આદ્યશક્તિ મા... .


'મા' માત્ર એક જ અક્ષર, પણ તેનું મહાત્મ્ય લેખકની કલમમાં, ચિત્રકારની પીંછીમાં, કવિની કવિતામાં, સંતોના દુહામાં, ભક્તોના ભજનમાં પણ ના સમાય તેટલું ગુઢ છે, અદ્ભુત અને અલૌકિક છે. બ્રહ્માંડની રચના કરનાર વિશ્વકર્મા દેવે આવા જ એક અક્ષર 'ઁ'ની રચના કરી હતી. જેમાં સમગ્ર સૃષ્ટિ સમાય છે. તેની મહત્તા કરતાં પણ ચડી જાય તેવો અક્ષર છે 'મા'... આત્મા, પરમાત્મા અને ગાયમા આ ત્રણ ઉચ્ચત્તમ શબ્દ, તેમાં પણ સમાયું છે 'મા'નું મહાત્મ્ય...

અત્ર, તત્ર અને સર્વત્ર વસે છે 'મા'. આપણે બધાં 'મા'ને અનેક રૂપમાં નિહાળીએ છીએ. લક્ષ્મી મા, સરસ્વતી મા, દુર્ગા મા, બહુચર મા, ચંડીકા મા, અંબે મા વગેરે... પણ આ બધામાં છે માત્ર 'મા' અને 'મા', સમસ્ત સૃષ્ટિનો આધાર છે 'મા'. પછી ભલે તે હોય માનવસૃષ્ટિ, પ્રાણીસૃષ્ટિ કે સુક્ષ્મજીવ સૃષ્ટિ.

જગતજનની માતા... આદ્યશક્તિ મા નવરાત્રિના નવ દિવસ સૃષ્ટિ પર પધારે છે, ભક્તોની ભાવનાને પોષે છે અને પાપીઓને હણે છે.

આસો મહિનો... તેમાં પાછી આદ્યશક્તિની નવરાત્રિ... પૂછવું જ શું ? ભક્તો આદ્યશક્તિની આરાધનામાં ગૂબ અને રાસગરબાના રસિયા તાળીઓ અને ડાંડિયામાં ડૂલ... આદ્યશક્તિના સ્વાગત માટે ઠેર ઠેર મંડપો સ્થપાય, આસોપાલવના તોરણ બંધાય... ફુલડાં વેરાય... સાથિયા પુરાય... ધૂપદિપ પૂજાઓ થાય, આદ્યશક્તિનું ભવ્યાતીભવ્ય સ્વાગત થાય. અબાલવૃદ્ધ, અમીર-ગરીબ સૌના દિલડા થનગની ઉઠે. 

રાત્રિના અંધકારમાં પ્રાણ પુરાય અને ચારેકોર રોશની વેરાય... આ રોશનીમાં જનમેદની ભીંજાય, તેમનામાં ચેતનાનો સંચાર થાય. તાલીઓના તાલે, ડાંડિયાના રાસમાં ખેલૈયાઓ ઘુમવા માંડે ગલીગલીમાં, શેરીશેરીએ, પાર્ટીપ્લોટમાં રાસગરબાનો ગુંજારવ ફરી વળે. ગામડા, નગર, શહેર બધા જ ચેતનવંતા બની જાય. રાત્રે માતાજીની આરતી થાય અને પ્રસાદ ધરાવાય.

આદ્યશક્તિની આરાધના કરતાં ભક્તો માના ચરણોમાં ઝૂકી દુર્બુદ્ધિ દૂર કરવાની અને સદ્બુદ્ધિ પ્રાપ્ત કરવાની ચાહના રાખે છે. ભટકી ગયેલો માનવી સાચી દિશાની સૂઝ માંગે છે. કામ, ક્રોધ, મદથી છકેલો માણસ પોતાના દોષોની માફી માંગે છે. ભક્તો પોતાના કષ્ટો કપાય અને રક્ષા થાય તેવી પ્રાર્થનાના પુષ્પ માના ચરણોમાં મૂકે છે. આદ્યશક્તિ, સમગ્ર સૃષ્ટિની માતા પાસે સાચા દિલથી માફી માંગીએ તો ઉદાર દિલવાળી મા માફી જરૂર બક્ષે છે.

આદ્યશક્તિની આરાધના નાતજાત, ધર્મ, સંસ્કૃતિના ભેદભાવ વગર થાય તે જરૂરી છે. આ ઉત્સવ દંગા, ફસાદ કે તોફાન વગર નિર્વિઘ્ને પાર પડે તેવી અભ્યર્થના દિલમાં ભરવી જોઈએ. આ પવિત્ર તહેવાર રાજકિત રંગોથી આલિપ્ત રહે તે આવશ્યક છે. આપણે સૌ મનમાં ઉત્તમ ભાવના ભરી, ભેદભાવ દફનાવીને ઉજવવાનો સંકલ્પ કરીએ, અને અખિલ બ્રહ્માંડમાં માતાનો જયનાદ ગજાવીએ.

- ભારતી પી. શાહ

City News

Sports

RECENT NEWS