે. રથયાત્રામાં સૌથી આગળ તાલધ્વજ પર બલરામજી બિરાજે છે, એમની પાછળ પદ્મ ધ્વજ પર સુભદ્રાજી બિરાજે છે, એમની સાથે સુદર્શન ચક્ર પણ બિરાજે છે અને સૌથી છેલ્લે ગરુડધ્વજ પર ભગવાન શ્રીકૃષ્ણ (શ્રી જગન્નાથજી) બિરાજે છે. એવી પૌરાણિક માન્યતા છે કે જે વ્યક્તિ આ રથોને ખેંચવાનું કામ કરે છે અથવા આ યાત્રામાં સામેલ થાય છે તેને સો યજ્ઞા કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અને મરણ  બાદ મોક્ષ મળે છે.

Gujarat