For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : કાશ્મીરમાં ભાજપ મહારાજાના નામને વટાવશે

Updated: Sep 17th, 2022

Article Content Image

નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં જીતવાન વ્યૂહરચનાના ભાગરૂપે  ભાજપ જમ્મુ અને કાશ્મીરને ભારતમાં ભેળવવાની જાહેરાત કરનારા છેલ્લા ડોગરા શાસક મહારાજ હરિસિંહના જન્મદિને સરકારી રજા જાહેર કરવાનું વચન આપી દીધું છે. ભાજપ સરકાર આ પહેલાં જમ્મુ અને કાશ્મીરના ભારતમાં વિલય દિવસ એટલે કે ૨૬ ઓક્ટોબરે સરકારી રજા જાહેર કરી ચૂક્યો છે.

જમ્મુ ડિવિઝનમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ઉપરાંત ગુલામ નબી આઝાદ પણ પડકારરૂપ બનશે એવો ભાજપને ડર છે. આ કારણે હિંદુઓના તમામ મત પોતાને મળે એટલે ભાજપ રાજા હરિસિંહના નામને વટાવવા માગે છે.

જમ્મુ ડિવિઝનમાં ડોગરા રાજપૂત સમાજની વસતી સૌથી વધારે છે. રાજપૂત સમાજે રાજા હરિસિંહના જન્મદિને રજાની માંગને મુદ્દે આંદોલનની ચેતવણી પણ આપી છે. આ ચેતવણીના પગલે દોડતા થયેલા ભાજપના સ્થાનિક નેતાઓએ જમ્મુના વરિષ્ઠ નાગરિકો અને વેપારી સંગઠનો સાથે બેઠક યોજી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ બેઠકમાં મહારાજાના જન્મદિને ૨૩ સપ્ટેમ્બરે  જેમ બને તેમ ઝડપથી રજાનું નોટિફિકેશન જાહેર કરાવવાનું વચન આપ્યું હતું. હવે કેન્દ્રની લીલી ઝંડીની રાહ જોવાઈ રહી છે.

પી.કે.એ નીતિશને સાપ સાથે સરખાવ્યા ?

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે નીતિશ કુમાર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર વચ્ચે પટનામાં બીજી બેઠક થઈ પછી પી.કે.ની ટ્વિટ ચર્ચાનો વિષય બન્યો છે. પી.કે.એ જાણીતા કવિ રામધારીસિંહ દિનકરની કવિતાની પંક્તિઓ મૂકીને લખ્યું છે કે, 'તેરી સહાયતા સે જય તો મેં અનાયાસ પા જાઉંગા. આનેવાલી માનવતા કો, લેકિન, ક્યા મુખ દિખલાઉંગા? આ ટ્વિટના કારણે પી.કે.એ સાપ કોને ગણાવ્યા એ સવાલ થઈ રહ્યો છે.

આ પંક્તિ મહાભારતમાં કર્ણ અને અશ્વસેન વચ્ચેનો સંવાદ છે.  અર્જુન અને કર્ણ વચ્ચેના યુદ્ધ વખતે સાપનો રાજા અશ્વસેન કર્ણના કંઠમાં હોય છે. અશ્વસેન કર્ણને કહે છે કે, મને ધનુષ્ય પર ચઢાવીને છોડી દો, હું અર્જુનને મારી નાખીશ. કર્ણ કહે છે કે, મને ખાતરી છે કે તમારી સહાયથી હું જીતી તો જઈશ પણ હું ભવિષ્યમાં માનવતાને શું મોઢું બતાવીશ?

વિશ્લેષકોનું માનવું છે કે, પી.કે.એ આડકતરી રીતે કહી દીધું છે કે નીતીશની સહાયથી પોતે રાજકીય કારકિર્દી બનાવવા નથી માંગતા.

શાહ સામે સ્ટાલિને ફરી બાંયો ચડાવી

હિન્દી દિવસે અમિત શાહે કરેલા નિવેદન સામે તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને ફરી વાંધો લીધો છે. સ્ટાલિને કહ્યું છે કે, ભાજપે ઈન્ડીયાને હિંદિયા બનાવવાના પ્રયત્ન બંધ કરવા જોઈએ. સ્ટાલિને હિંદી દિવસને બદલે ભારતીય ભાષા દિવસ મનાવવાની તરફેણ પણ કરી છે.

શાહે કહ્યું હતું કે, કેટલાક લોકો ખોટી વાતો ફેલાવી રહ્યા છે કે હિન્દી બીજી ભાષાઓની હરીફ છે પણ હિન્દી ક્યારેય અન્ય ભાષાની હરીફ બની ના શકે,  હિન્દી દેશની તમામ ભાષાઓની મિત્ર છે.

સ્ટાલિને જવાબ આપતાં કહ્યું છે કે, હિન્દી રાષ્ટ્રભાષા કે સત્તાવાર ભાષા નથી તેથી કેન્દ્ર સરકારે હિન્દી દિવસને બદલે ભારતીય ભાષા દિવસ મનાવવો જોઈએ. કેન્દ્રેબંધારણના આઠમા શેડયુલમાં સમાવાયેલી તમામ ૨૨ ભાષાઓને સત્તાવાર ભાષાઓ જાહેર કરીને આ ભાષાઓની ઉજવણી કરવી જોઈએ. સ્ટાલિને આક્ષેપ મૂક્યો કે, હિન્દીની તુલનામાં અન્ય ભાષાઓના વિકાસમાં બહુ ઓછા સંસાધનો ખર્ચવામાં આવે છે. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ કેન્દ્ર માત્ર હિન્દી અને સંસ્કૃતને જ પ્રોત્સાહન આપી રહ્યું છે તેના બદલે તમામ ભાષાને મહત્વ મળું જોઈએ.

ભગવંત માન ખોટો દાવો કરીને ફસાઈ ગયા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જર્મન કંપની બીએમડબલ્યુ પંજાબમાં રોકાણ કરશે એવો દાવો કરીને ફસાઈ ગયા છે.  માનનો દાવો હતો કે, બીએમડબલ્યુ પંજાબમાં ઓટો પાર્ટ્સ પ્લાન્ટ સ્થાપવાની છે અને તેને લગતી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. માનના દાવને કંપનીએ ખોટો ગણાવીને સત્તાવાર નિવેદન બહાર પાડીને કરીને કહ્યું છે કે, કંપનીની પંજાબમાં રોકાણની કોઈ યોજના નથી.

માને ટ્વિટ કરી હતી કે, વિશ્વની પ્રસિદ્ધ કાર કંપની બીએમડબલ્યુની હેડ ઓફિસમાં તેમના ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થઈ તેમાં કારના પાર્ટસ માટેનો મોટો પ્લાન્ટ પંજાબમાં સ્થાપવાની તૈયારી બતાવી છે. અત્યારે તેમનો એક પ્લાન્ટ ચેન્નઈમાં છે.

બીએમડબલ્યુએ માનના દાવાને ફગાવતાં  આમ આદમી પાર્ટીએ સ્પષ્ટતા કરવી પડી છે કે,  પ્લાન્ટ સ્થાપતાં પહેલા કેટલીક પ્રકિયા કરવી પડે છે. આ પ્રક્રિયા થઈ નથી તેથી કંપની ઈન્કાર કરી રહી છે. કંપનીનું પ્રતિનિધિમંડળ ૨૦૨૩ ફેબ્રુઆરીમાં પંજાબમાં ઈન્વેસ્ટ સમિટમાં આવશે ત્યારે સત્તાવાર જાહેરાત કરાશે. આપનાં સૂત્રો ખાનગીમાં કહી રહ્યાં છે કે, મોદી સરકારના દબાણના કારણે બીએમડબલ્યુએ પીછેહઠ કરવી પડી છે.

આપની માન્યતાનો રદ કરવાનો દાવ નહી ચાલે

આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે દેશના ૫૬ પૂર્વ સનદી અધિકારીઓએ ચૂંટણી પંચમાં રજૂઆત કરતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં એક પ્રેસ કોન્ફરન્સના તમામ સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટી માટે કામ કરવા હાકલ કરી હતી. કેજરીવાલની હાકલ  સનદી સેવાઓના નિયમોના ભંગ સમાન હોવાથી આપની માન્યતા રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. 

અધિકારીઓએ કેજરીવાલ પર 'ચૂંટણીમાં લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ' કરવાનો આક્ષેપ મૂક્યો છે.  કેજરીવાલે  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં આપને ફાયદો કરાવવા સરકારી અધિકારીઓને લાલચ આપવાનો કથિત પ્રયત્ન કર્યો  છે એવો તેમનો દાવો છે. કેજરીવાલે આમ આદમી પાર્ટીને જીત અપાવવા માટે કામ કરવા હોમગાર્ડ, પોલીસ, આંગણવાડી કાર્યકરો, એસ.ટી. કર્મચારીઓ સહિતનાં લોકોને હાકલ કરી હતી. કેજરીવાલ દ્વારા મફતમાં ચીજો તથા સેવાઓ આપવાની લાલચ અપાય છે તેનો પણ પત્રમાં ઉલ્લેખ છે.

બંધારણીય વિશ્લેષકોના મતે, આ મુદ્દે કોઈ પક્ષની માન્યતા હજુ સુધી રદ થઈ નથી કેમ કે ચૂંટણી જીતવા માટે ખોટાં વચનો આપવા પર કોઈ પ્રતિબંધ નથી. 

***

આવતીકાલે હૈદરાબાદમાં  KCR વિરૂધ્ધ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ બંને આવતીકાલે શનિવારે ૧૭ સપ્ટેમ્બરની અલગ-અલગ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ લહેરાવશે, જેના પરિણામે રાજ્યમાં આવતીકાલે સઘન અને સ્પર્ધાપૂર્ણ રાજકીય ગતિવિધિઓ ધમધમશે. કેન્દ્ર દ્વારા પ્રથમવાર ૧૭ સપ્ટેમ્બર હૈદરાબાદ સ્વતંત્રતા દિવસ રૂપે ઉજવાશે. અંગ્રેજોના જમાનામાં હૈદરાબાદના શાસક રહેલા નિઝામનું એ હૈદરાબાદ રાજ્ય, દેશ આઝાદ થયો એના વર્ષ કરતાં લાંબા ગાળે, આ દિવસે (૧૭ સપ્ટેમ્બરે) ભારતીય સંઘમાં ભળી ગયું હતું. બીજી બાજુ તેલંગાણા રાજ્યે ૧૭ સપ્ટેમ્બરને 'તેલંગાણ એકતા દિવસ' રૂપે ઉજવવાનું નક્કી કરી ત્રણ દિવસીય ઉજવણી ઘોષિત કરી છે. ૨૦૨૪ ની આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપને પડકારવા વિપક્ષોને ભેગા કરવા મથી રહેલા રાવ અથવા કેસીઆર તરફથી આ એક મહત્વપૂર્ણ સંદેશો છે. કેસીઆર અને એમનો પક્ષ ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) કેન્દ્રની ઉજવણીને શંકાભરી નજરે નિહાળે છે. રાવને ભાજપની ઉજવણી પાછળ એનો વિભાજક ચહેરો દેખાય છે.

પાક.ને અમેરિકી લશ્કરી મદદથી ભારત સાવધાન

ત્રાસવાદ સામે લડવાના બહાને વાસ્તવમાં જેનો ઉપયોગ ભારત વિરૂધ્ધ લશ્કરી તાકાત વધારવા માટે થઇ રહ્યો છે એવી, ભારતના પશ્ચિમી પડોશી પાકિસ્તાનના હવાઇ દળના એફ-૧૬ ફાઇટર વિનાનોના કાફલાને સંગીન બનાવવા માટે ગયા સપ્તાહે ૪૫ કરોડ ડોલરની કરાયેલી અમેરિકી મદદથી વધુ ધ્યાન, અમેરિકાએ એ મુદ્દે ફરી એકવાર ભારતની ચિંતાને કેવી એક તરફ હડસેલી દીધી છે એ તરફ ખેંચાયું છે અમેરિકા, અફઘાનિસ્તાન સહિતના આ પ્રદેશ (દક્ષિણ એશિયા) તરફના એના પોતાના ભૂ-રાજકીય અભિગમને આગળ રાખીને ચાલે છે અને પાકિસ્તાનને એના એફ-૧૬ ફાઇટર વિમાનોના સમર્થનમાં મદદ પૂરી પાડતી વખતે, પાકિસ્તાનને આવી લશ્કરી સહાય અંગે ભારતની ખૂબ જાણીતી વિરોધની નીતિને જરા સરખી ધ્યાનમાં લીધી નથી. એમ એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું. પાકિસ્તાન, ત્રાસવાદીઓ માટે સલામત ગણાયેલી એની ધરતી પર વકરેલા આતંકવાદ સામે પગલાં લેવામાં નિષ્ક્રિય રહેતું હોવાના આક્ષેપસહ અમેરિકાના પૂર્વ, ટ્રમ્પ વહીવટી તંત્રે ૨૦૧૮ માં સંરક્ષણ સહાય અટકાવી દીધી હતી. પાકિસ્તાનને અટકાવી દીધેલી એ સંરક્ષણ સહાય પછી આ પાકિસ્તાનને કરાયેલી પ્રથમ વારની મોટી અમેરિકી સૈન્ય સહાય છે.

પંજાબમાં આપ સભ્યોની ખરીદી : ભાજપની તપાસ-માગ

ભાજપમાં જોડાવા માટે આપના ધારાસભ્યોને ભાજપ દ્વારા પૈસાની લાલચ અપાઇ રહી હોવાના આપના આક્ષેપ અંગે ભાજપે ગુરૂવારે પંજાબ હરિયાણા હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ દ્વારા તપાસની માગણી કરી છે. પંજાબ પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ અશ્વની શર્માના નેતૃત્વમાં ભાજપના પ્રતિનિધિ મંડળે પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને મળીને ઉપરોક્ત મુદ્દે ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી છે. આમ આદમી પાર્ટી પંજાબમાં એના ચૂંટણી-વચનોને પૂરા કરી શકી નથી એટલે એના નેતાઓ ભાજપ એના ધારાસભ્યોને ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યો હોવાના નિવેદનો કરી લોકોનું ધ્યાન બીજે વાળવા માટે કોશિશ કરી રહ્યા છે, એમ ભાજપે કહ્યું.

સીએમના બિનલાયક સગાઓની નિમણુંક નહિ

કેરળના રાજ્યપાલ આરિફ મહંમદ ખાનની સહીની રાહ જોતું યુનિવર્સિટીઝ લો એમેન્ડમેન્ટ બિલ (વિશ્વવિદ્યાલય કાનૂન સુધારા ખરડો) એમના ટેબલ પર પેન્ડિંગ છે. શું તેઓ આ ખરડા પર સહી કરશે એવો પ્રશ્ન એમને ગુરૂવારે પૂછાતા ખાને જણાવ્યું કે એમને  લાગે છે કે ખરડાનો હેતુ રાજ્યના મુખ્યમંત્રી અને પ્રધાનોના અશિક્ષિત સગાંઓને યુનિવર્સિટીઓમાં નોકરી માટે ભરતી કરવાનો છે. તેઓ મુખ્યમંત્રી પિનારાયી વિજયનના અશિક્ષિત સગાંઓની યુનિવર્સિટીઓમાં નિમણૂંક માટે પરવાનગી આપશે નહિં. હું રબર સ્ટેમ્પ (રાજ્યપાલ) નથી હું મારૂં મગજ ચલાવીશ, મારૂં પોતાનું તારણ કાઢીશ અને એ પછી નક્કી કરીશ કે કાનૂન, બંધારણ અને પ્રણાલી અનુસાર શું કરવું ઘટે?

પાકના ઠૂંઠા નહિ બાળવાના પૈસા અપાશે નહિ

પંજાબ અને દિલ્હીના ખેડૂતો શિયાળામાં ડાંગરની ફસલમાંથી ચોખા કાઢી લીધા પછી બળેલા ઠુંઠાંને બાળી દે છે. આના પરિણામે દિલ્હી અને આસપાસના વિસ્તારોની પ્રજાને અતિશય પ્રદૂષણની આકરી પીડા દર વર્ષે ભોગવવી પડે છે. આથી પંજાબ અને દિલ્હીની રાજ્ય સરકારોએ ખેડૂતોને ઠૂંઠાં નહિ બાળવા સામે પ્રોત્સાહન રૂપે રોકડ રકમ આપવાનું નક્કી કર્યું હતું. જોકે હવે સરકારોએ એ વિચાર પડતો મૂક્યો છે. કારણ એવું છે કે કેન્દ્ર સરકારે પંજાબ અને દિલ્હી સરકારોની સંયુક્ત દરખાસ્તને ફગાવી દીધી છે. બન્યું એવું કે પંજાબ અને દિલ્હીની રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોને અપાનારી ઉપરોક્ત એકરદીઠ ૨૫૦૦/- રૂપિયાની પ્રોત્સાહન- રકમમાં ૧૫૦૦ રૂપિયા કેન્દ્ર સરકાર આપે, જ્યારે બંને રાજ્યો (પંજાબ અને દિલ્હી) ૫૦૦-૫૦૦ રૂપિયાનું યોગદાન કરે એવી વાત હતી, પરંતુ કેન્દ્ર એના હિસ્સે ફાળવાયેલા ૧૫૦૦ રૂપિયા આપવા માગતું નથી. આથી પંજાબના કૃૃષિ મંત્રી કુલદીપસિંઘ ધાલીવાલને રોકડ પ્રોત્સાહન યોજના વિષે પ્રશ્ન કરાતા એમણે જવાબમાં કહ્યું કે જ્યારે કેન્દ્ર સરકાર એ કામ માટે કોઇ ચૂકવણું કરવા તૈયાર નથી, તો અમે (એકલા) કેવી રીતે પૈસા ચૂકવીએ?

- ઇન્દર સાહની

Gujarat