FOLLOW US

સુંદર ભાવના સંભાવનામાં પરિણમે જ

Updated: Sep 13th, 2023


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

- એક આ મૃગાવતીજી સાધ્વીજી થઈ ગયા, શ્રી ભગવાન મહાવીરના શાસનકાળમાં પ્રભુવીરથી પચ્ચીસસો વર્ષ પછી. જેમણે પોતાના ગુરુણી સમાન માતાજીને માતાજીની મૂર્તિમાં છુપાયેલા પરમાત્માના દર્શન કરાવ્યા હતા.

'જુ ઓ, મહારાજજી, આ માતાજીની મૂર્તિ. મૂર્તિની ઉપર ભરપૂર સિંદૂર ચઢાવેલું છે. આની અંદર ભગવાનની મૂર્તિ છે. એનો આટલો આ મહિમા છે. દર વર્ષે માતાજીના  આ મંદિરમાં શીતળામેળો ભરાય. હજારો-હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે.'

પંજાબના કાંગડાતીર્થમાં માતાજીના મંદિરના દર્શન માટે આવેલા જૈન સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીજી પોતાના મમ્મી મહારાજ શ્રી શીલવતીજીને કહી રહ્યા હતા.

મૂળ ગુજરાતના જામનગર પાસેના ગામમાં જન્મેલા આ વિદ્વાન સાધ્વીજી મહારાજ પંજાબમાં ખૂબ વિચર્યા હોવાથી તથા એમાંય શીખો વચ્ચે વિચર્યા હોવાથી પંજાબી ભાષા પણ સારી જાણતા હતા. લખતા- વાંચતાં- બોલતાં સરસ આવડે. એટલે અહીં સુધી પહોંચી ગયા હતા.

આ એ સમય હતો, જ્યારે કાંગડામાં એક પણ જિનમંદિર ન હતું. એક પણ જૈન વ્યક્તિ ત્યાં રહેતી ન હતી. તેવા સમયે પણ આ વિદુષી સાધ્વીજી પોતાના માતાજી મહારાજ સાથે અહીં પધાર્યા હતા.

અહીં સુધી આવવાનું એક કારણ આ રીતે ઉભું થયું. સંસ્કૃત- પ્રાકૃત ભાષા તથા લિપિવિજ્ઞાાનના વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીજી મહારાજના હાથમાં એક પ્રાચીન ગ્રંથ આપ્યો. મુનિશ્રી જિનવિજયજી મહારાજ દ્વારા સંપાદિત ' વિજ્ઞાપ્તિત્રિવેણી' નામે આ ગ્રંથમાં પંજાબના કાંગડામાં જિનમંદિર હોવાનો ઉલ્લેખ વાંચ્યો. પોતાના માતાજી મહારાજને આ વાત જણાવી. અને બન્ને મા દીકરી- સાધ્વી શીલવતીજી અને સાધ્વી મૃગાવતીજી પહોંચી ગયા કાંગડાના માતાજી મંદિરે.

માતાજીના મંદિરમાં માતાજીના દર્શન કરાવતા સાધ્વીજી મૃગાવતીજી પોતાના માતાજી મહારાજને તે સમયની વર્તમાન પરિસ્થિતિ જણાવી રહ્યા હતા.

એક એ મૃગાવતીજી સાધ્વી થઈ ગયા, શ્રી ભગવાન મહાવીરના સમયમાં. જેમણે પોતાના ગુરુજી શ્રી ચંદનબાલા સાધ્વીજીને કેવલજ્ઞાાન-કેવલદર્શન દ્વારા આત્માનું નિર્મળ દર્શન કરાવ્યું હતું.

એક આ મૃગાવતીજી સાધ્વીજી થઈ ગયા, શ્રી ભગવાન મહાવીરના શાસનકાળમાં પ્રભુવીરથી પચ્ચીસસો વર્ષ પછી. જેમણે પોતાના ગુરુણી સમાન માતાજીને માતાજીની મૂર્તિમાં છુપાયેલા પરમાત્માના દર્શન કરાવ્યા હતા.

આ દર્શનવેળાએ માતાજી મહારાજે. આવું કઈ રીતે બન્યું ?' નો જે પ્રશ્ન કર્યો, ત્યારે તેના જવાબમાં સાધ્વીજી મૃગાવતીજીએ જણાવ્યું- 'મોગલકાળમાં ભગવાનની મૂર્તિ કોઈ વિષમદશામાં મૂકાઈ ગઈ હોય. અને પછીના સમયમાં આ દશા કોઈ પણ કારણે પામી ગઈ હોય. આવું અનુમાન કરી શકાય એમ છે.'ળ

તે પછી બન્ને મા-દીકરી પાછા ફર્યા. મુંબઈમાં તે સમયના જૈન સંઘના અગ્રણી શેઠશ્રી કસ્તૂરભાઈને આ વાત કરી. આ વિષયમાં કંઈ કરી શકાય કે નહીં તે પ્રશ્નના જવાબમાં સુલેહ-સંપથી કાર્યને સાધનારા કસ્તૂરભાઈએ જણાવ્યું કે હવે ત્યાં કશું ના થાય. જે જેમ છે, તેમ બરાબર છે.

સાધ્વીજીને થયું કે પ્રયત્ન ચાલુ રાખવો. આપણે પ્રયત્ન કરીએ. શુદ્ધભાવથી કરેલા પ્રયત્નનું પરિણામ સારું જ આવે. બન્ને સાધ્વીજી ફરી કાંગડા પહોંચ્યા. એક પણ જૈનનું ઘર ન હોવા છતાં ત્યાં ચાતુર્માસ કર્યું. નિર્દોષ ભિક્ષા મેળવતા. સાત્ત્વિક પ્રવચનો ગોઠવાતાં.  જીવન જીવવાની કળા શીખવતા. માત્ર રોટલી ખાઈને કેટલાય મહિનાઓ ચલાવ્યા. છતાંય પ્રવચનમાં ખૂબ જ સુંદર વાતો કરતાં.

એમની સાત્વિક વાતો રાજા સુધી પહોંચી. તે સમયના રાજા પણ તેમનું પ્રવચન સાંભળવા આવવા માંડયા. તેમના તાત્વિક પ્રવચનોથી પ્રભાવિત થયેલા રાજાએ કામકાજ માટે પૂછયું.

ત્યારે સાધ્વીજીએ કહ્યું- ' મારા ભગવાનનું એક સુંદર મંદિર અહીં બનાવવાની ઇચ્છા છે. તમે આ પુણ્યકાર્યમાં સહાયક બનો.'

રાજાએ હા પાડી.

હમણાં જ્યાં માતાજીનું મંદિર છે. તેની બાજુમાં જ રાજગઢીના કિલ્લામાં એક મંદિર ટુંક સમયમાં નિર્માણ પામ્યું. રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થ રાણકપુરના જિનાલયમાંથી પ્રાચીન પ્રતિમાજી ત્યાં પ્રતિષ્ઠિત કર્યા.

આમ કાંગડા એ ફરીથી જૈનતીર્થ બન્યું.

એક સાધ્વીજી મહારાજના સત્ પ્રવચનથી કાંગડાના કાંગરામાં ભગવાનનો ભવ્ય પ્રવેશ થયો. સુંદર ભાવનાએ સંભાવનામાં પરિણમે જ.

પ્રભાવના

જૈસલમેરના મહારાજા ગિરધરસિંહજી દરરોજ પંચમહાવ્રતધારી સાધુ મહારાજનું પ્રવચન સાંભળવા આવતા.

તો સામે પક્ષે રાજા જ્યારે અવસાન પામ્યા. ત્યારે સમસ્ત પ્રજા પણ શોકમગ્ન બની હતી. અને બધાએ માથું મુંડાવ્યું હતું.

વળી, દસેક દિવસ બધી દુકાનો બંધ રાખવામાં આવી હતી.

મોટા શેઠિયાઓની વિનંતીને માન રાખીને નાની-નાની જીવન જરૂરિયાતની દુકાનો દસેક દિવસ પછી ચાલુ થઈ. પણ મોટી-મોટી દુકાનો તો મહિના પછી જ ચાલુ થઈ.

આ હતો પ્રજા અને રાજાનો પ્રેમ. જેને અકબંધ રાખતા આવા મહાન સાધુઓ !

Gujarat
English
Magazines