For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : બંગાળની હિંસા માટે ભાજપને કાર્યકરો પર ગર્વ

Updated: Sep 18th, 2022

Article Content Image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સરકારના મંત્રી પાર્થ ચેટરજીના ભ્રષ્ટાચાર સામેના વિરોધ વખતે થયેલી હિંસાનો મુદ્દો ગાજી રહ્યો છે. આ માહોલમાં ભાજપના સાંસદ બ્રિજલાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે, ભાજપના કાર્યકરો માટે અમને ગર્વ છે.

ભાજપના કાર્યકરોએ નબન્ના માર્ચ દરમિયાન હિંસા આચરી હતી. પોલીસની કારને પણ આગ લગાવી દીધી હતી ને તેના વીડિયો ફરી રહ્યા છે. પોલીસ અધિકારીમાંથી સાંસદ બનેલા બ્રિજલાલ આ હિંસાની ટીકા કરવાના બદલે ભાજપના સાંસદો માટે ગર્વ અનુભવી રહ્યા છે તેની ટીકા થઈ રહી છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, ભાજપના કાર્યકરોએ એવું તે શું પરાક્રમ કર્યું કે તમને ગર્વ થાય છે ? ભાજપ હાઈકમાન્ડે બ્રિજલાલ ઉપરાંત સુનિલ જાખડ, કે.સી. રામમૂર્તિ, સમીર ઓરીયાન, ડો. સત્યપાલસિંહ, અપરાજીતા સારંગી, કર્નલ રાજ્યવર્ધનસિંહના પ્રતિનિધી મંડળને કોલકાત્તા મોકલ્યું છે કે જે હિંસામાં ઘાયલ ભાજપ કાર્યકરોને મળીને રીપોર્ટ તૈયાર કરશે. બંગાળ ભાજપના ચાર નેતાઓને તેમને માર્ગદર્શન આપવા માટે નિમવામાં આવ્યા છે. તેમાં દિલિપ ઘોષ નથી તેનો પણ વિવાદ ઉભો થયો છે.

આપના ખાન પાસેથી પિસ્તોલો મળતાં લાંબા જશે

દિલ્હી વકફ બોર્ડમાં નાણાંકીય ગેરરીતિના કેસમાં દિલ્હી પોલીસના એન્ટી કરપ્શન બ્યૂરો (છભમ્)એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરતાં ભાજપ અને આપ વચ્ચેની લડાઈ ઉગ્ર બની છે. એસીબીએ અમાનતુલ્લાહ ખાનની પૂછપરછ કર્યા બાદ તેમના ઘર અને ચાર અન્ય સ્થળે પાડેલા દરોડામાં બે ઠેકાણેથી ગેરકાયદેસર પિસ્તોલ અને ૨૪ લાખ રોકડા મળ્યા છે. આ પૈકી એક પિસ્તોલ વિદેશી છે અને તેનું લાયસન્સ નથી.

ખાનના પરિવારજનોએ  એસીબીની ટીમ અને પોલીસ  પર હુમલો કરતાં પોલીસે વધુ ત્રણ એફઆઈઆર નોંધતાં ખાન લાંબા જશે એ નક્કી થઈ ગયું છે. એસીબી ઓફિસમાં લોકઅપ ન હોવાથી અમાનતુલ્લાહ ખાનને શુક્રવારે રાત્રે પાસે જ આવેલા સિવિલ લાઈન પોલીસ સ્ટેશન લોકઅપમાં રખાયા હતા. પોલીસ સ્ટશનની બહાર પણ મોટી સંખ્યામાં ટોળાં એકઠાં થતા તણાવનો માહોલ થઈ ગયો હતો.

આપનું કહેવું છે કે, અમાનતુલ્લાહ ખાન સામેના આક્ષેપોમાં કોઈ દમ નથી. ભાજપ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજકીય હરીફોને પરેશાન કરે છે તેનું આ વધુ એક ઉદાહરણ છે.

આઝાદ પછી કરણસિંહ પણ કોંગ્રેસ છોડવાના મૂડમાં

જમ્મુ અને કાશ્મીરમાં ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી દીધી તેનો આઘાત શમ્યો નથી ત્યાં વધુ એક દિગ્ગજ નેતા ડો. કરણસિંહે કોંગ્રેસ છોડી દેવાનો સંકેત આપ્યો છે. ડો. કરણસિંહે ભાજપનાં વખાણ કરતાં ભાજપમાં જોડાશે એવું લાગે છે.

જમ્મુ અને કાશ્મીરના છેલ્લા મહારાજા હરિસિંહના પુત્ર ડો. કરણસિંહે પોતાના પિતાના જન્મદિને સરકારી રજા જાહેર કરવા બદલ મોદી સરકારનો આભાર માન્યો. કરણસિંહે કટાક્ષ પણ કર્યો કે, આ માંગ વરસોથી કરાઈ રહી હતી પણ કોઈને સરકારી રજા જાહેર કરવાનું ના સૂઝયું.

ડો. કરણસિંહે કહ્યું કે, કોંગ્રેસ સાથે તેમના સંબંધો છેલ્લાં કેટલાકં વરસોથી લગભગ ઝીરો છે. છેલ્લાં આઠ-દસ વરસથી કોંગ્રેસ સાથે કોઈ સંપર્ક જ નથી. ડો. કરણસિંહને દસેક વર્ષ પહેલાં સીડબલ્યુસીમાંથી પડતા મૂકાયા પછી રાજકીય રીતે નિષ્ક્રિય છે. ડો. કરણસિંહ છેક ૧૯૬૭થી કોંગ્રેસમાં છે એ જોતાં કોંગ્રેસ છોડશે તો વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર પડશે. રાજપૂત સમાજ ડો. કરણસિંહને બહુ માન આપે છે તેથી ભાજપને ફાયદો થશે. સિંહના પુત્રો અજાતશત્રુ અને વિક્રમાદિત્ય પણ રાજકારણમાં છે.

કેપ્ટન ભાજપને બે લોકસભા બેઠકોનો ફાયદો કરાવશે

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનો ભાજપ પ્રવેશનો તખ્તો તૈયાર છે. કેપ્ટન ૧૯ સપ્ટેમ્બરે પંજાબના છ ભૂતપૂર્વ મંત્રી સાથે ભાજપમાં જોડાશે. સાથે જ અમરિંદરના પ્રાદેશિક પક્ષ પંજાબ લોક કોંગ્રેસનું પણ ભાજપમાં વિલય થઇ જશે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભાજપ કેપ્ટન અમરિન્દસિંહને પંજાબ પ્રદેશ પ્રમુખની કમાન સોંપીને લોકસભાની ચૂંટણીમાં છૂટો દોર આપશે.

પંજાબમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ અશ્વિની શર્માની મુદત પૂરી થવાની તૈયારીમાં છે તેથી ભાજપે નવા પ્રમુખ શોધવા જરૂરી છે. કેપ્ટન તેને માટે શ્રેષ્ઠ પસંદગી હોવાનું મનાય છે. પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય થયા પછી કેપ્ટન અને તેમની નજીકનાં લોકોને પંજાબમાં મુખ્ય જવાબદારી સોંપવામાં આવશે.

ભાજપ હાઈકમાન્ડનું માનવું છે કે, કેપ્ટન ભાજપમાં જોડાય તો ભાજપ લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતી શકે છે. ૨૦૧૯માં હિંદુ બહુમતીવાળા બે લોકસભા મતવિસ્તારોમાંથી ભાજપના ઉમેદવારો જીત્યા હતા. ગુરદાસપુરમાંથી સન્ની દેઓલ અને હોશિયારપુપરમાંથી સત્યપ્રકાશ ભાજપના સાંસદો છે. કેપ્ટન પતિયાલા અને આનંદપુર સાહિબ ભાજપને જીતાડી શકે છે. ભાજપ પાસે પંજાબ વિધાનસભામાં હાલમાં બે જ બેઠકો છે. તેમાં પણ ભવિષ્યમાં વધારો થઈ શકે છે.

***

કોંગ્રેસે ચિત્તા પ્રોજેકટ અંગે મોદીની ઊંઘ ઉડાડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામિબિયાના આયાતી આઠ (પાંચ માદા અને ત્રણ નર) ચિત્તાઓને એમને માટે ખાસ બનાવાયેલા પિંજરામાં છોડતા પાર્કની બહાર ઉત્સવનો માહોલ છવાયો હતો. આ સાથે દેશમાંથી ૭૦ વર્ષો અગાઉ લુપ્ત થઇ ગયેલી (ચિત્તાની) પ્રજાતિનું  દેશમાં પુનરાગમન  થયું છે. મોદીએ જણાવ્યું કે આ કાર્યક્રમથી પ્રવાસન વધશે. જો કે મોદીએ આ તકે દેશમાંથી ચિત્તા નામશેષ થયા પછી તત્કાલીન શાસક પક્ષ કોંગ્રેસે એ દિશામાં કશું હકારાત્મક કાર્ય કર્યું નહિ એ મતલબના કોંગ્રેસ પર કરેલા દોષારોષણનો કોંગ્રેસે જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસે મોદીના પાયાહીન આક્ષેપને ફગાવી દેતા, ૨૦૧૦ના ચિત્તા પ્રોજેકટનો યશ કોંગ્રેસ પક્ષને ઘટતો હોવાનું જણાવ્યું. ૨૦૧૦માં કેન્દ્રમાં ડો. મનમોહનસિંઘના નેતૃત્વમાં કોંગ્રેસ સરકાર હતી, જેણે ૨૦૦૮-'૦૯માં ચિત્તા પ્રોજેકટને માન્ય કર્યો હતો. એ કામની પ્રગતિ માટે તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશ એપ્રિલ, ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકાની મુલાકાતે ગયા હતા, એમ કોંગ્રેસે ટ્વિટ દ્વારા મોદીને પરખાવ્યું.

હૈદરાબાદ મુક્તિ દિવસે ભાજપ- TRS સામસામે

૧૭ સપ્ટેમ્બર, તેલંગાણાના પાટનગર હૈદરાબાદનો મુક્તિ દિવસ છે. ભાજપ અને તેલંગાણાના શાસક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ - બંનેએ હૈદરાબાદમાં એની ઉજવણીઓ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના પરેડ ગ્રાઉન્ડ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો એની થોડી જ મિનિટો પછી રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પણ ધ્વજને સલામી આપી અને તેલંગાણા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવ્યો. રાજ્ય સરકારે આ પ્રસંગે ત્રણ દિવસનો ઉજવણી-કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારત આઝાદ થયું એના લગભગ એક વર્ષ પછી ૧૭ સપ્ટેમ્બર, ૧૯૪૮ના દિવસે તત્કાલીન શાસક નિઝામના શાસન હેઠળ રહેલું હૈદરાબાદ રાજ્ય ભારતીય સંઘમાં ભળ્યું હતું. ઐતિહાસિક રીતે નોંધપાત્ર એ બન્યું કે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની સમજાવટથી નહિ માનેલા નિઝામને ઝૂકાવવા માટે છેવટે સરદારે એમની સામે લશ્કર મોકલવું પડયું. એ પછી નિઝામ શરણે આવ્યા.

અમરિન્દરના પગલે શીખોમાં વધુ સ્થાન મળવાની ભાજપને આશા

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘ, આવતા સપ્તાહે એમના પક્ષ પંજાબ લોક કોંગ્રેસ (પીએલસી)નું ભાજપમાં વિલિનીકરણ કરી દઇ ભાજપમાં જોડાઇ જશે  એ નિશ્ચિત છે. પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રીપદેથી ખરાબ રીતે પદભ્રષ્ટ કરાયેલા કેપ્ટન અમરિન્દરસિંઘ (૮૦)એ કોંગ્રેસ છોડી દઇને નવા પીએલસી પક્ષની રચના કરી હતી. એમણે ૨ નવેમ્બર, ૨૦૨૧ના રોજ કોંગ્રેસ પક્ષનો ત્યાગ કરી એની સાથેના ૪૦ વર્ષ જૂના સંબંધનો અંત આણ્યો હતો. હવે, તેઓ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે. અમરિન્દર એ કામની પૂર્વ ભૂમિકારૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નડ્ડા સાથે બેઠકો યોજી રહ્યા છે. નિરીક્ષકોના મતે અમરિન્દરના સૂચિત નવા રાજકીય પગલાંથી કોંગ્રેસે ઝાઝી ચિંતા કરવાની જરૂર છે કારણ કે ભાજપ, અમરિન્દરના માધ્યમથી પંજાબમાં કોંગ્રેસના સ્થાને ગોઠવાવા માગે છે. ભાજપ ફક્ત પંજાબી હિંદુઓનો જ પક્ષ નથી, પરંતુ રાજ્યની શીખ પ્રજા પણ એની ટેકેદાર છે એમ પણ ભાજપ સાબિત કરવા માગતો હોવાનું નિરીક્ષકોએ ઉમેર્યું.

મદરેસા સર્વેના વિરોધ પાછળ કોમી રાજકારણ : નકવી

વરિષ્ઠ ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ લખનૌમાં ઉત્તરપ્રદેશ ભાજપ લઘુમતી મોરચા આયોજિત તાલીમ કાર્યક્રમના ત્રીજા અને અંતિમ દિવસે સંબોધન કરતા જણાવ્યું કે આપણે બધી મદરેસાઓ સામે શંકાભરી દ્રષ્ટિથી જોવું જોઇએ નહિ, પરંતુ સર્વેનો વિરોધ જ પ્રશ્ન પેદા કરે છે. જ્યારે કશું છૂપાવવા જેવું નથી ત્યારે સર્વેના કાર્યક્રમનો વિરોધ શા માટે ? કેટલાક તત્ત્વો ખોટા, તરકટી અને ઇસ્લામ  પ્રત્યેના અણગમાના પૂર્વગ્રહપ્રેરિત પ્રચાર દ્વારા ભારતને બદનામ કરવાની કોશિશ કરે છે. આપણે ભારતના સર્વસમાવેશક ચરિત્ર અને ભવ્ય સાંસ્કૃતિક વારસાને બદનામ કરવા માગતા કાવતરાઓ સામે સાવધ રહેવાનું છે, એમ નકવીએ ઉમેર્યું.

લાયબ્રેરીના ડિસ્પ્લે બોક્સમાંથી મોદી વિષેનું પુસ્તક હટાવાયું

કેરળની કેલિકટ યુનિવર્સિટીએ એની લાયબ્રેરીના ડિસ્પ્લે બોક્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષેના 'મોદી જ્ર  ૨૦ ડ્રીમ્સ મીટ ડિલિવરિ' પુસ્તકને હટાવી લીધું હોવાનો કેરળ પ્રદેશ ભાજપે આક્ષેપ કર્યો છે. યુનિવર્સિટીનું આ પગલું એનો પાકિસ્તાન તરફી અભિગમ દર્શાવે છે એમ પ્રદેશ ભાજપે ઉમેર્યું છે. કેરળ પ્રદેશ ભાજપ સમિતિના અધ્યક્ષ કે. સુરેન્દ્રને કહ્યું કે મોદી વિષેના પુસ્તકને હટાવાયું એ સાબિત કરે છે કે યુનિવર્સિટી રાષ્ટ્રવિરોધી બળો સામે ઝૂકી ગઇ છે. આ કામ, પાકિસ્તાન તરફી નવા  અભિગમને આગળ કરવાનું છે, જે દ્વારા યુનિવર્સિટીએ ભારતીય બંધારણ અને દેશની લોકતાંત્રિક પરંપરાની અવહેલના કરી છે, એમ સુરેન્દ્રને ઉમેર્યું.

- ઇન્દર સાહની

Gujarat