દિલ્હીની વાત : ભાજપની સંગતમાં સાથી પક્ષો પણ હિન્દુત્વ તરફ

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : ભાજપની સંગતમાં સાથી પક્ષો પણ હિન્દુત્વ તરફ 1 - image


નવી દિલ્હી : આધ્રપ્રેદશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ટેક્નોલોજીની વાત બાજુ પર મૂકીને મંદિરના પ્રસાદની વાત કરવા માંડી છે. આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુના વિવાદને કારણે નાયડુની ઇમેજ બગડી છે. હવે અયોધ્યા મંદીર બન્યાના આઠ મહિના પછી બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે પત્ર લખીને નરેન્દ્ર મોદીને અયોધ્યા મંદિર બાબતે અભિનંદન પાઠવ્યા છે. બિહાર અને આંધ્રપ્રદેશના મતદારો ચોંકી ગયા છે. દિલ્હીના રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, નાયડુ અને નિતિશકુમાર એનડીએના સાથી પક્ષો બન્યા પછી હિન્દુત્વને રવાડે ચઢીને જોખમ લઈ રહ્યા છે. બંને રાજ્યના લોકો કટ્ટરતા પસંદ કરતા નથી. ભાજપની વોટબેંક પર જ સાથીપક્ષો જોખમ સર્જી રહ્યા છે.

બદલાપુર રેપના આરોપીના એન્કાઉન્ટર બાબતે સુપ્રિયાના તિખા સવાલો

બદલાપુર બળાત્કાર એન્કાઉન્ટરના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર મહારાષ્ટ્ર પોલીસે કર્યું એની ટીકા એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેએ કરી છે. આ બાબતે સુપ્રિયા સુલેએ કેટલાક કડક સવાલો પણ મહારાષ્ટ્ર સરકારને પૂછ્યા છે. સુપ્રિયાની દલીલ યોગ્ય જ છે કે, જે આરોપીનું મોઢુ કાળા કપડાથી ઢાંકેલું હતું અને જેના હાથમાં હાથકડી હતી એ ચાલતી ગાડીએ પોલીસ કર્મચારીનું હથિયાર કઈ રીતે છીનવી શકે? અક્ષય શિંદેને ગોળી મારનાર ઇન્સ્પેક્ટરના કહેવા પ્રમાણે એમણે પોતાના સ્વરક્ષણ માટે ગોળી મારી હતી. સુપ્રિયા સુલેનું એમ પણ કહેવું છે કે, જો બનાવની આસપાસના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે તો સાચી વાત બહાર આવશે. અક્ષયને ચૂપ કરીને સરકારમાં બેઠેલા કોઈકને બચાવવામાં તો નથી આવી રહ્યા ને?

કેજરીવાલના લેટરબોમ્બનો ભાગવત જવાબ આપશે કે કેમ તેની ચર્ચા

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખીને પાંચ સવાલ પૂછયા છે. પત્રમાં કેજરીવાલે લખ્યું છે કે, ઇડી અને સીબીઆઇનો ઉપયોગ કરીને બીજા પક્ષના નેતાઓને ધમકાવવામાં આવે છે. બીજા પક્ષની સરકારો તોડવામાં આવી રહી છે. આ રીતે સરકાર બદલવી લોકશાહી દેશ માટે યોગ્ય છે? કેજરીવાલે લખ્યું છે કે, 'હું આ પત્ર એક રાજકીય નેતાની હેસિયતથી નથી લખી રહ્યો. આ દેશના સામાન્ય નાગરીક તરીકે હું આ પત્ર લખી રહ્યો છું. જો આ પ્રમાણે જ ચાલતુ રહ્યું તો લોકશાહી અને દેશ ખતમ થઈ જશે. ભાજપ, આરએસએસની પેદાશ છે. જો ભાજપ સાચા માર્ગેથી ભટકી જાય તો એને રસ્તો બતાવવાની જવાબદારી સંઘની છે. તમે શા માટે વડાપ્રધાનને ખોટુ કામ કરતા રોકતા નથી? કેજરીવાલના આ પત્ર પછી દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે કે, કેજરીવાલનું નિશાન યોગ્ય જગ્યાએ લાગ્યું છે. હવે મોહન ભાગવત જો જવાબ નહીં આપે તો એમની નબળાઈ ઉઘાડી પડી જશે.

કંગના રનૌતે ફરીથી ભાજપને મુશ્કેલીમાં મૂક્યો

હિમાચલ પ્રદેશના મંડી મત વિસ્તારથી ચૂંટાયેલા સાંસદ કંગના રનૌત વારંવાર ભાજપ હાઇકમાન્ડને કફોડી સ્થિતિમાં મૂકી રહ્યા છે. રદ કરેલા ત્રણ કૃષિ કાયદા ફરીથી લાગુ કરવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ કંગનાએ નિવેદન પાછુ ખેંચી લેવું પડયું છે. કંગનાએ નિવેદન ભલે પાછુ ખેંચી લીધું હોય પરંતુ કોંગ્રેસ અને ભાજપએ કંગનાના નિવેદન બાબતે ભાજપને ઘેર્યો છે. ખાસ કરીને પંજાબમાં ભાજપની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે. પંજાબ વિરોધપક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાનું કહેવું છે કે, જો કંગના રનૌત પર ભાજપના નેતાઓનો કાબુ નહિ હોય તો ભાજપ માટે શરમજનક વાત છે. ભાજપ આમ પણ ખેડુત વિરોધી પક્ષ છે. કંગનાના નિવેદન બાબતે જો ભાજપ જાહેરમાં સ્પષ્ટતા નહીં કરે તો એનો અર્થ એમ થશે કે ભાજપ કંગનાના નિવેદન સાથે સમત છે.

યુપીની જેમ હિમાચલમાં પણ ઢાબા માલિકોએ આઈડી લગાવવા ફરજીયાત

ઉત્તર પ્રદેશની જેમ હિમાચલ સરકારે પણ રેસ્ટોરા તેમ જ ઢાબામાં માલિકની આઇડી લગાવવાનું ફરજીયાત કરતા વિવાદ વકર્યો છે. હિમાચલના શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે ફેસબુક પર પોસ્ટ લખીને આ બાબતની જાણકારી આપી છે. મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે આ મામલે લીધેલા નિર્ણય વિશે પણ વિક્રમાદિત્યએ લખ્યું છે. યોગીની જેમ વિક્રમાદિત્ય પણ માને છે કે ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ નહીં થાય એ માટે હોટલો અને રેસ્ટોરાના માલિકોની જવાબદારી નક્કી થવી જોઈએ. રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસનું શાસન હોવાથી કોંગ્રેસ હાઇકમાન્ડ વિક્રમાદિત્ય સિંહનો નિર્ણય માન્ય રાખે છે કે નહીં એ જોવું રહ્યું.

હરિયાણામાં ભાજપની કફોડી સ્થિતિ, વિકાસના મુદ્દે મત માગવા મુશ્કેલ

હરિયાણા વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ભાજપ આ વખતે વિકાસની વાત કરી શકતો નથી. વિરોધ પક્ષના નેતાઓની અંગત બાબતે ટીકા ટીપ્પણી કરવાને જ ભાજપ ચૂંટણી પ્રચાર માની રહ્યો છે. તૂટેલા રસ્તા, પાણીની તંગી, રસ્તા પર રખડતા ઢોર અને ગંદકીની સમસ્યા વિશે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી. ભાજપના કેટલાક નેતાઓ મહિલાઓની લાલી લીસ્પિટીક બાબતે કારણ વગરની કોમેન્ટો કરીને ભાજપની ઇમેજનું ધોવાણ કરી રહ્યા છે. રાજકીય નિરીક્ષકોના કહેવા પ્રમાણે દિલ્હીથી આવતા ભાજપના નેતાઓની સભામાં પણ કાગડા ઉડી રહ્યા છે. એમ લાગે છે કે, મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું મન મનાવી લીધું છે.

હરિયાણાના મતદારો કેજરીવાલના 'ત્યાગ'થી પ્રભાવિત થયા

આજકાલ હરિયાણામાં કેજરીવાલની સભાઓ હિટ થઈ રહી છે. હરિયાણાના રાનીયા ખાતેની ચૂંટણી સભામાં કેજરીવાલે કહ્યું કે, 'હું તમારી પાસે એટલા માટે મત માગવા નથી આવ્યો કે મારે સત્તા જોઈએ છે. હું દિલ્હીની સત્તા છોડીને આવ્યો છું. મારી પાસે કોઈએ રાજીનામું માગ્યું નહોતું. મે પોતે રાજીનામુ આપી દીધું છે. મે દિલ્હીવાસીઓને કહ્યું છે કે, જો તમે મને ફરીથી ચૂટશો તો જ હું મુખ્યમંત્રી બનીશ. હરિયાણાની સેવા કરવાનો એક મોકો મને આપો. મારે હરિયાણાનો વિકાસ પણ દિલ્હી જેવો કરવો છે. હું અહીની સ્કુલો સુધારી દઈશ અને મફતમાં વિજળી આપીશ.' અરવિંદ કેજરીવાલના આ ચૂંટણી વચનો હરિયાણાના મતદારોને પસંદ પડી રહ્યા છે.

ચેન્નાઈની મેડિકલ કોન્ફરન્સમાં વલ્ગર ડાન્સથી વિવાદ

ચેન્નાઈમાં ડોક્ટરોની એક મેડિકલ કોન્ફરન્સ યોજાઈ હતી. એમાં એક ડાન્સર જે ડાન્સ રજૂ કરી રહી છે તેને સોશિયલ મીડિયા યુઝર્સ વલ્ગર ગણાવે છે અને અશ્લિલ ચેનચાળા કરતી હોવાનો આરોપ મૂકે છે. કેટલાકે દલીલ કરી કે એક તરફ ડોક્ટરોની સુરક્ષાને લઈને દેશભરમાં દેખાવો થયા, પશ્વિમ બંગાળમાં તો અઢી ડઝન દર્દીઓનાં મોત એટલે થયા કે તેમની સારવાર માટે ડોક્ટરો ઉપલબ્ધ ન હતા. બીજી તરફ આવા વલ્ગર ડાન્સમાં ડોક્ટરો પણ સાથે થીરકતા જોવા મળે છે. આવા સમયે તેમની નૈતિકતાની વાતો ક્યાં ગઈ? બીજી દલીલ એવી પણ થઈ કે જે લોકો હોબાળો મચાવે છે તેમણે એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે આ એક પ્રોફેશનલ સેટઅપ હતું. ડોક્ટરોના મનોરંજન માટે વ્યવસ્થા થઈ હતી. ત્રીજી તરફ ડોક્ટર્સ એસોસિએશને ખુલાસો કરતા કહ્યું હતું કે આયોજકોએ તેમને ક્લાસિકલ ડાન્સનું કહીને આવો ડાન્સ ગોઠવ્યો હતો. હવે બધો દોષ ઈવેન્ટ મેનેજમેન્ટ પર મઢી દેવામાં આવ્યો છે.

વિનેશ ફોગાટનો બ્રિજ ભૂષણને નિશાન બનાવીને ધુવાંધાર પ્રચાર

વિનેશ ફોગાટને કોંગ્રેસે જુલના બેઠક પરથી ટિકિટ આપી છે. પહેલવાનો સરકાર સામે દેખાવો કરતા હતા ત્યારથી જ વિનેશ ફોગાટે કેન્દ્ર સરકાર અને કુશ્તી ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહને નિશાન બનાવ્યા હતા. હવે ચૂંટણી જંગમાં એક તરફ બ્રિજ ભૂષણે વિનેશ ફોગાટના આંદોલનને રાજકારણથી પ્રેરિત ગણાવીને ચર્ચા જગાવી હતી અને હરિયાણાના જાટ મતદારોને નારાજ કર્યા હતા એટલે ભાજપે તેને આડેધડ નિવેદનો ન આપવાની તાકીદ કરી હતી. બીજી તરફ વિનેશ ફોગાટે પોતાની બેઠક પર પ્રચાર બ્રિજ ભૂષણે પહેલવાનો સાથે કરેલા અન્યાયના મુદ્દે કર્યો છે અને તેની સારી એવી અસર થઈ રહી છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News