For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દુર્ધ્યાનમાં ગ્રસ્ત મન નર્કના દુઃખો ય આપે...શુભધ્યાનમાં મસ્ત મન મોક્ષના સુખો ય આપે...

Updated: Jul 8th, 2021


- અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

આપણા જેવા દરેક સરેરાશ માનવી પાસે ત્રણ વિશિષ્ટ શક્તિ છે : મનશક્તિ, વચનશક્તિ અને કાયશક્તિ. જૈન શાસ્ત્રોની પરિભાષામાં વાત કરીએ તો જે સંજ્ઞાી પંચેન્દ્રિયની કક્ષાના જીવો હોય તેમની પાસે આ ત્રણેય શક્તિ અલ્પાધિક અંશે હોય. આ સંજ્ઞાી પંચેન્દ્રિયોમાં આપણા જેવા માનવો ઉપરાંત પશુ-પંખી આદિ તિર્યંચો-નારકો અને દેવોનો પણ સમાવેશ થાય છે.

આ સહુ પાસેની એ ત્રણ શક્તિઓમાં સૌથી વધુ તાકતવર - 'પાવરફુલ' શક્તિ જો કોઈ હોય તો એ છે મનશક્તિ. આ વાતને આપણે એક સરલ ઉદાહરણથી સમજીએ. ધારો કે બંદૂકમાં ધરબી શકાય તેવી ગોળી તમારા હાથમાં છે અને તમે સામી વ્યક્તિ પર એનો હાથથી જ ઘા કરો છો. ત્યારે એ ગોળીની પ્રહારની તાકાત માત્ર એકાદ પથ્થર જેટલી  જ રહેશે, એથી વધુ નહિ. હવે ધારો કે એ જ ગોળીને બંદૂકમાં ઘરબી તમે 'પોઈન્ટ બ્લેન્ક રેન્જ'થી સામી વ્યક્તિ પર ગોળીબાર કરો છો.  ત્યારે એ ગોળીની પ્રહાર ક્ષમતા અત્યંત તીવ્ર બની જશે અને સામી વ્યક્તિના દેહની આરપાર નીકળી જઈ ેને મરણશરણ પણ બનાવી શકે. ગોળી એની એ જ, છતાં પરિણામમાં આ આભ-ગાભનો તફાવત આવવાનું કારણ છે બંદૂકનો જબરજસ્ત 'ફોર્સ' !

બસ, આ બંદૂકના જબરજસ્ત 'ફોર્સ' જેવી તાકાત છે મનની. પ્રવૃત્તિ શુભ હો યા અશુભ, પરંતુ જો એમાં મનની ગેરહાજરી હોય તો એ શુભાશુભ પ્રવૃત્તિની તાકાત એકદમ મર્યાદિત થઈ જાય. એથી વિપરીત એ શુભાશુભ પ્રવૃત્તિમાં મનનું જોડાણ અત્યંત તીવ્ર હોય તો એની તાકાત પણ અત્યંત તીવ્ર-ગજબનાક બની જાય. આની પ્રતીતિ કરવા માટે આપણે ટાંકીએ અહીં જૈન શાસ્ત્રોનું એક નિરૂપણ. એ કહે છે કે અસંજ્ઞાી (મન વિનાના) જીવો કાયાનાં સ્તરે વધુમાં વધુ પાપ કરે તો ય એના અંજામરૂપે  એને વધી વધીને માત્ર પહેલી નર્ક સુધીની સજા મળે, એથી અધિક નહિ. જ્યારે જે સંજ્ઞાી (મનશક્તિયુક્ત) જીવો છે એ મનના તીવ્ર અભિસંધાન સાથે પાપો કરે તો સાતમી નર્કની સજા મળે! શું દર્શાવે છે આ? એ જ કે મનની તાકાત કેવી કલ્પનાતીત ગજબની છે. આ જ વાત શુભનાં ક્ષેત્રે પણ સમજવાની છે કે મનનાં અભિસંધાનવિહોણી માત્ર કાયાનાં સ્તરની શુભ પ્રવૃત્તિ મર્યાદિત સુફળ આપે. જ્યારે મનનાં તીવ્ર અભિસંધાનયુક્ત શુભ પ્રવૃત્તિ કલ્પનાતીત પ્રચંડ સુફળ આપે. વાસ્તવિકતા જ્યારે આ છે ત્યારે આત્મકલ્યાણના અર્થી આરાધકનું લક્ષ્ય એ રહે કે શુભમાં મન ઉલ્લાસિતપણે જોડાય અને અશુભમાં ભૂલથી ય ન ખેંચાઈ જાય.

પણ... સબૂર! મનના ખેલ બહુ નિરાળા છે. એ આપણી રાહત મુજબ શુભમાં સ્થિર રહેવા કે અશુભથી દૂર રહેવા તૈયાર થઈ જાય એવું આજ્ઞાાંકિત એ તો મહાન યોગીજનોને ય મથામણમાં મૂકી દે એવું ચાલબાજ છે. એટલે જ શ્રીમાન આનંદધનજી મહારાજ જેવા મહાયોગીએ પણ મન માટે લખી દીધું છે કે :-

ક્યાં કરું? મન સ્થિર નહિ રહેતા,

ઇધર ફીરે મન મેરા... ઊધર ફીરે મન મેરા...

આપણે સહુ પણ વારંવાર એ અનુભવમાંથી પસાર થતા હોઈએ છીએ કે કાયામાં ધર્મમાં-શુભમાં પ્રવૃત્ત હોય અને મન સાંસારિક બાબતોમાં ક્યાંનું ક્યાં ભટકતું હોય. ખબર છે આપણી આ અવસ્થાને પ્રતિબિંબિત કરતું પેલું રમૂજી દૃષ્ટાંત?

નગરના લબ્ધપ્રતિષ્ઠ શ્રેષ્ઠીને ત્યાં સવાર સવારમાં એમના સમોવડિયા શ્રેષ્ઠી મળવા આવ્યા. શેઠ ત્યારે અંદરના ભાગે ગૃહમંદિરમાં પ્રભુપૂજા કરતા હતા. બહારના ખંડમાં રહેલ પુત્રવધૂએ આગંતુક શ્રેષ્ઠીને   આવકારતા ઉચ્ચ સ્વરે કહ્યું : ''બેસો, સસરાજી અમૂક સ્થળે ઉઘરાણી વસૂલવા ગયા છે. થોડી વારમાં આવી જશે.'' આગંતુક શ્રેષ્ઠીને આશ્ચર્ય થયું કે આટલી વહેલી સવારે ઉઘરાણી? એમાં ય પુત્રવધૂએ જે સ્થળનો ઉલ્લેખ કર્યો એ એવું હતું કે જ્યાં ઉચ્ચ કક્ષાના લોકો જલ્દી જાય નહિ. આ તરફ, પૂજા કરી રહેલ શેઠ પુત્રવધૂની આ વિચિત્ર વાત સાંભળી મનોમન સમસમી ગયા.

પૂજા બાદ, ખુલાસો કરવાની ગણતરીથી એ પૂજાવસ્ત્રોમાં જ બહારના ખંડમાં આવ્યા. આગંતુક શ્રેષ્ઠીએ પુત્રવધૂ સમક્ષ જોતાં વિસ્મયથી પૂછયું : ''આ ક્યાં ઉઘરાણીએથી આવ્યા છે? આ તો મંદિરમાંથી આવ્યા છે.'' પુત્રવધૂએ ધારદાર કટાક્ષ કર્યો : ''પૂજો સસરાજીને કે પૂજા સમયે એમનું મન મેં કહ્યું એ સ્થળની ઉઘરાણીમાં ભટકતું હતું કે નહિ? પૂજાની તૈયારી સમયે મેં એમનાં મુખેથી એ શબ્દો સાંભળ્યા છે કે પૂજા પછી સીધા ઉઘરાણીએ જ જવું છે. મારી સો ટકા ધારણા છે કે એ જ વિચારોમાં એમનું મન પૂજા સમયે પણ રમતું જ હશે.'' સસરાજીએ નિખાલસતાથી પોતે એ જ વિચારોમાં રમતા હોવાની કબુલાત કરી...

હા, તો મનની વિચિત્ર લાક્ષણિકતા આ છે કે કાયા શુભમાં પ્રવૃત્ત હોય તો ય એ સ્વચ્છંદી બની ગમે ત્યાં વિહરતું હોય. એને શુભમાં સ્થિર રાખવું ય કઠિન છે, તો અશુભથી અટકાવવું ય કઠિન છે. આ વાસ્તવિકતા વચ્ચે 'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થકાર એના નવમા અધિકારમાં મન વિશેનું વિશદ ચિંતન લઈને આવે છે. સત્તર શ્લોકોમાં મન વિશે તેઓએ અનેક રસપ્રદ રજૂઆતો કરી છે. મનને નિયન્ત્રણમાં રાખવું ચાહે તેવું કઠિન હોય તો પણ એને નિયન્ત્રણમાં રાખવાનો પ્રબળ પુરુષાર્થ સતત કરવો જ જોઈએ. એનું સચોટ કારણ દર્શાવતા ગ્રન્થકાર એ અધિકારનો ત્રીજો શ્લોક આમ ફરમાવે છે કે :-

સ્વર્ગાપવર્ગૌ નરકં તથાન્ત - ર્મુહૂર્તમાત્રેણ વશાવશં યત્;

દદાતિ જન્તોઃ સતતં પ્રયત્નાદ્, વશં તદન્તઃકરણં કુરુષ્ય.

આ શ્લોકમાં તેઓ એમ કહે છે કે મન જો નિયન્ત્રિત બની ધર્મધ્યાન-શુક્લધ્યાનમાં લીન બની ગયું હોય તો એક અન્તમુહૂર્તમાં (૪૮ મિનિટથી અલ્પ સમયમાં) સ્વર્ગ અને મોક્ષ નિશ્ચિત કરી દેવાની ભૂમિકા સર્જી શકે. એથી વિપરીત એ જ મન જો અનિયન્ત્રિત બની આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં ખૂંપી ગયું હોય તો એક અન્તર્મુહૂર્તમાં સાતમી નર્ક નિશ્ચિત કરી દેવાની ભૂમિકા પણ સર્જી શકે! ઉન્નતિની સહુથી ઉત્તુંગ ટોચ અને અવનતિની સહુથી ઊંડી ખીણ : બન્નેની સફર માત્ર અન્તર્મુહૂર્તમાં કરાવી દેવાની મનની આ વિલક્ષણ ક્ષમતાનું કોઈ એક જ સાધકની જીવનઘટનામાં પ્રતિબિંબ નિહાળવું હોય તો યાદ આવે પ્રસન્નચન્દ્ર રાજર્ષિ.

ભગવાન મહાવીરદેવના સમયમાં થયેલ આ રાજર્ષિ પૂર્વાવસ્થામાં  પોતનપુરના રાજવી હતા. પ્રભુના સંસર્ગથી એ એવા વૈરાગ્યવાસિત થયા કે બાલરાજકુમારને રાજગાદીએ સ્થાપી એ દીક્ષિત થઈ ગયા. વિશ્વાસુ  મન્ત્રીઓએ રાજ્યસંચાલનની જવાબદારી લીધી હોવાથી એ નિશ્ચિંત હતા. દીક્ષા બાદ એ આત્મકલ્યાણની સાધનામાં તલ્લીન થઈ ગયા.

એ જ સાધનાના એક કઠોર ઉપક્રમરૂપે એક વાર તેઓએ રાજગૃહીનગરીની બહાર કાયોત્સર્ગ સાધના શરૂ કરી. એમાં તેઓ એક પગે ઊભા રહી બે હાથ લંબાવવાપૂર્વક સૂર્યની આતાપના લેતા હતા. દેહ આ રીતે સાધનાગ્રસ્ત હતો, તો મન શુભધ્યાનમાં લીન હતું. અચાનક એ સમયે શાંત જળમાં પથ્થર પડે એવો વિક્ષેપ સર્જાયો.

બન્યું એવું કે એ જ માર્ગ પરથી સમ્રાટ શ્રેણિકની સવારી પ્રભુ મહાવીરદેવની ધર્મદેશના સાંભળવા નીસરી. શ્રેણિકે મનોમન એ મહાવૈરાગીને નમન કર્યા. પરંતુ એમના એક સૈનિકે તિરસ્કારથી બીજા સૈનિકને કહ્યું : ''આમનો પુત્ર બાળરાજા અત્યારે મુસીબતમાં આવી ગયો છે. શત્રુઓએ એના રાજ્ય પર આક્રમણ કર્યું છે, મન્ત્રીઓ ફૂટી ગયા છે અને કેદ થવાની અણી પર છે.'' આ શબ્દો પ્રસન્નચન્દ્રરાજર્ષિના કાને પડયા અને એમનું મન અવળી દિશામાં ફંટાઈ ગયું.

દેહ સાધનારત  રહ્યો, પરંતુ મન એકાએક યુદ્ધમેદાન પર પ્હોંચી ગયું. પુત્રને બચાવવાના મનઃ કલ્પનાના યુદ્ધમાં એ એક પછી એક શત્રુઓને-ફુટેલ મન્ત્રીઓને ખતમ કરતા ગયા. છેલ્લે એક જ શત્રુ બચ્યો હતો અને શસ્ત્ર ખલાસ થઈ જતાં મસ્તક પરનું લોખંડી શિરસ્ત્રાણ એના પર ફેંકવા એમણે મસ્તકે હાથ મૂક્યો. ત્યારે ભાન પ્રગટયું કે હું તો શ્રમણ છું. આ માનસિક યુદ્ધમાં મેં કેવું  ભયંકર રૌદ્રધ્યાન કરી નાંખ્યું? એ પશ્ચાતાપથી પાછા વળ્યા અને ઉત્તમ ધર્મ-શુક્લધ્યાનની ધારામાં લીન થયા.

જ્યારે એ માનસિક યુદ્ધમાં શત્રુસંહાર કરતા હતા ત્યારે, પ્રભુ મહાવીરદેવ પાસે સમ્રાટ શ્રેણિકે પ્રશ્ન કર્યો કે, ''પ્રભુ, અદ્ભુત સાધના કરતા પ્રસન્નચન્દ્રમુનિવર આ ક્ષણે મૃત્યુ પામે તો કઈ ગતિમાં જાય?'' પ્રભુએ ઉત્તર આપ્યો : ''સાતમી નર્કે જાય.'' શ્રેણિક સહિત સમગ્ર સભા ચોંકી ઊઠી આ ઉત્તરથી કે આવા સાધનાલીન શ્રમણને સાતમી નર્ક? એવામાં દેવદુંદુભિનો નાદ થયો. શ્રેણિકે પૂછયું : ''ભંતે! શા કારણે આ દેવદુંદુભિ બજી?'' પ્રભુએ કહ્યું : ''પ્રસન્નચન્દ્રરાજર્ષિ કેવલજ્ઞાાન પામ્યા છે માટે.'' શ્રેણિક અને સભા ઓર સ્તબ્ધ થઈ ગયા.

કેમ કે કેવલ જ્ઞાાન તો એમને જ મળે જે તે ભવના અંતે મોક્ષે જાય. મહાવીર પ્રભુએ પ્રસન્નચન્દ્ર મુનિવરના દુર્ધ્યાનની અને શુભ ધ્યાનની વાત વિસ્તારથી વર્ણવીને કહ્યું : ''દુર્ધ્યાનની ક્ષણોમાં એમના આત્માએ સાતમી નર્ક પ્રાયોગ્ય કર્મદલિકો એકત્ર કર્યા હતા. પરંતુ તુર્ત એ ધર્મ-શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ જતા એમના સર્વ ઘાતીકર્મો ખતમ થઈ ગયા?'' મનની આવી  તાકાતનાં કારણે અન્યત્ર પણ લખાયું છે કે ''મન એવ મનુષ્યાણાં, કારણં બન્ધમોક્ષયોઃ'' એટલે કે મન જ કર્મબંધ અને કર્મમોક્ષનું કારણ છે. આપણે એ મનને નિયન્ત્રિત કરવાના ઉપાયો આગામી લેખમાં વિચારવાનું રાખી અત્યારે યાદ રાખીએ આ સુવાક્ય કે ''દુર્ધ્યાનગ્રસ્ત મન નર્કના દુઃખોય આપે... શુભધ્યાનમાં મસ્ત મન મોક્ષના સુખો ય આપે.''

Gujarat