દિલ્હીની વાત : રાહુલ વર્સીસ થરૂર કરી કુલડીમાં ગોળ ભંગાશે


નવીદિલ્હી : કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડવા આડે ગણીને બે દિવસ બચ્યા છે ત્યારે રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાના ઠરાવનો મારો શરૂ થઈ ગયો છે. બીજી તરફ કુલડીમાં ગોળ ભાંગ્યો એવું ના લે એટલે શશિ થરૂરને પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવા સોનિયા ગાંધીએ કહ્યું હોવાના પણ અહેવાલ છે. તાજેતરમાં થરૂર અને સોનિયા મળ્યાં ત્યારે સોનિયાએ આ વિનંતી કર્યાનું કહેવાય છે.

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટેનું જાહેરનામું ૨૩ સપ્ટેમ્બરે બહાર પડે એ પહેલાં, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, બિહાર, મહારાષ્ટ્ર, મુંબઈ અને તમિલનાડુ કોંગ્રેસ કમિટીએ રાહુલ ગાંધીને પ્રમુખ બનાવવાનો ઠરાવ પાસ કર્યો છે. 

કોંગ્રેસમાં હજુ સુધી કોઈ નામ પર સહમતિ થઈ નથી. સૂત્રોનો દાવો છે કે, પક્ષમાં સંપૂર્ણ લોકશાહી છે એ બતાવવા સોનિયા પણ ચૂંટણી થાય એવું ઈચ્છે છે તેથી થરૂરને વિનંતી કરી છે.

રાહુલે ગાંધી ચૂંટણી લડશે કે નહીં તે નક્કી નથી. રાહુલે જાહેરાત કરી છે કે, આ અંગે હું પછી વાત કરીશ.  મેં નિર્ણય લઈ લીધો છે, મારા મનમાં કોઈ ભ્રમ નથી.

યોગીએ જ પોતાનું મંદિર બનાવડાવ્યાની ચર્ચા

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં યોગી આદિત્યનાથનું મંદિર બનતાં ભાજપમાં જ ઘણાંનાં ભવાં ખેંચાયાં છે. અયોધ્યામાં ભરતકુંડ પાસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બનાવવામાં આવ્યું છે. પ્રભાકર મૌર્ય નામના યુવકે આ મંદિર બનાવ્યું છે. ભાજપમાં તેની સામે કચવાટ છે તેનું કારણ એ છે કે, યોગીને ભગવાન રામના અવતારમાં દેખાડવામાં આવ્યા છે. યોગીની મૂર્તિના હાથમાં ધનુષ અને બાણ પણ છે. આ મંદિરમાં રોજ સવાર-સાંજ પૂજા અને આરતી થાય છે.

આ મંદિર બનાવનારો પ્રભાકર યુટયૂબર છે. યોગી માટે અત્યાર સુધીમાં ૫૦૦થી વધારે ગીત ગાઈ ચૂકેલા પ્રભાકરે રાજસ્થાનથી ખાસ ઑર્ડર કરીને યોગીની મૂર્તિ બનાવડાવી છે. પ્રભાકર માને છે કે યોગી રામ અને કૃષ્ણના અવતાર હોવાથી સનાતન ધર્મનો પ્રચાર કરે છે.

ભાજપમાં એવી પણ ટીકા થઈ રહી છે કે, યોગીએ જ અંદરખાને પોતાનું મંદિર બનાવડાવવાની ગોઠવણ કરી છે.

પ્રભાકરનો દાવો છે કે, ચેનલમાંથી થનારી કમાણીથી તેણે આ મંદિર બનાવડાવ્યું છે પણ વાસ્તવમાં યોગીના સમર્થકોએ ફંડ આપ્યું છે. મંદિરના નિર્માણ સામેનો ગામલોકોનો વિરોધ આ કારણે જ શમી ગયો હતો.

મહેબૂબાનું રાજકીય ફાયદા માટે મુસ્લિમ કાર્ડ

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની શક્યતા લાગતાં જ પ્રાદેશિક પક્ષો મેદાનમાં આવ્યા છે અને મુસ્લિમ કાર્ડ રમવા માંડયાં છે. તેના ભાગરૂપે પીડીપી પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સામે મોદી સરકારના ઈશારે હિન્દુત્વનો એજન્ડા ચલાવવાનો આરોપ મૂક્યો છે. મહેબૂબા મુફતીએ કુલગામની એક શાળાનો વીડિયો પણ શેર કર્યો કે જેમાં બાળકો 'રઘુપતિ રાઘવ રાજા રામ' ગાય છે.

મુફતીએ આ પોસ્ટ સાથે કોમેન્ટ પણ કરી છે કે, મુસ્લિમ ધર્મગુરુઓને જેલમાં બંધ કરવા, જામા મસ્જિદને તાળા મારવા અને શાળામાં બાળકોને હિન્દુ ભજન શીખવવાં એ દર્શાવે છે કે ભારત સરકાર કાશ્મીરમાં હિન્દુત્વનો એજન્ડા ચલાવી રહી છે. અમે બદલાઈ રહેલા 'જમ્મુ કાશ્મીર'નો માર સહન કરી રહ્યા છીએ.

વિશ્લેષકોના મતે, મહેબૂબા રાજકીય ફાયદા માટે કાગનો વાઘ કરી રહ્યાં છે.  મહેબૂબાએ ૧૦૫ સેકન્ડનો વીડિયો શેર કર્યો તે દક્ષિણ કાશ્મીરના કુલગામની એક શાળાનો છે. ક્લાસરૂમમાં લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ ભજન ગાઈ રહ્યા છે. આ ભજન મહાત્મા ગાંધીને પ્રિય હતું તેથી ગવડાવાતું હતું. તેને હિંદુત્વના એજન્ડા સાથે કંઈ લેવાદેવા નથી.

કેપ્ટનને આવકારવા ટોચના નેતા હાજર નહીં

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા ત્યારે તેમને આવકારવા ભાજપના કોઈ ટોચના નેતા હાજર ના રહ્યા તેન કારણે કેપ્ટનના સમર્થકોમાં કચવાટ છે તો કોંગ્રેસ કેપ્ટનની મજાક ઉડાવી રહ્યાં છે. નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કેપ્ટનને પાર્ટીમાં આવકાર્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજૂ પણ હાજર રહ્યા હતા.

સામાન્ય રીતે સેલિબ્રિટી કે ટોચના નેતા ભાજપમાં જોડાય ત્યારે જે.પી. નડ્ડા તેમને આવકારે છે પણ કેપ્ટનને આવકારવા સંગઠનમાંથી કોઈ હાજર નહોતું. ભાજપનાં સૂત્રોનું માનવું છે કે, કેપ્ટનનો ભૂતકાળનો રેકોર્ડ વિશ્વાસપાત્ર નથી તેથી ટોચના નેતા કેપ્ટનને આવકારવાથી દૂર રહ્યા છે.

કેપ્ટને પોતાની 'પંજાબ લોક કોંગ્રેસ'નો પણ ભાજપમાં વિલય કરી દીધો છે. કેપ્ટનની સાથે પંજાબ મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ બલબીર રાણા સોઢી, તેમજ ભૂતપૂર્વ ધારાસભ્યો હરચાંદ કૌર, હરજીંદર સિંહ ઠેકેદાર અને પ્રેમ મિત્તલ પણ ભાજપમાં જોડાયા છે.

કેપ્ટન અમરિંદર સિંહ કરોડરજ્જુના ઓપરેશન માટે વિદેશ ગયા હતા. બીજી બાજુ ભાજપમાં ૭૦ વર્ષથી મોટી ઉંમરનાઓને પદ ન આપવાનો આગ્રહ રખાય છે ત્યારે ૮૦ વર્ષના અમરિન્દરને હવે ક્યાં રાખશે તે અંગે જેટલા મોંઢા તેટલી વાતો ચાલી રહી છે.

મિત્રાની ભાજપ પર બોમ્બ ફેંકાવવાની ધમકી

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રાએ ભાજપને ખુલ્લી ધમકી આપીને વિવાદ સર્જ્યો છે. મિત્રાએ કહ્યું કે, ૧૩ સપ્ટેમ્બરે સચિવાલય માર્ચમાં સામેલ ભાજપના કાર્યકરોને પાઠ ભણાવવામાં તેમને માત્ર ૧૦ મિનિટ લાગશે. એક બાઈક પર બે છોકરા મોકલીને બે-ચાર દેશી બોમ્બ ફેંકાવીશું તો મોટી-મોટી વાતો કરનારા લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળશે. ભાજપનું કહેવું છે કે, મિત્રાની વાતો પરથી તૃણમૂલનો સાચો ચહેરો લોકો સામે ખુલ્લો પડી ગયો છે.

મિત્રાએ પોતાના મતવિસ્તાર કમરહાટીમાં એક જાહેર સભામાં હુંકાર કર્યો કે,  અમે ભાજપને એટલું જ કહેવા માંગીએ છીએ કે તૃણમૂલ કોંગ્રેસ ભવિષ્યમાં શું કરી શકે છે, તેનો તેમને અંદાજ પણ નથી.

મિત્રાને પોતાની વાતનું રેકાર્ડિંગ થઈ રહ્યું છે તેનો ખ્યાલ આવતાં તેમણે ટોન બદલીને કહ્યું કે, અમે એ  હદ સુધી જઈશું નહીં કેમ કે હિંસા સામે હિંસાનો કોઈ અર્થ નથી  અને એવું કરવું પણ ઉચિત નથી. તૃણમૂલ કોંગ્રેસ વિકાસ ઈચ્છે છે, હિંસા નહીં. અમારી પાર્ટી પ્રેમ અને કરૂણાની ભાષા બોલે છે, નફરતની નહીં.

ચંદીગઢ કાંડમાં પોલીસની ભૂમિકા સામે સવાલો

ચંદીગઢની હોસ્ટેલમાં બનાવાયેલા વીડિયોને મુદ્દે ચંદીગઢ પોલીસનું ઢીલું વલણ જોતાં શંકાઓ પેદા થઈ રહી છે. ચંદીગઢ પોલીસ કેન્દ્ર સરકારના તાબા હેઠળ કામ કરે છે કેમ કે ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ કાંડમાં મોટાં માથાં સામેલ હોવાથી તેમને છાવરવામાં આવી રહ્યા હોવાની શંકાઓ પેદા થઈ રહી છે.

હોસ્ટેલમા નહાતી ૬૦ જેટલી છોકરીઓનો વીડિયો હોસ્ટેલમા જ રહેતી એક છોકરીએ ઉતારીને પોતાના બોયફ્રેન્ડને મોકલ્યો હતો. જો કે આ વીડિયો શા માટે બનાવવામાં આવ્યો અને  શા માટે કોઈને મોકલવામાં આવ્યો તે અંગે ચાર દિવસ થવા છતાં પોલીસ પાસે નક્કર જવાબ નથી તેથી ચંદીગઢ પોલીસ આ ઘટનામાં મોટાં માથાંને બચાવવા માટે ભીનું સંકેલી રહી હોવાની શંકા પેદા થઈ રહી છે.

આ ઘટનામાં  યુનિવર્સિટીએ પણ પહેલાં તો આવું કશું બન્યું જ નથી એમ કહીને મીડિયાને ભગાડયું હતું. મીડિયામાં વાત આવી જતાં પરાણે પૂછપરછ કરીને રિપોર્ટ પોલીસને આપવામાં આવ્યો હતો. તેના આધારે બે યુવકની ધરપકડ કરાઈ પણ પછી કશું થયું નથી.

City News

Sports

RECENT NEWS