For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : મોદીની સુરક્ષામાં ચૂક, હવે ભાજપના નેતા કેમ ચૂપ ?

Updated: Jan 14th, 2023

Article Content Image

નવીદિલ્હી : કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક થઈ એ મુદ્દે ભાજપની ચૂપકીદી બદલ લોકો ભાજપના નેતાઓના માથે માછલાં ધોઈ રહ્યા છે.  આ ઘટના બની તે કેટલી ગંભીર છે તનો ખ્યાલ તેમને આવતો નથી. આ ઘટના બની તે અગાઉ ભૂતપૂર્વ રાજીવ ગાંધીના કિસ્સામાં પણ તેમની મહિલા પ્રશંસકને હાથ પહેરાવવા દેવા બનેલી ઘટનાનું પરિણામ આપણી સમક્ષ છે. શું વડાપ્રધાનનો અંગત સિક્યોરિટી સ્ટાફે ત્રીસ વર્ષે હજી પણ તે ઘટનામાંથી કોઈ ઘડો લીધો નથી. સદનસીબે તેના પછી અત્યાર સુધી કોઈ અઘટિત ઘટના બની નથી, પરંતુ એટલે શું તેની રાહ જોવાની. આ પ્રકારની ઘટના બને તેની પૂર્વતકેદારી કેમ ન સેવી શકાય. વડાપ્રધાનના અંગત સિક્યોરિટી સ્ટાફે તેમની સલામતીનું કાર્યક્ષેત્ર વધારે ચોકસાઇવાળુ બનાવવું જરૂરી છે. પીએમની સુરક્ષામાં આ પ્રકારની બેદરકારી જરા પણ ન ચાલે. પીએમની સલામતી વ્યવસ્થામાં આ પ્રકારના છીંડા કોઈપણ સંજોગોમાં ન ચલાવી લેવાય. વાસ્તવમાં પીએમની સલામતી ચૂકની દરેક ઘટનાને ગંભીર ક્ષતિ જ ગણવી જોઈએ. 

હુબલીમાં મોદી યુવા ઉત્સવ કાર્યક્રમનું ઉદઘાટન કરવા પહોંચ્યા એ પહેલાં રોડ શો કર્યો હતો. એ વખતે એક યુવક દોડીને માળા લઈને તેમની એકદમ નજીક પહોંચી ગયો હતો અને મોદીને માળા પહેરાવવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કમાન્ડોએ યુવકને અટકાવી દીધો હતો પણ આ ઘટના ગંભીર છે.આ યુવકે જણાવ્યું હતું કે તે વડાપ્રધાન મોદીનો જબરજસ્ત પ્રશંસક છે. તેણે જણાવ્યું હતું કે અમારા માટે તે ભગવાન જેવા છે. હું તેમના ભાષણોથી પ્રભાવિત છું. 

અંજલિ કેસમાં પોલીસોને બલિના બકરા બનાવાયા

દિલ્હીના ચકચારી અંજલિ હત્યા કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બેદરકારી દાખવનારા ત્રણ પોલીસોને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે. આ ઘટના વખતે પીસીઆર વાનના ત્રણ પોલીસે બેદરકારી દાખવી એ બદલ ત્રણેયને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત  આ વિસ્તારના ડીસીપી પાસે કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતી અંગે ખુલાસો મંગાયો છે. ડીસીપી  યોગ્ય જવાબ ન આપે તો તેમની સામે પણ કાર્યવાહી કરવા ફરમાન કરાયું છે.

ગૃહ મંત્રાલયના ફરમાનના કારણે પોલીસ તંત્રમાં ગણગણાટ છે કે, નાના કર્મચારીઓને બલિના બકરા બનાવીને સરકાર કામગીરી કર્યાનું સાબિત કરવા મથી રહી છે. પોલીસે પહેલાં કશું ના કર્યું તેનું કારણ ભાજપના નેતાની સંડોવણી હોવાથી વગદાર લોકો તરફથી આવેલા ફોન હતા. ગૃહ મંત્રાલયે તેની પણ તપાસ કરાવીને પગલાં લેવાં જોઈએ.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાન્યા દલાલે જોઈન્ટ પોલીસ કમિશનરને સવારે મળેલા પીસીઆર કૉલ્સ પર કાર્યવાહી કરવામાં વિલંબ કેમ થયો તેનો રીપોર્ટ માંગ્યો છે. આ વિલંબ ઉપરથી આપેલા ફોનના કારણે થયાનું મનાય છે.

સેક્સ ટ્રાફિકર 'સેન્ટ્રો રવિ' ભાજપનો કાર્યકર

કર્ણાટકમાં સેક્સ ટ્રાફિકર કે.એસ. મંજુનાથ ઉર્ફે  'સેન્ટ્રો રવિ'  અંગે ભૂતપૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કરેલા ધડાકાએ કર્ણાટકના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.  કુમારસ્વામીનો આક્ષેપ છે કે, 'સેન્ટ્રો રવિ' ભાજપનો કાર્યકર છે અને આ વાત તેણે સત્તાવાર રીતે પોલીસને જણાવી હતી. 'સેન્ટ્રો રવિ' એ બેંગલુરુના રાજરાજેશ્વરી નગર પોલીસ સ્ટેશનને પત્ર લખીને દાવો કર્યો હતો કે, પોતે ભાજપનો સક્રિય કાર્યકર છે.  પોલીસ સ્ટેશનમાં 'સેન્ટ્રો રવિ' સામે મની ટ્રાન્સફરમાં છેતરપિંડીની ફરિયાદ થઈ ત્યારે 'સેન્ટ્રો રવિ'એ પોલીસને લખેલા  પત્રમા ટોચના નેતાઓ સાથેની તેની ઓળખાણનો ઉલ્લેખ કર્યો હતો.

'સેન્ટ્રો રવિ' વગદાર લોકોને છોકરીઓ પૂરી પાડતો હોવાના આક્ષેપોના કારણે ચર્ચામાં છે. મંજુનાથે ઘણા રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને હાઈ-પ્રોફાઈલ ક્લાયન્ટ્સને છોકરીઓ સપ્લાય કરી છે. તેનો ઉપયોગ કરીને તે પોતાનાં કામ કઢાવતો હતો.  એક દલિત યુવતીએ સેન્ટ્રો રવિ પર બળાત્કારનો આક્ષેપ મૂકતાં ભાંડો ફૂટયા પછી રવિ ફરાર છે.

તૃણમૂલ ધારાસભ્યને ત્યાંથી નોટોનો પહાડ મળ્યો

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય  ઝાકિર હુસૈનનાં ઘરેથી નોટોનાં ઢગલાબંધ બંડલો મળતાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારી પણ ચકરાઈ ગયા. મુર્શિદાબાદના ધારાસભ્ય  ઝાકિર હુસૈનનાં ઘરે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે મોડી રાત્રે દરોડા પાડયાં ત્યારે લગભગ ૨૦ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. આ પૈકી ૧૧ કરોડ રૂપિયા તો મુર્શિદાબાદના ઘરમાંથી મળી આવ્યાં છે.

ઝાકિર હુસૈનનો દાવો છે કે, પોતે  ઈન્કમટેક્સ અધિકારીઓને પૂરેપૂરો સહયોગ આપ્યો છે. રોકડ મળી આવી છે એ કાયદેસરની હોવાનાં પુરાવા તેમની પાસે હાજર છે. પોતે સમયસર ટેક્સ પણ ચૂકવે છે તેથી કોઈ વાતનો ડર નથી.

તૃણમૂલ નેતા કુણાલ ઘોષનો દાવો છે કે, તૃણમૂલમાં જોડાયા પહેલાંથી ઝાકિર હુસૈનનો મોટો બિઝનેસ છે. તેમના બિઝનેસમાં કામદારોને ચૂકવણી કરવાની હોવાથી રોકડની વધારે જરૂરીયાત હોય છે.  તેમણે કહ્યું કે, કોઈ ગરબડ હશે તો ઈન્કમટેક્સ વિભાગ પગલાં લેશે પણ અત્યારથી આ રકમને બ્લેક મની ન કહી શકાય.

આપ પાસેથી વસૂલીના આદેશના ઘેરા પ્રત્યાઘાત

દિલ્હીના ડિરેક્ટોરેટ ઓફ ઈન્ફર્નમેશન એન્ડ પબ્લિસિટી (ડીઆઈપી)એ આમ આદમી પાર્ટીને ૧૬૩.૬૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવાની નોટિસ મોકલી તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ડીઆઈપીએ આમ આદમી પાર્ટીને ૧૦ દિવસમાં આ રકમ અંદર જમા કરાવવા આદેશ આપ્યો છે. કેજરીવાલ સરકારે રાજકીય જાહેરાતોને સરકારી જાહેરખબરોમાં ખપાવીને નાણાંનો દુરૂપયોગ કર્યો  હોવાના આરોપ હેઠળ આ વસૂલાત કરવામાં આવશે.

રાજકીય વિશ્લેષકોના મતે, તમામ રાજકીય પક્ષો પોતાના પ્રચાર પાછળ આ રીતે જાહેરખબરો આપીને ખર્ચ કરે જ છે. આપ પર દિલ્હી બહાર જાહેરખબરો આપીને ધુમાડો કરવાનો આરોપ છે પણ કેન્દ્ર અને બધી રાજ્ય સરકારો આ રીતે જાહેરખબર આપે જ છે. ભાજપ પણ તેમાં પાછળ નથી પણ માત્ર દિલ્હી સરકારના કિસ્સામાં જ આ ક્વાયત કરાઈ રહી છે. કેન્દ્ર સરકાર પણ જાહેરખબરો પાછળ ધૂમ ખર્ચ કરે જ છે પણ તેની સામે કોઈ સવાલ ઉઠતા નથી. તેમના મતે, આ ખર્ચને યોગ્ય ના ગણાવી શકાય પણ તમામ રાજ્યો માટે એકસરખી નીતિ બનાવવી જોઈએ.

શરદ યાદવ અભ્યાસુ, સરળ, લોકપ્રિય નેતા

જેડીયુના ભૂતપૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થતાં રાજકીય વર્તુળોમાં શોક છે. છેલ્લા સાડા ચાર દાયકાથી રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય શરદ યાદવની ઈમેજ સ્વચ્છ પ્રતિભા ધરાવતા સરળ સ્વભાવ નેતા અને દ્વેષભાવ વિના તમામ રાજકીય પક્ષના નેતાઓ સાથે સારા સંબંધ રાખનારી વ્યક્તિ તરીકેની હતી.

છેલ્લા એકાદ વરસથી ગંભીર રીતે બિમાર હોવાને કારણે તેમની રાજકીય પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ હતી પણ મીડિયા, સામાન્ય લોકો અને રાજકારણીઓ માટે પણ તેમના દરવાજા ખુલ્લા જ રહેતા. તેમના ઘરે મોડી રાત સુધી પણ લોકોની અવરજવર સતત ચાલુ જ રહેતી.  

શરદ યાદવ છ વાર લોકસભા અને ત્રણ વાર રાજ્યસભામાં ચૂંટાયા હતા. સંસદીય બાબતોના અભ્યાસુ યાદવ ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન અટલ બિહારી વાજપેયી સરકારમાં વિવિધ વિભાગોમાં મંત્રી રહ્યા હતા. ૨૦૦૩માં જનતા દળ યુનાઈટેડ જેડી(યુ)ના અધ્યક્ષ બનેલા શરદ યાદવ એનડીએના કન્વીનર પણ હતા. આ કારણે ભાજપના જૂના નેતાઓ સાથે પણ તેમને નિકટતા હતી. 

***

રાહુલની કેસરી પાઘડી સામે ભાજપનાં વાક્બાણ

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ સપ્તાહારંભે પંજાબમાં પ્રવેશી ત્યારે રાહુલ ગાંધીએ પહેરેલી કેસરી પાઘડી વિવાદનું નિમિત્ત બની ! ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયે અગાઉ જ્યારે કેમેરા નહોતા ત્યારે પાઘડી પહેરવાનો ઇન્કાર કરતા રાહુલ ગાંધીનો વિડિયો ટ્વિટ કરીને જણાવ્યું કે રાજકીય હેતુઓ માટે ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરવો એ કોંગ્રેસના ડીએનએમાં છે. ભાજપ નેતા અને દિલ્હી શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીના પૂર્વ અધ્યક્ષ મજિન્દરસિંઘ સિરસાએ ઉપરોક્ત વિડિયો  ક્લિપના સંદર્ભે જ ગાંધીના પાઘડી-પરિધાનને નૌટંકી લેખાવ્યો છે. ''કેસરી રંગ બલિદાન સૂચવે છે. રાહુલ ગાંધી પંજાબમાં જાય છે,  ગુરૂદ્વારાની મુલાકાત લે છે, કેસરી પાઘડી બાંધે છે, પરંતુ એમને કેસરી રંગનો મતલબ જ ખબર નથી, એમ સિરસાએ જણાવ્યું.

આપ-ભાજપ વચ્ચેની રસ્સાખેંચ વધુ 'ટાઇટ' બની

શિક્ષકોના ફિનલેન્ડ પ્રવાસે દિલ્હીના લેફટેનન્ટ ગવર્નર અને અહીંની આપ સરકાર વચ્ચે વિવાદ ઊભો કર્યો છે ત્યારે બંને પક્ષો વચ્ચેની ખેંચતાણ ઉત્તરોત્તર વધી રહી છે. આપના મતે સનદી અધિકારીઓ દિલ્હી સરકારને સહયોગ આપતા નથી. દિલ્હી સરકારે નિવેદનમાં જણાવ્યું કે દિલ્હીના પર્યાવરણ સ્ટાફના વડાએ ૫ મે - ૧૦ ઓકટોબર દરમિયાન મંત્રીએ યોજેલી જી-૨૦ માટેની બેઠકોમાંથી ફક્ત એક બેઠકમાં હાજરી આપી. આપના ધારાસભ્ય અતિશીએ મુખ્ય નાણા સચિવ ફંડને પાછું ખેંચી રહ્યા છે, તેમ જણાવ્યું. દિલ્હી ભાજપ નેતા પ્રવીણ શંકર કપૂરે પ્રતિભાવમાં જણાવ્યું કે અધિકારીઓ સરકારી કામ પર ધ્યાન આપી રહ્યા છે, નહિ તો દિલ્હી અત્યાર સુધીમાં મૃતઃપ્રાય થઇ ચૂક્યું હોત!

શીખ જવાનો માટેના બેલિસ્ટિક હેલ્મેટનો વિરોધ

દુન્યવી બાબતોના સંદર્ભે શીખોની સર્વોચ્ચ સંસ્થા  શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી) અને અકાલ તખ્તને શીખ સૈનિકો માટે ખાસ બેલિસ્ટિક હેલ્મેટો ખરીદવાની લશ્કરી યોજના માફક આવી નથી. એસજીપીસીના અધ્યક્ષ હરજિન્દરસિંઘ ધામીએ સંરક્ષણમંત્રી રાજનાથસિંઘને ખરીદીનો ઉપરોક્ત નિર્ણય પાછો ખેંચવા માટે પત્ર પાઠવ્યો છે. આવી હેલ્મેટના ઉપયોગથી શીખોની મર્યાદાનો ભંગ થશે. તદુપરાંત એના લીધે લશ્કરી સેવાઓમાં શીખોની અજોડ ઓળખ જાળવી શકાશે નહિ. લશ્કરના કોમ્બાટ ઇજનેરોના મહાનિદેશકે શીખ સૈનિકો માટે ૮૯૧૧ મોટી, જ્યારે ૩૮૧૯ વધુ મોટી સહિત ૧૨૭૩૦ બેલિસ્ટિક હેલ્મેટો ખરીદી એ પછી આ મુદ્દો ઊભો થયો.

નૂપુરને મોતની ધમકી સામે બંદૂકનું લાયસન્સ

મહંમદ પયગમ્બર વિષેની જેની વિવાદિત ટિપ્પણીનો હિંસક વિરોધ થયો હતો એ ભાજપના સસ્પેન્ડ પ્રવકતા નૂપુર શર્માને મળતી મોતની ધમકી સામે સુરક્ષાર્થે બંદૂકનું લાયસન્સ આપવામાં આવ્યું છે. ''મને વ્યક્તિગત તેમજ સોશ્યલ મીડિયા પર મોતની ધમકીઓ મળતી રહે છે. આથી બંદૂકના લાયસન્સ માટે અરજી કરી હતી. જેના પગલે, મારી અંગત સુરક્ષા માટે મને બંદૂક સાથે રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

ચૂંટણીમાં મની પાવરનો ઉપયોગ ચૂંટણી પંચને ચિંતા

ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં કરેલા સોગંદનામામાં જણાવ્યું કે ચૂંટણીમાં થતી પૈસાની રેલમછેલથી પોતે ગંભીરપણે ચિંતિત છે. પોતે આ દૂષણને ડામવા માટે પગલાં લેતું રહેતું હોવાનું પણ પંચે ઉમેર્યું છે. પંચે લોકસભા માટે ૯૫ લાખની મહત્તમ ખર્ચમર્યાદા બાંધી છે, જ્યારે વિધાનસભા માટે એ મર્યાદા ૪૦ લાખ છે. આથી વધુ ખર્ચ કરતા ઉમેદવારો ભ્રષ્ટાચારી આચરણ કરતા હોવાના દાયરામાં આવી જાય છે. જો કે આ મર્યાદા ભંગ કરનાર કોઇ  ઉમેદવાર સામે પોતે કોઇ પગલાં લીધા હોવાનું પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું નથી. બિહારમાં ૨૦૧૦માં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીના વખતથી પોતે અસરકારક ચૂંટણી ખર્ચ નિરીક્ષણ પધ્ધતિનો અમલ કરી રહ્યું હોવાનું પંચે સોગંદનામામાં ઉમેર્યું છે.

- ઇન્દર સાહની

Gujarat