નવીદિલ્હી : દેશભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશનિકાલ કરવાનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે નવાઈ લાગે એવા અને આંચકાજનક સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે જે લોકોની ભારતીય નાગરીકતા શંકાસ્પદ હોવાથી બાંગ્લાદેશ મોકલી આપવામાં આવ્યા છે એમને ભારત પરત લાવી નાગરીકતાની તપાસ કરવામાં આવશે. તપાસ કર્યા બાદ જ એમની સામે આગળની કાર્યવાહી થશે. આ આશ્વાસન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઇ સૂર્યકાંત, જસ્ટિસ જોય માલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેંચને આપ્યું હતું. કલકત્તા હાઇકોર્ટે કેટલાક બાંગાળી ભાષી લોકોને ફરીથી ભારત લાવવા હુકમ કર્યો હતો. કલકત્તા હાઇકોર્ટના આ ચુકાદા સામે અપીલ કરવામાં આવી હતી. પ્રતિવાદીના સિનિયર એડવોકેટ સંજય હેગડેએ કોર્ટને કહ્યું હતું કે સોલિસિટર જનરલનું નિવેદન રેકોર્ડ પર લેવામાં આવે.
ભારત આવતા પહેલા રૂબિયોનું નિવેદન ચર્ચાસ્પદ
ભારત આવતા પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે, 'ભારત અમારી પાસે જેટલું તેલ ખરીદવા માંગે અમે આપવા તૈયાર છે. અમેરિકા હમણા રેકોર્ડ સ્તરે તેલનું ઉત્પાદન અને નિકાસ કરી રહ્યું છે. અમે ઇચ્છિએ છીએ કે અમેરિકાની ઉર્જા ભારતની ઉર્જા પોર્ટ ફોલિયોનો મોટો હિસ્સો બને. અમને લાગે છે કે, વેનેઝુએલાના તેલ બાબતે પણ અવસર સારો છે.' આ નિવેદન પછી કોંગ્રેસના સિનિયર નેતા જયરામ રમેશએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, 'અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ફરીથી એકવાર સોથી પહેલા જાહેરાત કરી દીધી કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ આવતા અઠવાડિયે ભારત આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે, ભારત અને વેનેઝુએલામાંથી કોઈ દેશે રાષ્ટ્રપતિની મુલાકાત સંદર્ભે કંઈ કહ્યું નથી. ભારતની વિદેશ નીતિ બાબતે અમેરિકાના વિદેશમંત્રીને કઈ રીતે ખબર પડી ગઈ?'
બાંગ્લાદેશ બોર્ડર પર ફેન્સીગ શરૂ થતા બીજેબીને મરચા લાગ્યા
ભારત - બાંગ્લાદેશ સરહદે ફરીથી તણાવ વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બાંગ્લાદેશ સાથે લાગેલી સરહદ પર બીએસએફએ ફેન્સીગ શરૂ કર્યું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મળેલી જીત પછી ભાજપએ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પરત બાંગ્લાદેશ મોકલવા અભિયાન શરૂ કર્યું છે અને બીજા ઘૂસણખોરો દેશમાં પ્રવેશે નહીં એ માટે પગલા લેવાના શરૂ કર્યો છે. ફેન્સીગને કારણે બાંગ્લાદેશને મરચા લાગ્યા છે. બાંગ્લાદેશના લાલમણીરહટ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ સ્થંભ સંખ્યા ૮૦૬ની પાસે જ્યારે બીએસએફ દ્વારા ફેન્સીગ અને પીલર લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે વિવાદ થઈ ગયો હતો. બીએસએફની કામગીરી સામે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ (બીજીબી)એ વાંધો લીધો હતો. બીજીબીની ટીમે સ્થળ પર પહોંચી જઈને બીએસએફના જવાનોને કામગીરી કરતા રોક્યા હતા. આ ઘટના પછી બંને દેશોના અધિકારીઓ વચ્ચે મીટીંગ યોજાઈ હતી.
લદ્દાખને હમણા રાજ્યનો દરજ્જો શા માટે નહીં મળે
લાંબા સમયથી ચાલી આવેલા વિવાદ પછી કેન્દ્ર અને લદ્દાખના પ્રતિનિધિઓએ કેન્દ્રશાસીત પ્રદેશ સ્થળ પર એક ચૂંટાયેલી સંસ્થા બનાવવા માટે સહમતી આપી છે. આ સંસ્થા પાસે પૂર્ણ, કાર્યકારી અને નાણાકીય સત્તા હશે. આ ઉપરાંત ૭ જિલ્લાઓમાં પણ આ રીતનું સંગઠન બનાવવામાં આવશે. બંને પક્ષ વચ્ચે ત્રણ મહિના પછી વાતચીત શરૂ થઈ છે. આ વાતચીતમાં ચળવળકર્તા સોનમ વાંગચૂક પણ સામેલ થયા હતા. ચર્ચા દરમિયાન લદ્દાખને જમીન, રોજગારી અને સંસ્કૃતિ જેવી બાબતોમાં અનુચ્છેદ ૩૭૧ હેઠળ બંધારણીય સુરક્ષા આપવામાં આવશે જે રીતે નાગાલેન્ડ, સિક્કીમ અને મિઝોરમ જેવા રાજ્યોને પણ આપવામાં આવી છે. જોકે આ વ્યવસ્થા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપતી નથી, પરંતુ કેટલેક અંશે લદ્દાખવાસીઓની માંગણીને પૂરી કરે છે. ગૃહમંત્રાલયે બહાર પાડેલી પ્રેસનોટમાં ચોખ્ખુ કહેવામાં આવ્યું છે કે હમણા લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે નહીં.
'સરકારને ફક્ત તેલ કંપનીઓનો ફાયદો દેખાય છે'
છેલ્લા ૧૦ દિવસોમાં પેટ્રોલ - ડિઝલની કિંમતોમાં થયેલા બેવડા વધારા પછી વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષે આરોપ મૂક્યો છે કે સરકારને ફક્ત તેલ કંપનીના ફાયદાની ચિંતા છે. કોંગ્રેેસ પક્ષે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, 'મોંઘવારી મેન' મોદીએ પેટ્રોલ - ડિઝલ પર નવ દિવસમાં પાંચ રૂપિયાનો વધારો કર્યો છે. સરકારને તો ખાલી તેલ કંપનીના ફાયદાની ચિંતા છે. એક તરફ દુનિયાભરની સરકારો લોકોને રાહત આપી રહી છે ત્યારે આપણી સરકાર લોકોને લૂંટવા બેઠી છે. ક્યારેક તો પ્રજાના ભલા માટે વિચાર કરો. કયાં સુધી કોર્પોરેટ કંપનીઓનો ફાયદો જોયા કરશો? ટીએમસીના પ્રવક્તા સાંકેત ગોખલેએ કહ્યું હતું કે, 'સરકાર ગબડતો રૂપિયો સંભાળી નથી શકતી. દરેક ચીજ વસ્તીઓ મોંઘી થવાની છે. પ્રધાનમંત્રી અને મંત્રીઓના ખર્ચમાં કાપ મૂકવાનો થઈ રહેલો દેખાડો જરૂરી નથી.'
કોકરોચ જનતા પાર્ટીને ચેલેન્જ કરવા આવી ઓગી જનતા પાર્ટી
ચાના કપમાં તોફાન આવી ગયું. સીજેઆઇના નિવેદનની ટીખળ કરવા સ્થાપવામાં આવેલી કોકરોચ જનતા પાર્ટીએ સોશ્યલ મીડિયા પર ભારે સફળતા મેળવી. જોકે ભાગ્યે જ કોઈ એમ માને છે કે, સોશ્યલ મીડિયા પર મળેલી સફળતા ચૂંટણીમાં પણ પરિવર્તિત થશે. હવે કોકરોચ જનતા પાર્ટીને પડકાર આપવા માટે ઓગી જનતા પાર્ટીની સ્થાપના કરવામાં આવી છે. સીજેપી અને ઓજેપી વચ્ચે વર્ચ્યુઅલ જંગ છેડાઈ ગયો છે. ઓગી કાર્ટુન કેરેક્ટર છે અને બાળકોમાં ખૂબ લોકપ્રિય છે. ઓજેપીએ સીજેપીના પ્રચાર અને રાજનીતિક સંપર્કો પર પ્રહારો કર્યા છે. સીજેપીના સ્થાપક અભિજીત દીપકેના આમ આદમી પાર્ટી સાથેના સંબંધો પર સવાલ કર્યા છે. ઓજેપીએ પોતાના પ્રચારમાં લખ્યું છે કે, અમેરિકા સ્થિત સીજેપીની માફક એમનો કોઈ રાજકીય એજન્ડા નથી. બધા જાણે છે એમ આ બંને પક્ષમાંથી કોઈ પક્ષ જમીની હકીકતથી વાકેફ નથી, પરંતુ બધા માટે ટાઇમ પાસ કરવાનું સાધન છે.
'બંધારણ મોંઘા વકીલ રોકનારાઓની જાગીર નથી'
સીજેઆઇ સૂર્યકાંતે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. એમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, દેશનું બંધારણ કેટલાક મુઠ્ઠીભર પૈસાદાર કે ભદ્રવર્ગની જાગીર નથી જેઓ કોર્ટોમાં મોટો ખર્ચ કરીને દેશના સૌથી મોંઘા વકીલ રોકવાની ક્ષમતા ધરાવતા હોય છે. પાયાનો હક સમાજની દરેક વ્યક્તિનો છે. મોટા શહેરોમાં રહેતી વ્યક્તિ હોય કે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતો નાગરીક હોય, ગરીબ હોય કે પૈસાદાર હોય તમામના હક્ક સરખા છે. બંધારણ પર ફક્ત જજોનો અધિકાર નથી કે વકીલો અને સરકારી સંસ્થાઓનો અધિકાર નથી. બંધારણ એક ફક્ત એકેડેમીક કે પુસ્તકોમાં બંધ રખાયેલો દસ્તાવેજ નથી. બંધારણ કોર્ટોની ચેમ્બરો અને કાયદાકીય દલીલો માટે માર્ગદર્શન આપે છે, પરંતુ એની વાસ્તવિક સફળતા ફક્ત કાયદાકીય જ જીતથી નક્કી કરી શકાય નહીં.


