દિલ્હીની વાત : ગેહલોતની માંગ, મુખ્યમંત્રીપદ નહીં છોડું


નવીદિલ્હી : કોંગ્રેસના પ્રમુખપદે બેસવા માટે અશોક ગેહલોતે તૈયારી બતાવી છે પણ ગેહલોત રાજસ્થાનનનું મુખ્યમંત્રીપદ છોડવા પણ તૈયાર નથી. ગેહલોતે પોતે એલાન કર્યું છે કે, હું કોંગ્રેસ પ્રમુખ બનીશ તો પણ થોડો સમય રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહીશ. ગેહલોત દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા પછી તેમણે પોતાની ઓફર આપી હતી.

ગેહલોતનું કહેવું છે કે, પક્ષને ખાતર હું એક, બે કે ત્રણ હોદ્દા પણ સંભાળવા તૈયાર છું. મારે કોંગ્રેસની સેવા કરવાની છે તેથી મારો ઉપયોગ થઈ શકે ત્યાં હું જવા તૈયાર છું. મારા માટે હોદ્દા મહત્ત્વના નથી. મારું ચાલે તો કોઈ પણ હોદ્દા પર ના રહું અને રાહુલ ગાંધી સાથે રસ્તા પર ઉતરીને ફાસીવાદી તાકાતો સામે મોરચો ખોલું.

ગેહલોતની વાતથી હાઈકમાન્ડ મૂંઝાયું છે. રાહુલ ગાંધી ૨૩ સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રામાંથી વિરામ લઈને દિલ્હી આવે પછી સોનિયા ગાંધી સાથે આ મુદ્દે ચર્ચા કરશે. સોનિયા ગાંધીએ ૨૦ સપ્ટેમ્બરે સંગઠનના મહાસચિવ કે.સી. વેણુગોપાલને કેરળથી બોલાવીને ચર્ચા કરી હતી.

કર્ણાટકમાં કોંગ્રેસની ઝુંબેશમાં લોકોને રસ પડયો

કર્ણાટકમાં કોંગ્રેસે ભાજપ સરકાર સામે શરૂ કરેલી નવા જ પ્રકારની ઝુંબેશે ચર્ચા જગાવી છે. કોંગ્રેસે બેંગલુરુમાં ક્યુઆર કોડ પર મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઇના ચહેરાવાળાં પોસ્ટર લગાવ્યાં છે. આ ક્યુઆર કોડ સ્કેન કરો એ સાથે જ કોંગ્રેસે બનાવેલી વેબસાઇટ ખૂલે છે. આ વેબસાઈટનું નામ '૪૦ પર્સન્ટ સરકાર' રખાયું છે.

વેબસાઈટમાં દાવો કરાયો છે કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર સર્વવ્યાપી છે અને કર્ણાટકમાં ૪૦ ટકા કમિશન સામાન્ય થઇ ગયું છે. આ વેબસાઇટ પર લોકોને સરકારી ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા અપીલ કરાઈ છે. ભાજપને ભ્રષ્ટાચારી સાબિત કરવાની કોંગ્રેસની ઝુંબેશને લોકો વખાણી રહ્યા છે. ભાજપના નેતા પણ માને છે કે, કોંગ્રેસની આ ઝુંબેશની આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં અસર થશે.

થોડા મહિના પહેલાં કર્ણાટકના કોન્ટ્રાક્ટરોએ દાવો કર્યો હતો કે, તમામ સરકારી કોન્ટ્રાક્ટ્સમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓ ૪૦ ટકા કમિશન લે છે. કોન્ટ્રાક્ટર્સના યુનિયને આ મુદ્દે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો છે. ભાજપના એક કાર્યકરે કમિશનના મુદ્દે આપઘાત પણ કર્યો હતો.

રાહુલ ગાંધીની યાત્રામાં સાવરકરનું પોસ્ટર

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના સ્વાગત માટે કેરળના કોચ્ચિમાં સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓનાં પોસ્ટરમાં વિનાયક દામોદર સાવરકરનું પોસ્ટર પણ લગાડી દેવાતાં કોંગ્રેસના નેતા દોડતા થઈ ગયા હતા. કોંગ્રેસીઓએ તાત્કાલિક સાવરકરના ફોટા પર ગાંધીજીનો ફોટો લગાવી દીધો હતો. સાવરકરના ફોટોની ડાબી બાજુ ગોવિંદ વલ્લભ પંત અને જમણી બાજુ ચંદ્રશેખર આઝાદનો ફોટો હતો.

કોંગ્રેસીઓએ સાવરકરનો ફોટો તો ઢાંકી દીધો પણ રાહુલ ગાંધીને આ વાતની જાણ થઈ જતાં એ ભડકી ગયા હતા. રાહુલે કોણે સાવરકરનો ફોટો લગાવવાની સૂચના આપી તેની તપાસ કરીને રીપોર્ટ માંગ્યો છે.

રાહુલ ગાંધી સતત સાવરકર પર પ્રહારો કર્યા કરે છે ત્યારે તેમની જ યાત્રામાં સાવરકરનો ફોટો લાગી જતાં કોંગ્રેસની આબરૂનો ધજાગરો થઈ ગયો છે. ત્રણ વર્ષ પહેલાં દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસે મોદી સરકાર વિરૂદ્ધ 'ભારત બચાવો' રેલી કરી ત્યારે રાહુલે કહ્યું હતું કે, મને સાચી વાત બોલવા માટે માફી માંગવાનું કહેવાય છે પણ મારું નામ રાહુલ સાવરકર નથી.  હું સત્ય માટે ક્યારેય માફી નહીં માંગુ.

મોદીએ ભાજપના નેતાઓને નિરાશ કરી દીધા 

નરેન્દ્ર મોદીએ બનાવેલા પ્રાઈમ મિનિસ્ટર કેર્સ ફંડ ટ્રસ્ટના ચેરમેન તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ કે.ટી થોમસની નિમણૂક કરાઈ છે. નવા ટ્રસ્ટીઓ તરીકે રતન તાતા, ભૂતપૂર્વ લોકસભા સ્પીકર કરિયા મુંડા, નાણામંત્રી નિર્મલા સીતારામણ અને ગૃહ મંત્રી અમિત શાહનો સમાવેશ કરાયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ફંડમાં પહેલેથી ટ્રસ્ટી જ છે.

કેર્સ ફંડના સલાહકાર બોર્ડમાં દેશના ભૂતપૂર્વ સીએજી રાજીવ મહર્ષિ, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરમેન સુધા મૂર્તિ, ટીચ ફોર ઈન્ડિયાના સહ-સ્થાપક, ઈન્ડીકોર્પ્સ અને પિરામલ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ સીઈઓ આનંદ શાહને લેવામાં આવ્યા છે.

ભાજપના ઘણા નેતા કેર્સ ફંડમાં પોતાને સ્થાન મળશે એવી આશા રાખતા હતા પણ મોદીએ તેમની ધરાર અવગણના કરી છે. તેના બદલે મોદીએ પોતાના વફાદારોને જ મહત્વ આપ્યું છે. સાથે સાથે સમાજ સેવા સાથે સંકળાયેલા લોકો તથા જજ-અધિકારીઓને લઈને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, મોદીને રાજકારણીઓ પર બહુ ભરોસો નથી. હાલમાં આ ફંડમાં ૧૦૯૯૦  કરોડ રૂપિયા જમા છે તેથી તેનો વહીવટ યોગ્ય રીતે થાય એવું મોદી ઈચ્છે છે.

ભાગવત મુસ્લિમ ધર્મગુરૂને મળતાં અટકળો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ડૉ. મોહન ભાગવત ઑલ ઈન્ડિયા મુસ્લિમ ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને મળ્યા એ મુદ્દો ચર્ચામાં છે. ભાગવત આ પહેલાં પાંચ મુસ્લિમ નેતાઓને મળ્યા હતા. ભાગવત રાજકીય કારણોસર ભાજપના લાભાર્થે મુસ્લિમ નેતાઓને મળી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

બીજી તરફ સંઘના સૂત્રોનું કહેવું છે કે, મુસ્લિમ નેતાઓને મળવાની પહેલ ભાગવતે નથી કરી પણ મુસ્લિમોએ જ વિનંતી કરી હતી તેથી તેની પાછળ કોઈ રાજકીય એજન્ડા નથી. સંઘ મુસ્લિમ બુધ્ધિજીવીઓ સાથે ચર્ચા માટે ચાર સભ્યોની સમિતી બનાવશે.

દિલ્હીની કસ્તુરબા ગાંધી માર્ગ પર આવેલી મસ્જિદમાં થયેલી ભાગવત અને ઈલ્યાસીની  બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. મોહન ભાગવત આ પહેલાં ૨૨ ઓગસ્ટે  પાંચ મુસ્લિમ બુદ્ધિજીવીઓની ટીમને મળ્યા હતા. ઇલ્યાસી અને મોહન ભાગવતની બેઠકમાં સંઘના કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હાજર હતા.

સંઘનાં સૂત્રોનો દાવો છે કે,  દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને મજબૂત કરવા અને હિન્દુ-મુસ્લિમોની વચ્ચે વધી રહેલી ખાઈને દૂર કરવા અંગે ચર્ચા કરી હતી.

ઈડલ્યુએસ અનામત બચાવવા કેન્દ્રે પૂરી તાકાત લગાવી

આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ૧૦ ટકા અનામતને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે ત્યારે સરકાર અનામત રદ ના થાય એ માટે પૂરી તાકાત લગાવી રહી છે. મોદી સરકારને ડર છે કે, ઈડબલ્યુએસ અનામત રદ થઈ જશે તો લોકસભાની અને એ પહેલાં આવનારી વિધાનભાની ચૂંટણીઓમાં પણ ભાજપને મોટો ફટકો પડશે.

ઈડબલ્યુએસ અનામતને પડકારતી અરજીઓમા દાવો કરાયો છે કે, આ અનામત બંધારણની વિરુદ્ધ છે. સામે સરકારની દલીલ છે કે, બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી કે આર્થિક ધોરણે અનામત ના આપી શકાય. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે કે, ઈડબલ્યુએસ અનામત આપવા માટે બંધારણમાં કરવામાં આવેલો ૧૦૩મો સુધારો કાયદેસરનો જ છે. ઈડબલ્યુએસ અનામતથી એસસી, એસટી અને ઓબીસી વર્ગના લોકોની અનામતમાં ફરક નથી પડતો. સરકારે એવી દલીલ પણ કરી છ કે, જનરલ કેટેગરીના ૫.૮ કરોડ લોકો દેશમાં ગરીબી રેખાથી નીચે છે જ્યારે ૩૫ ટકા જમીન વિહોણા હોવાથી તેમના માટે અનામત જરૂરી છે. 

***

પીએફઆઇ પર દરોડાથી  રાજકારણ ગરમાયુ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા દેશના દસ રાજ્યોમાં પીએફઆઇને ત્યાં દસથી વધુ રાજ્યોને ત્યાં દરોડા પાડીને સોથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવતા રાજકારણ ગરમાયું છુ છે. આ દરોડાને અત્યાર સુધીનું સૌથી મોટુ પગલું માનવામાં આવે છે. તેના પગલે એનઆઇએ હેડક્વાર્ટર પર સલામતી વ્યવસ્થા વધારે મજબૂત બનાવવામાં આવી છે. ગૃહપ્રધાન અમિત શાહે તેમના ઘરે ગૃહસચિવ, એનએસએ દોવલ અને એનઆઇએના ડીજી સાથે બેઠક યોજી હતી. પીએફઆઇએ આ દરોડાને બદલાનું રાજકારણ ગણાવ્યું હતું. ભાજપે પીએફઆઇને આતંકવાદી સંગઠન ગણાવ્યું હતું તો કોંગ્રેસે ભાજપની ઝાટકણી કાઢતા લોકોનું બેરોજગારીથી બીજે ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. 

પાકના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને મોદીની પ્રશંસા કરી

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપીને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના સુપ્રીમો નવાઝ શરીફની ટીકા કરતા જણાવ્યું હતું કે તેમની કરોડોની સંપત્તિ પાકિસ્તાનની બહાર છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં ખાન કહેતા સાંભળી શકાય છે કે વિશ્વમાં નવાઝ શરીફ પાસે જેટલી અબજોની સંપત્તિ છે તેટલી બીજા કોઈ પાસે નહી હોય. શું મોદી પાસે ભારતની બહાર આટલી સંપત્તિ છે? એમ ખાને પાકિસ્તાનમાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું. આ પહેલા પણ ઇમરાન રશિયા પાસેથી અત્યંત સસ્તા ભાવે તેલ ખરીદવાના નિર્ણય પર ભારતની પ્રશંસા કરી હતી.  

ચૂંટણી ફરજના લીધે પોતાના મતવિસ્તારમાં ન રહેતા મત આપી શકશે

ચૂંટણી ફરજના લીધે પોતાના મતવિસ્તારની મુલાકાત ન લઈ શકનારા વોટર ફેસિલિટેશન સેન્ટર ખાતે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે, પણ તે પોસ્ટલ બેલેટનો ઉપયોગ કરી શકશે નહી. મુક્ત ન્યાયી અને પારદર્શક પ્રક્રિયા માટે પોસ્ટલ બેલોટનો દૂરુપોગ ઓછામાં ઓછો થાય તેના માટે આ પગલું લેવાયું છે. કાયદો અને ન્યાય મંત્રાલય સમક્ષ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ ગુમાર અને ચૂંટણી કમિશ્નર અનુપ ચંદ્ર પાંડેએ જણાવ્યું છે કે આ દરખાસ્ત માટે ચૂંટણી સંચાલન નિયમ ૧૯૬૧ના નિયમ ૧૮માં સુધારો કરવો પડશે. સંસદીય ચૂંટણી દરમિયાન દેશમાં લગભગ દસ લાખ પોલિંગ બૂથ હોય છે અને તેમા એક કરોડ  કર્મચારીઓ ચૂંટણી ફરજ પર હોય છે. તેમા પોલીસ, ચૂંટણી અધિકારીઓ અને પ્રિસાઇડિંગ ઓફિસર સહિત અન્યોનો સમાવેશ થાય છે. 

- ઇન્દર સાહની

City News

Sports

RECENT NEWS