દિલ્હીની વાત : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા આદિત્ય ઠાકરેની મોટી જીત
નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને એક મોટી જીત મળી છે. મુંબઈ યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં આદિત્ય ઠાકરેના વિદ્યાર્થી નેતાઓ બહુમતિથી જીત્યા છે. મહારાષ્ટ્રમાં એવી ચર્ચા થઈ રહી છે કે યુવાનોમાં ભૂતપૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેનો કરીશ્મા અકબંધ છે. આદિત્ય ઠાકરેની યુવા સેનાએ દરેક દસ બેઠકો પર વિજય પ્રાપ્ત કર્યો છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ યુનિવર્સિટી સેનેટની ચૂંટણીનું મહત્ત્વ ખૂબ છે. આદિત્ય ઠાકરેને મળેલી જીતને કારણે મહાયુતિ સરકારની ચિંતા વધી ગઈ છે.
દેશભરમાં ભાજપના સભ્ય બનાવવાના અભિયાનનો ફિયાસ્કો
થોડા દિવસોથી ભાજપના સભ્ય બનાવવાનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે. દરેક રાજ્યમાં ભાજપના નેતાઓને ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. સભ્ય બનાવવાના અભિયાનની શરૂઆત થઈ ત્યારે ૧૦ કરોડ સભ્યો બનાવવાની ડંફાસ ભાજપના નેતાઓ મારી હતી. સભ્ય બનાવવાનું અભિયાન ચાલુ થયાને એક મહિનો થઈ ગયો હોવા છતાં ટાર્ગેટના ચોથા ભાગના સભ્યો પણ ભાજપ નોંધી શક્યું નથી. સામાન્ય માણસ નારાજગીને કારણે હવે ફરીથી ભાજપનો સભ્ય થવા માંગતો નથી. ખાસ કરીને બિહાર, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની સત્તા હોવા છતાં પણ ભાજપના સભ્ય બનવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે.
ફડણવીસની ઓફિસમાં ઘૂસી મહિલાએ કરી તોડફોડ
દક્ષિણ મુંબઈમાં આવેલી મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસની ઓફિસમાં એક મહિલા ઘૂસી ગઈ હતી. ઓફિસની બહાર લગાડવામાં આવેલી નેઇમ પ્લેટ આ મહિલાએ તોડી નાખી હતી. ત્યાર પછી ઓફિસમાં ઘૂસીને આ મહિલાએ કુંડાઓ પણ તોડી નાંખ્યાં હતા. આ તોડફોડ કર્યા પછી મહિલા આસાનીથી ચાલી ગઈ હતી. લોકો ચર્ચા કરી રહ્યા છે કે, ઉપમુખ્યમંત્રીની ઓફિસમાં જો કોઈપણ ઘૂસી જઈને તોડફોડ કરી શકતું હોય તો રાજ્યમાં સામાન્ય માણસની સલામતી કેટલી? મંત્રાલયમાં પ્રવેશવાનો પાસ પણ આ મહિલા પાસે નહોતો તો કઈ રીતે મહિલા મંત્રાલયમાં પ્રવેશી શકી. આ મહિલા કોણ હતી અને એણે શા માટે તોડફોડ કરી એની તપાસ હવે પોલીસ કરી રહી છે. વિરોધ પક્ષો મજાક કરી રહ્યા છે કે, મહારાષ્ટ્રની સ્ત્રીઓ સરકારથી કેટલી નારાજ છે એનું આ ઉદાહરણ છે.
લઘુ ઉદ્યોગોની બરબાદી અને બેરોજગારી પાછળ મોદીની નીતિ જવાબદાર : રાહુલ
દેશમાં વધી રહેલી બેરોજગારી અને નાના ઉદ્યોગોમાં આવેલી મંદી માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, નરેન્દ્ર મોદીની આપખુદ શાહી નિતીને કારણે યુવાનો નોકરી વગરના થઈ ગયા છે. વડાપ્રધાને જીએસટીને વધુ સરળ બનાવવા તેમ જ નાના ધંધાર્થીઓ માટે બેંકો ધિરાણ આપે એવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી પણ કરી હતી. સોશિયલ મીડિયા એક્સ પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે, જીએસટી અને નોટબંધી જેવા નિષ્ફળ નિર્ણયોને કારણે દેશની અર્થવ્યવ્સથા ખરાબ થઈ ગઈ છે. મોદીના ખોટા નિર્ણયોને કારણે આપણે ચીન સાથે સ્પર્ધા કરી શકતા નથી અને દેશ સમૃદ્ધ થઈ શકતો નથી. દેશના સામાન્ય નાગરીક પાસે આવડત બેમીસાલ છે, પરંતુ સરકારની નિતીઓને કારણે સામાન્ય માણસ સફળ થઈ શકતો નથી.
કોંગ્રેસ હાઇકમાન્ડે કુશળતાથી હુડ્ડા અને સૈલજા વચ્ચે સમાધાન કરાવ્યું
હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ટિકિટ માટે દલિત નેતા કુમારી સૈલજા અને જાટ નેતા ભૂપીન્દ્રસિંહ હુડ્ડા વચ્ચે મનદુઃખ થયું હતું. આ મનદુઃખનો ફાયદો લેવા માટે ભાજપએ ઘણો પ્રયત્ન કર્યો હતો. જોકે રાહુલ ગાંધી સહિતના બીજા કોંગ્રેસી નેતાઓએ કુમારી સૈલજાને મનાવી લીધા છે. હરિયાણાની એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ જાહેરમાં એવું કહ્યું હતું કે, હરિયાણામાં કોઈ એક વ્યક્તિની નહી, બધાના સહકારથી કોંગ્રેસની સરકાર બનશે. આનો મતલબ એમ થાય કે કુમારી સૈલજાને પણ કોઈ પદ આપવા માટે કોંગ્રેસે તૈયારી બતાવી છે. રાહુલ ગાંધીના મલમ પછી કુમારી સૈલજા અને હુડ્ડા વચ્ચે સમાધાન થઈ ગયું છે.
અકસ્માત મુદ્દે શરદ પવારે, અજીત પવારના ધારાસભ્યની ઝાટકણી કાઢી
મુંબઈમાં થોડા દિવસો પહેલા એક પોર્શ ગાડીના માલિકે ગંભીર અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં બે આઇટી એન્જિનીયરોના મૃત્યુ થયા હતા. આ મામલે એનસીપી (અજીત પવાર)ના ધારાસભ્ય સુનિલ ટીંગર પોર્શના ડ્રાયવરને બચાવવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. આ બાબતે સુનિલ ટીંગરેની ખૂબ ટીકા થઈ હતી. હવે શરદ પવારે પણ પોતાના ભત્રીજાના ધારાસભ્યની કડક ટીકા કરી છે. પવારે કહ્યું, 'અકસ્માતમાં બે યુવાનોના મૃત્યુ થયા હોવા છતાં એમના કુટુંબીઓને મળવા જવાને બદલે ટીંગરે આરોપીઓને મદદ કરવા માટે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.'
ફાયરબ્રાન્ડ મહિલા સાંસદ પ્રણીતિ શિંદે રાહુલના ક્લોઝ હોવાની ચર્ચા
એક કાર્યક્રમમાં ભાજપના નેતા સંજય નિરૂપમની બોલતી બંધ કરવાની સાથે તેમને તાર્કિક જવાબો આપીને મંચ છોડવા મજબૂર કરનારા કોંગ્રેસના યુવા મહિલા સાંસદ પ્રણીતિ શિંદે ચર્ચામાં છે. પ્રણીતિ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેની દીકરી છે. ૨૦૦૯થી સોલાપુર સિટી સેન્ટ્રલની બેઠક પરથી ત્રણ વખત ધારાસભ્ય રહ્યા હતાં. તેમની ઈમેજ ફાયરબ્રાન્ડ મહિલા નેતાની છે. સોલાપુરથી ચૂંટાયેલા આ કોંગ્રેસી સાંસદ લોકસભામાં પણ આક્રમક તેવર માટે જાણીતા છે. સોશિયલ મીડિયામાં તો પ્રણીતિને લઈને જાત-ભાતની ચર્ચા ચાલી રહી છે. ૪૩ વર્ષનાં પ્રણીતિ રાહુલ ગાંધીના ખૂબ નજીક છે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પ્રણીતિ જોડાયાં હતાં.
ઓડિશામાં આદિવાસી કલ્યાણની યોજનાઓ બંધ થઈ : બીજેડી
ઓડિશામાં નવીન પટનાયકની બીજું જનતા દળે રાજ્યની સત્તાધારી ભાજપની સરકાર પર આદિવાસીઓના કલ્યાણની યોજનાઓ બંધ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. બીજેડીએ કહ્યું હતું કે નવીન પટનાયક મુખ્યમંત્રી હતા ત્યાં સુધી રાજ્યમાં વિશેષ વિકાસ પરિષદ બનાવાઈ હતી. તેના માધ્યમથી આદિવાસીઓ માટે જુદી જુદી યોજનાઓ ચાલતી હતી. ભાજપના સરકાર બની પછી મુખ્યમંત્રી મોહન માંઝીએ એ યોજનાઓ બંધ કરી દીધી છે. તે ઉપરાંત ઓડિશાના આઠ લાખ આદિવાસીઓ કેંદુના પાંદડાં એકઠા કરવાનો બિઝનેસ કરે છે. બીડી બનાવવા સહિતની પ્રોડક્ટમાં એ પાના વપરાય છે. કેંદુના પાના પર સરકારે ૧૮ ટકા જીએસટી લગાડયો એટલે આદિવાસીઓને રોજગારીમાં મુશ્કેલી પડી રહી છે.
સુનિલ જાખડના રાજીનામા અંગે ભાજપે સ્પષ્ટતા કરવી પડી
સુનિલ જાખડે છેલ્લાં દોઢેક મહિનાથી પાર્ટીની કોઈ બેઠક બોલાવી નથી. કાર્યકરો કે નેતાઓ સાથે મળીને પાર્ટીના સંદર્ભમાં કોઈ ચર્ચા કરી નથી. ૨૦૨૨માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયેલા સુનિલ જાખડને લોકસભાની ચૂંટણી પહેલાં પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા. તેની સામે ભાજપના જ નેતાઓ નારાજ હતા. સુનિલ જાખડને સંગઠન કરતાં સરકારમાં કામ કરવાની ગણતરી હતી. જાખડ ઈચ્છતા હતા કે કેન્દ્રીય મંત્રી મંડળમાં રાજ્યસભાના રસ્તેથી તેને સામેલ કરાશે, પરંતુ એવું થયું નહીં એટલે નારાજ છે. જાખડની નિષ્ક્રિયતા વચ્ચે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે એવી અટકળો ચાલેલી, પરંતુ હવે પાર્ટીએ એનું ખંડન કર્યું છે. જોકે, કહેનારા કહી રહ્યા છે કે આગ હોય તો જ ધુમાડો થયો હોય. પંજાબ ભાજપમાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું છે.
પ્રશાંત કિશોર પાર્ટી સક્રિય કરશે, પરંતુ બિહારમાં કોઈ જનાધાર નથી
રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર રાજકારણી બન્યા પછી જન સુરાજ પાર્ટીની સ્થાપના બે વર્ષ પહેલાં કરી હતી. પાર્ટી બીજી ઓક્ટોબરે બે વર્ષ પૂરા કરશે તે જ દિવસે આ પાર્ટીને લોંચ કરી રહ્યા છે. સ્થાપનાના બે વર્ષ પછી પાર્ટી સક્રિય થઈ રહી છે. પ્રશાંત કિશોર માત્ર હોંકારા પડકારા કરી રહ્યા છે, પરંતુ વ્યૂહ રચનાકાર તરીકે જેટલી સફળતા મળી હતી એટલી સફળતા નેતા તરીકે મળી નથી. ૨૦૨૪ની ચૂંટણીમાં પણ તેમની ધારણા સાચી પડી ન હતી. તેમનું વલણ કાયમ ભાજપ તરફી રહેતું હોવાનો આરોપ લાગે છે. બિહારમાં આ પાર્ટી આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બી ટીમ તરીકે કામ કરશે એવુંય કહેવાઈ રહ્યું છે. નેતા તરીકે પ્રશાંત કિશોરની કોઈ ખાસ અસર નથી અને જન સુરાજ પાર્ટીનો પણ જનાધાર જણાતો નથી.
- ઈન્દર સાહની