મોદી કેબિનેટમાં રવિવાર ફેરફારની શક્યતા

Updated: Jan 24th, 2023


મોદી કેબિનેટમાં રવિવાર ફેરફારની શક્યતા

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રના બે દિવસ પહેલાં ૨૯ જાન્યુઆરીએ મંત્રીમંડળની બેઠક બોલાવતાં મોદી કેબિનેટમાં ફેરફારની અટકળો શરૂ થઈ છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, બજેટ સત્ર શરૂ થાય તેના આગલા દિવસે એટલે કે ૩૦ જાન્યુઆરીએ કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે.  

સૂત્રોનો દાવો છે કે, મોદીએ તમામ મંત્રીઓને તેમના સંબંધિત મંત્રાલયોની કામગીરીની વિગતો સાથે હાજર થવા કહ્યું છે. સામાન્ય રીતે શનિવારે મંત્રીમંડળની બેઠક થતી નથી પણ કેબિનેટમાં ફેરફારની કવાયત માટે આ બેઠક બોલાવાઈ છે. કેબિનેટની બેઠક પછી સોમવારથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્રના પહેલા દિવસે ઈકોનોમિક સર્વે અને પછી બજેટ રજૂ કરાશે. દરમિયાનમાં ત્રણ રાજ્યોની ચૂંટણીનો પ્રચાર પણ શરૂ થશે. આ કારણે મોદી પોતે વ્યસ્ત થઈ જશે. મોદી એ પહેલાં કેબિનેટના વિસ્તરણ અંગે મંત્રીઓને જાણ કરવા માગે છે એવો દાવો પણ થઈ રહ્યો છે.  

સરમા કલાકોમાં જ શાહરૂખને ઓળખી ગયા !

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતે શાહરૂખ ખાનને ઓળખતા નહીં હોવાનો દાવો કર્યા પછી લગાવેલી ગુલાંટના કારણ તેમની મજાક ઉડી રહી છે. દિલ્હીથી ઠપકો મળતાં સરમાએ ગુલાંટ લગાવ્યાનું મનાય છે.

શાહરુખ ખાન-દીપિકા પદુકોણની 'પઠાન'નો દેશમાં ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સમાં સરમાએ સવાલ કરેલો કે, કોણ છે શાહરૂખ ખાન? હું તેમના વિશે નથી જાણતો.

આ વાત કર્યાના કલાકોમાં તો સરમાએ ટ્વીટ કર્યું કે શાહરુખ ખાને મને રવિવારે સવારે ૨ વાગ્યે ફોન કર્યો હતો. ગુવાહાટીના નારેંગી થીયેટરમાં પઠાણ સામેના વિરોધના કારણે ચિંતિત શાહરૂખને મેં ખાતરી આપી છે કે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી રાજ્ય સરકારની ફરજ છે. પઠાણની રીલીઝ દરમિયાન કોઈ વિવાદ ન થાય એ જોઈશું.

સરમાની ટ્વિટ પછી લોકો મજાક કરી રહ્યા છે કે, ભાજપના નેતાઓએ શાહરૂખ કોણ છે એ જાણવા માટે પણ દિલ્હી પૂછવું પડે છે. કેટલાકે લખ્યું છે કે, સરમાને શોર્ટ ટર્મ મેમરી લોસ છે કે શું ?

ચૂંટણી આવતાં જ હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે

દેશનાં નવ  રાજ્યોમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી છે તેથી કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવાની હિલચાલ શરૂ કરી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઓઇલ કંપનીઓને પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડવાની અપીલ કરતાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતો નિયંત્રણમાં છે. ઓઇલ કંપનીઓ ખોટમાંથી બહાર આવી ગઈ છે એ જોતાં હું વિનંતી કરું છું કે કંપનીઓ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરે.

પુરીએ વેટ નહીં ઘટાડનારાં રાજ્યોની પણ ટીકા કરીને કહ્યું હતું કે, ક્ડના ભાવ વધવા છતાં કેન્દ્ર સરકારે નવેમ્બર ૨૦૨૧ અને મે ૨૦૨૨માં એક્સાઇઝ ડયૂટીમાં ઘટાડો કર્યો ત્યારે રાજ્ય સરકારોએ વેટમાં ઘટાડો કર્યો નહતો. આ કારણે આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ હજુ પણ ઉંચા છે.

વિશ્લેષકોના મતે, ચૂંટણી આવે ત્યારે જ ભાવોમાં ઘટાડો થાય એવી હવે પ્રથા જ પડી ગઈ છે. એ પહેલાં લોકોને રાહત આપવા વિશે વિચાર કરાતો જ નથી.

રાહુલની યાત્રા પહેલાં બ્લાસ્ટ થતાં સુરક્ષા વધારાઈ

કાશ્મીરમાં ભારત જોડો યાત્રા સમયે જ શરૂ થયેલા બોમ્બ વિસ્ફોટના કારણે કેન્દ્ર સરકાર ચિંતામાં છે અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા દોડતા થઈ ગયા છે.  કેન્દ્રના આદેશના પગલે નરવાલમાં થયેલા વિસ્ફોટ બાદ તપાસ એજન્સીઓએ સુરક્ષા એલર્ટ જાહેર કરીને જમ્મુ-પઠાણકોટ હાઈવે  બંધ કરી દીધો છે. બીજી તરફ મનોજ સિંહાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને રાહુલની સુરક્ષામાં કોઈ ચૂક ના રહે એ માટે શક્ય તમામ પગલાં લેવા ફરમાન કર્યું છે. કેન્દ્ર સરકારે એનઆઈએની એક  ટીમને પણ કાશ્મીર રવાના કરી છે.

તમિલનાડુનાં કન્યાકુમારીથી શરુ થયેલી ભારત જોડો યાત્રા ૩૦ જાન્યુઆરીએ શ્રીનગરમાં સમાપ્ત થશે. રાહુલ ગાંધી શ્રીનગરમાં કોંગ્રેસ મુખ્યાલય પર તિરંગો લહેરાવીને યાત્રા પૂરી કરશે. યાત્રા પૂરી થવાને હજુ અઠવાડિયું બાકી છે તેથી સરકાર સુરક્ષામાં કોઈ ચૂક ના થાય એ માટે સતર્ક છે. રાહુલ ગાંધીની સલામતી માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અધિકારીઓએ રાહુલને પણ પૂરો સહકાર આપવા વિનંતી કરી છે.

ભાજપને પછાતોના મતો માટે કુશવાહાની જરૂર

જનતા દળ (યુનાઇટેડ) પાર્લામેન્ટરી બોર્ડના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની અટકળો  છે. કુશવાહા તાજેતરમાં દિલ્હીમાં ભાજપના નેતાઓને ખાનગીમાં મળ્યા હતા. આ મુલાકાતની તસવીરો બહાર આવી જતાં કુશવાહા ભાજપમાં જોડાશે એવું ચર્ચાઈ રહ્યું છે.

આ તસવીરો બહાર આવ્યા પછી  કુશવાહાએ કહ્યું હતું કે,  હું ભાજપના નેતાઓને મળતાં ભાજપમા જઈશ એવ વાતો ચાલી ચાલી રહી છે પણ વાસ્તવમાં  અમારી પાર્ટીના ટોચના નેતાઓ પણ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. કુશવાહાના નિવેદનનું એવું અર્થઘટન કઢાયું છે કે નીતિશ તેજસ્વીનો સાથ છોડીને ફરી ભાજપની પંગતમાં બેસી જશે.

જેડીયુના નેતાઓનું કહેવું છે કે, કુશવાહાએ પોતાનો બચાવ કરવા કહી દીધું પણ આ વાતમાં દમ નથી. અલબત્ત કુશવાહા ભાજપમાં જોડાઈ શકે કેમ કે જેડીયુ અને આરજેડી એક થઈ જતાં ભાજપને પછાત વર્ગની મતબેંકને પોતાની તરફ વાળવા માટે સાથીઓ જોઈએ જ છે. આ કારણે ચિરાગ પાસવાનને પણ ભાજપના નેતા ભાવ આપી રહ્યા છે.

લેખકની ધરપકડ મુદ્દે ભાજપ સરકાર મૂંઝવણમાં

કન્નડ લેખક કે.એસ.ભગવાને ભગવાન રામ પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓના કારણે હિંદુવાદીઓમાં રોષ છે તો ભાજપ સરકાર ભેરવાઈ ગઈ છે. હિંદુવાદીઓ ભગવાનની ધરપકડની માંગ કરી રહ્યા છે પણ તેના કારણે પછાત વર્ગનાં લોકો નારાજ થઈ જશે એવો ભાજપને ડર છે. ભગવાન હિંદુ દેવ-દેવીઓ અને ધર્મસ્થાનો વિરૂધ્ધ નિવેદનો કરવા માટે જાણીતાં છે.

આ મુદ્દે ભાજપમાં પણ રોષ છે. ભાજપના નેતા વિવેક રેડ્ડીએ કહ્યું કે, આવાં લોકોનો સામાજિક બહિષ્કાર કરવો જોઇએ. લેખકનું નિવેદન તેમની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. જો કે ભગવાનની ધરપકડના મુદ્દે ભાજપના નેતા મૌન છે.

ભગવાને એવી વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી કે,  ભગવાન રામ બપોરે સીતા સાથે બેસીને રાત્રે એકલા દારૂ પીતા હતા. તેમણે પોતાની પત્ની સીતાને વનમાં મોકલી દીધી અને તેમને તેમની કોઈ પરવા ન હતી. તેઓએ ઝાડ નીચે તપસ્યા કરી રહેલા શૂદ્ર શંભુકનું માથું કાપી નાખ્યું. તે આદર્શ કેવી રીતે હોઈ શકે?


    Sports

    RECENT NEWS