પી.કે.નો કટાક્ષ, નીતિશને ફેવિકોલના એમ્બેસેડર બનાવો

પી.કે.નો કટાક્ષ, નીતિશને ફેવિકોલના એમ્બેસેડર બનાવો

નવીદિલ્હી, તા.૧૧

પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પર કટાક્ષ કર્યો છે કે, ફેવિકોલ કંપનીએ નીતિશને પોતાના બ્ર્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. પી.કે.એ ટ્વિટ કરી કે, નીતિશ ખુરસી પર ફેવિકોલની જેમ ચોંટી ગયા છે.  બિહારમાં કોઈ પણ ગઠબંધન હોય, ગમે તેવી રાજકીય સ્થિતિ હોય, નીતિશ તો હોય જ. આપણે બિહારમાં અનેક ગઠબંધન બનતાં-તૂટતાં જોયા છે પણ એક કડી નથી તૂટતી, મુખ્યમંત્રીપદની ખુરસી અને નીતિશકુમારની. આ જાદુગરી નીતિશકુમાર જ કરી શકે છે.

નીતિશની વિપક્ષી એકતાના પ્રયત્નોની મજાક ઉડાવતાં પી.કે.એ કહ્યું કે, ચાર નેતાઓને મળવાથી કે તેમની સાથે ચા પીવાથી કોઈ  ફર્ક નથી પડવાનો. તેનાથી વિપક્ષની એકતા સાબિત નથી થતી. નીતિશ કુમારની દિલ્હી મુલાકાતની રાષ્ટ્રીયીય રાજકારણ પર કોઈ અસર નથી જોવા મળતી.

નીતિશના એક સમયના સાથી પી.કે. અને નીતિશ વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલે છે. પી.કે. સતત નીતિશ પર પ્રહાર કર્યા કરે છે. નીતિશ ભાજપ સાથે હતા ત્યારે પણ પી.કે. તેમની મજાક ઉડાવતા હતા. નીતિશ પણ વચ્ચે વચ્ચે પી.કે.ને જવાબ આપી દે છે.

ગેહલોતના મંત્રીની પાર્ટીમાં અશ્લીલ ડાન્સ

રાજસ્થાનન અશોક ગેહલોત સરકારના સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્રસિંહ ગુઢાના પુત્ર શિવમની બર્થડે પાર્ટીમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થતાં કોંગ્રેસ શરમજનક સ્થિતીમાં મૂકાઈ છે. આ પાર્ટી ઝુંઝુનૂં જિલ્લાના ઉદયપુરવાટી વિસ્તારમાં આવેલા લિબર્ટી ફાર્મહાઉસમાં હતી. પાર્ટીમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી યુવતીઓએ ડાન્સ કર્યો હતો. મંત્રી ગુઢા પણ મંચ પર જ હતા. આ કાર્યક્રમમાં વિદેશી અને દેશી યુવતીઓ મળીને કુલ ૧૦ યુવતીઓને ડાન્સ માટે બોલાવવામાં આવી હતી.

ગુઢાનો દાવો છે કે, આ ગમનો નહીં પણ જશ્નનો માહોલ હતો તેથી બહુ લોકો એકઠા થઈ ગયા હતા. કોઈ સમર્થકે પાર્ટી બુક કરી હતી. હું પોતે મંચ પર ગયો ત્યારે યુવતીઓ ડાન્સ કરી રહી હતી. હજારોની ભીડ હતી તેથી ડાન્સ એકાએક બંધ કરાવવાથી ભીડ બેકાબૂ બની શકી હોત. આ કારણે બે-ત્રણ ગીત પછી ડાન્સ બંધ કરી દીધો હતો.

ગુઢાની સ્પષ્ટતા ગળે ઉતરે એવી નથી. બે કલાક સુધી અશ્લીલ ડાન્સ ચાલ્યો અને ગુઢા તેની મજા માણતા હતા એવું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

રાહુલની યાત્રામાં પોનૈયાના વિવાદથી કોંગ્રેસીઓ નારાજ

રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન તમિલ પાદરી જ્યોર્જ પોનૈયાએ આપેલા વિવાદાસ્પદ નિવેદનની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસીઓ નારાજ છે.  કોંગ્રેસીઓનું માનવું છે કે, આ વિવાદે રાહુલ ગાંધીને ફરી અપરિપક્વ સાબિત કર્યા છે. રાહુલે પોનૈયા જેવા વિવાદાસ્પદ માણસને મળવાની જરૂર નહોતી.  પોનૈયાને મળીને તેમણે ભાજપને વણજોઈતો મુદ્દો આપી દીધો છે. પોનૈયાએ ઇસુ ખ્રિસ્તને સાચા ભગવાન ગણાવીને, હિંદુ ધર્મમાં પૂજવામાં આવતી નિરાકાર શક્તિને ભગવાન તરીકે સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.  પોન્નૈયાએ કહ્યું કે, ભગવાન પોતાને વાસ્તવિક માનવ તરીકે રજૂ કરે છે, શક્તિના સ્વરૂપમાં નહીં માટે આપણે ભગવાનને એક વ્યક્તિ તરીકે જોઈ શકીએ છીએ. પોનૈયાએ હિંદુ ધર્મ વિશે બીજાં પણ વિવાદાસ્પદ નિવેદન કર્યાં.

પોન્નૈયાએ ગયા વર્ષે ક કાર્યક્રમમાં લોકડાઉન દરમિયાન ચર્ચો બંધ કરવા અને પ્રાર્થના સભાઓ પરના પ્રતિબંધની ટીકા કરી હતીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે વાંધાજનક નિવેદનો કર્યા હતા. પોન્નૈયાએ કહેલું કે, હું લેખિતમાં આપી શકું છું કે મોદીના અંતિમ દિવસો દુઃખદ રહેશે. વિવાદ વધ્યા બાદ તેમણે માફી માંગી હતી.

યોગીનો સપાટો, એક સાથે ૧૭ અધિકારી સસ્પેન્ડ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપાટો બોલાવીને લેવાના હોટલની આગમા કેસમાં ૧૯ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. રાજધાની લખનૌની લેવાના હોટલમાં લાગેલી આગમાં ૪ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૧૦ લોકો ઘાયલ થયા હતા. 

આ દુર્ઘટના યોગીએ આગની ઘટનાની તપાસ માટે ડિવિઝનલ કમિશનર રોશન જેકબઅને પોલીસ કમિશનર એસબી શિરોડકરની ટીમ બનાવી હતી.  આ ટીમના રીપોર્ટને આધારે યોગી સરકારે દોષિત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.  

યોગી સરકારને અપાયેલા રિપોર્ટમાં ૬ વિભાગના ૧૯ અધિકારીઓને સીા જવાબદાર ગણવામાં આવ્યા છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (ન્ઘછ) અને ફાયર અધિકારીઓએ ગેરકાયદે બાંધકામ અને સલામતીના ધોરણોની અવગણના સામે આંખ આડા કાન કર્યા તેના કારણે હોટેલમાં આગ લાગી હોવાનો રીપોર્ટ અપાયો હતો. પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાહેર કરાયું હતું પણ તપાસમાં ઘણી ગેરરીતિ બહાર આવી હતી. ૧૯ દોષિત અધિકારીઓમાંથી ૨ નિવૃત્ત થઈ ગયા છે. તેમની સામે પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ કરાયો છે. બીજા ૧૭ અધિકારીને સસ્પેન્ડ કરીને વિભાગીય કાર્યવાહીના આદેશ આપ્યા છે.  

લાલના અંતિમ સંસ્કારમાં હિંદુવાદીઓ ગેરહાજર

ભારતના ટોચના પુરાતત્ત્વવિદ પ્રોફેસર બી.બી. લાલ  ઉર્ફે બ્રજ બાસી લાલનું શનિવારે ૧૦૧ વર્ષની વયે નિધન થયું. અયોધ્યાની બાબરી મસ્જિદના વિવાદિત માળખાના પાયામાં રામમંદિર અસ્તિત્વમાં છે તેના પુરાવા  શોધીને ચર્ચામાં આવેલા બી.બી. લાલ લાંબા સમય સુધી ઈન્ડિયન આર્કિયોલોજિકલ સર્વે(એએસઆઈ)ના ડિરેક્ટર જનરલ હતા. લાલના પુરાવાના આધારે જ રામમંદિર સંકુલ હિંદુઓનો સોંપવાનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો પણ લાલના અંતિમ સંસ્કાર વખતે કોઈ હિંદુવાદી નેતા દેખાયા જ નહીં. લાલના યોગદાનને બહુ ઓછા લોકોએ યાદ કર્યું. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લાલને શ્રધ્ધાંજલિ આપી હતી. મોદીએ લખ્યું કે, બી.બી. લાલ એક મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા. સંસ્કૃતિ અને પુરાતત્ત્વવિદ્યાના ક્ષેત્રમાં તેમનું યોગદાન અનુપમ છે. બીજા કેટલાક મંત્રીઓએ પણ શ્રધ્ધાંજલ આપી પણ તેમના અંતિમ સંસ્કારમાં કોઈ ટોચના નેતા હાજર નહોતા. લાલનો જન્મ ૧૯૨૧માં ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયો હતો. હસ્તિનાપુર (ઉત્તર પ્રદેશ), શિશુપાલગઢ (ઓરિસ્સા), પુરાના કિલ્લો (દિલ્હી), કાલીબંગન (રાજસ્થાન) સહિત ઘણા મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળોનું ખોદકામ કરનારા લાલને  પદ્મવિભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

***

જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હવે પાછો નહીં આવે ઃ આઝાદ

જમ્મુ-કાશ્મીરમાં પોતાનો પક્ષ લોન્ચ કરવા માટે તૈયાર ગુલામ નબી આઝાદે રવિવારે એક રેલીમાં કહ્યું હતું કે, બે વર્ષ પહેલાં રદ કરી દેવાયેલી કલમ ૩૭૦, જેણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો તેનો પ્રદેશમાં ફરીથી અમલ થશે નહીં તેમજ રાજ્યનો વિશેષ દરજ્જો પણ પાછો નહીં આવે. બારામુલામાં એક રેલીમાં ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, કલમ ૩૭૦ને ફરીથી લાગુ કરવા માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર છે. હું પક્ષોને કલમ ૩૭૦ના નામે લોકોનું શોષણ નહીં કરવા દઉં. લોકોને ગેરમાર્ગે નહીં દોરું. આ કલમ ફરી લાગુ થશે નહીં. અમે સાચું અને હાંસલ થઈ શકે તેવું જ બોલીશું. અમે ૧૦ દિવસમાં નવો પક્ષ બનાવીશું. જમ્મુ-કાશ્મીરને સ્થાનિક નિવાસીઓ માટે રાજ્યનો પુનઃ દરજ્જો, નોકરીઓ અને જમીનની સુરક્ષા માટે મને સમર્થન આપો. આઝાદનું વલણ જમ્મુ-કાશ્મીરના મોટાભાગના સ્થાનિક પક્ષોથી અલગ છે.

અધિકારીઓ સાથે બાખડતા ભાજપ નેતાઓ

દિલ્હીના સત્તા-વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપ નેતાઓ અધિકારીઓ સાથે ઝઘડતા રહે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ઝારખંડના સાંસદ નિશિકાંત દુબેની અધિકારીઓ સાથેની જાહેરમાં તકરારના કિસ્સા છેલ્લા સપ્તાહથી સમાચારોમાં ચમકતા રહે છે. ભાજપ નેતાઓ અધિકારીઓ સાથે જાહેરમાં વઢતા રહેતા હોવાના કંઇ આટલા જ બનાવો નથી. આ યાદી લાંબી છે. અધિકારીઓને ઠપકારવાનું એ રાજ્યમાં ભાજપ સત્તા પર હોય કે ના હોય ચાલતું રહે છે. ચર્ચા એવી પણ છે કે મ્યુનિસિપલ કોર્પોરેટરથી માંડીને મંત્રીઓ સુધીના ભાજપ નેતાઓ એમને ના ગમતા આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના નામની યાદી ગૃહ મંત્રાલય અને પર્સોનેલ તથા તાલીમ વિભાગને મોકલે છે.

રાહુલ ગાંધી - બુધ્ધ કે અંગુલિમાલ ? ઃ ભાજપ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એમની ભારત જોડો યાત્રા દરમિયાન ફાધર જ્યોર્જ પુનૈયાહ સાથે કરેલી મુલાકાતથી ઊભા થયેલા નવા વિવાદના પરિણામે કોંગ્રેસી નેતા પવન ખેરાએ શનિવારે કહ્યું કે અંગુલિમાલ અને ગૌતમ બુધ્ધ વચ્ચેની વાતચીત દરમિયાન ભાજપ હાજર નહોતો એનો એમને (ખેરાને) આનંદ છે. ભાજપના અમિત માલવીયે, પ્રતિભાવમાં પૂછ્યું કે ખેરા, રાહુલ ગાંધીને ગૌતમ બુધ્ધ ગણે છે કે અંગુલિમાલ ? એ કંઇ પણ હો, આ ભગવાન બુધ્ધનું અપમાન છે, એમ માલવીયે ઉમેર્યું. જેમને સનાતન ધર્મ કે કોંગ્રેસ વિષેનો કોઇ ખ્યાલ નથી તેઓ હવે આડંબરભરી શેખી કરે છે, એમ માલવીયે પવન ખેરા પર કરેલા અંગત હલ્લા દરમિયાન કહ્યું. એમણે ખેરાને મનીષ તિવારીના મિત્ર ગણાવ્યા. 

કાશ્મીરના પ્રથમ ગુર્જર મુસ્લિમ રાજ્યસભામાં

સરકારે જમ્મુ અને કાશ્મિરના પ્રથમ ગુર્જર મુસ્લિમ ગુલામ અલીની શનિવારે રાજ્યસભામાં નિમણૂક કરી છે. આવું કદાચ આ પ્રથમ વાર બન્યું છે કે જ્યારે આ પ્રદેશના કોઇ ગુર્જર મુસ્લિમને નિયુક્ત સભ્યરૂપે રાજ્યસભામાં મોકલાયા હોય. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંબંધી જારી કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે રાજ્યસભામાંથી સરકાર નિયુક્ત એક સભ્ય નિવૃત્ત થતા હોવાથી એમના સ્થાને ગુલામ અલીની  નિમણૂક કરતા રાષ્ટ્રપતિ આનંદ અનુભવે છે. 

વસંત સોરેન બાબત મત દર્શાવતું ચૂંટણી પંચ

ચૂંટણી પંચે શુક્રવારે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના દુમકાના ધારાસભ્ય વસંત સોરેન ઓફિસ ઓફ પ્રોફિટ કેસના સંદર્ભે ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરતા હોવા બાબતનો અભિપ્રાય ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને પાઠવ્યો છે. વસંત સોરેન રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાઇ છે. મુખ્યમંત્રીના માથે પણ આ જ મુદ્દે ધારાસભ્ય તરીકે ગેરલાયકતની તલવાર લટકી રહી છે એવા સમયે પંચનો એમના ભાઇ વિષેનો અભિપ્રાય આવી પડયો છે. રાંચીસ્થિત રાજભવનના સૂત્રોએ પણ વસંત સોરેન વિષે ચૂંટણી પંચને અભિપ્રાય મળ્યો હોવાનું પ્રતિપાદિત કર્યું છે.

- ઇન્દર સાહની

City News

Sports

RECENT NEWS