Get The App

મા આદ્યશક્તિની આરતી .

Updated: Sep 14th, 2022

GS TEAM

Google News
Google News
મા આદ્યશક્તિની આરતી                              . 1 - image


આ પણી પુજામાં આરતીનું અનન્ય મહત્ત્વ છે. આર્ત શબ્દમાંથી આરતી એવો શબ્દ બન્યો છે. આર્ત એટલે આપણા કષ્ટોનું નિવારણ ભગવાન કે માતાજી કરે છે એટલે માતાજીની આરતી ઉતારવાનો મહિમા છે. મા આદ્યશક્તિની આરતી જેની રચના શિવાનંદ સ્વામીએ કરી છે. ગુજરાતી સાહિત્યમાં ભગવાન કે માતાજીની જે જે આરતીઓ રચાઈ તેમાં અગ્રગણ્ય સ્થાન મા આદ્યશક્તિની આરતીનું રહ્યું છે. જ્ય આદ્યાશક્તિ આ આરતીમાં સમગ્ર શાસ્ત્રનો સાર શિવાનંદ સ્વામીએ વર્ણવાનો પ્રયત્ન કર્યો છે. 

તેની પ્રથમ પંક્તિ આપણે જોઈએ તો શિવાનંદ સ્વામી વર્ણવે છે કે, 'જ્ય આદ્યાશક્તિ મા જ્ય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દિપાવ્યાં પડવે પ્રગટયા મા.' આ પંક્તિ કહેવા એ માંગે છે કે, જ્યારે બ્રહ્માંડમાં કંઈ નહોતું ત્યારે આદ્યશક્તિની ઉપસ્થિતિ હતી. પણ માત્ર આદ્યશક્તિ એકલાં નહોતાં. શિવાનંદ સ્વામીએ વર્ણવ્યું કે, દ્વિતિયા બેય સ્વરૂપ શિવ-શક્તી જાણું. અર્થાત જે વાત પુરાણોમાં કરી છે એ જ ભાવ શિવાનંદ સ્વામી આપે છે. આ જગત એ પુરુષ અને પ્રકૃતિમય છે. પુરુષ એટલે શિવ અને પ્રકૃતિ એટલે શિવાદેવી. આ જગત નાદ અને બિંદુમય છે. જેમાં નાદ એ શિવજીનું સ્વરૂપ છે અને પાર્વતી માતાજી બિંદુ સ્વરૂપીણી છે. માટે આપણે ત્યાં શિવ-શક્તિની ઉપાસનાનું જ મહત્ત્વ છે. માટે શિવાનંદ સ્વામીએ શિવ-શક્તિને યાદ કર્યાં. 

તૃતિયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં - આ પંક્તિમાં શિવાનંદ સ્વામીએ શક્તિના મુળ ત્રણ સ્વરૂપોની વાત કરી. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતિ. જગદંબા ત્રિગુણાત્મિકા છે અને ત્રિગુણાત્મિકા જગદંબાની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. આ આરતીમાં માતાજીના સ્વરૂપોનું પણ વર્ણન શિવાનંદ સ્વામી કરે છે. ષષ્ઠી તું નારાયણી મહિશાસુર માર્યો. ષષ્ઠીદેવી એ જગદંબાનું સ્વરૂપ છે. ષષ્ઠીદેવીની ઉપાસના પ્રિયવ્રત નામના રાજાએ કરી હતી. મા ષષ્ઠીની કૃપાથી એમના પુત્રો સજીવન થયાં. મહિષાસુરનો નાશ કરવા માટે જગદંબા પ્રગટ થયા એ માતાજીનું સ્વરૂપ હતું મહાલક્ષ્મી માતાજી. ત્યાર પછી સપ્તમિ સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રિ. જેમાં સંધ્યા એ માતાજીનું સ્વરૂપ છે. માટે આપણે સંધ્યા સમયે જગદંબાની ઉપાસના કરીએ છીએ. 

દેવી ભાગવત અનુસાર શક્તિના ત્રણ સ્વરૂપો છે. જેમાં સવારનું માતાજીનું જે સ્વરૂપ છે એ બ્રહ્માણી માતાજીનું સ્વરૂપ છે. માતા હંસ પર સવાર છે. મધ્યાહન નું જે સ્વરૂપ છે તે ભગવતી ઉમાનું સ્વરૂપ છે. માતા વૃષભારૂઢા છે. સંધ્યા સમયે માતાજીનું સ્વરૂપ મહાલક્ષ્મીજીનું છે જે ગરૂડ ઉપર બીરાજેલા છે. શક્તિના ત્રણ સ્વરૂપોનું ઋષિમુનીઓ ત્રણેય કાળ ધ્યાન ધરે છે એટલે માતાજી સંધ્યા કહેવાયા છે. ગંગા, ગૌ અને ગાયત્રી એ સનાતનિ સંસ્કૃતિના આધાર સ્તંભ છે. શિવાનંદ સ્વામી વર્ણવે છે કે, દશમી દશ અવતાર જ્ય વિજ્યા દશમી. આ પંક્તિ દ્વારા શિવાનંદ સ્વામી એક અર્થ સ્પષ્ટ કરવા માંગે છે કે મત્સ્ય, કુર્મ, વરાહ સ્વરૂપે પણ માતા જગદંબા જ પ્રગટયાં છે. આમ, આદ્યશક્તિની આરતી એ સમગ્ર શાસ્ત્રનો સાર માનવામાં આવે છે. શિવ-શક્તિની આરતી જે કોઈ ગાશે - આ પંક્તિમાં પણ શિવાનંદ સ્વામીએ પણ શિવ-શક્તિનું જ વર્ણન કર્યું. આરંભમાં શિવ-શક્તિ અને પુર્ણાહૂતિમાં પણ શિવ-શક્તિ. 

શિવાનંદ સ્વામી એ માત્ર શિવ-શક્તિની ઉપાસનાનો સંદેશ જગતને આપે છે. શિવ-શક્તિની આરતી આ પંક્તિ પછી આરતી પુરી થાય છે. કોઈપણ આરતી કે કૃતિ હોય તો તે લેખકના નામથી પુરી થાય. અહીં પણ શિવાનંદ સ્વામીએ પોતાનું નામ મુક્યું છે. ભણે શિવાનંદ સ્વામી સુખ-સંપત્તિ થાશે. પણ કાળક્રમે ભક્તોનો ભાવ એટલો બધો વધ્યો અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા એટલી બધી વધી કે આગળની પંક્તિઓ ભક્તોએ પોતાની મતિ અનુસાર ગાવાનું શરૂ કર્યું. આપણો દેશ એ શ્રદ્ધામય છે. આમાં માત્ર અને માત્ર ભક્તોનો ભાવ જ છે. બાકી શિવાનંદ સ્વામીએ જે સાહિત્ય આપણને આપ્યું એ સાહિત્ય અલભ્ય છે. માતા આદ્યશક્તિની કૃપા આપણા સૌ ઉપર રહે એ જ અભ્યર્થના સાથે અસ્તુ.

પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :