For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દિલ્હીની વાત : બેરોજગારી મુદ્દે મોદીએ મંત્રીઓને તતડાવ્યા

Updated: Sep 9th, 2022

Article Content Image

નવીદિલ્હી : બેરોજગારી મુદ્દે વારંવારની સૂચનાઓ છતાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો દ્વારા કશું ના કરાતાં બગડેલા મોદીએ મંત્રીઓને તતડાવ્યા હોવાના અહેવાલ છે. મોદીએ પોતે જૂનમાં સરકારના વિવિધ વિભાગોમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ ભરવાની જાહેરાત કરી હતી. એ પછી મંત્રાલયો અને વિભાગોને ખાલી જગ્યાઓ અંગેની વિગતો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગને મોકલી આપીને ભરતીનો એક્શન પ્લાન તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. મોદીના આદેશને બે મહિના થવા છતાં કશું નક્કાર ના કરાતાં મોદી બગડયા હતા.

મોદીએ ખખડાવતાં મંત્રીઓએ જેમતેમ તૈયાર કરેલા પ્લાન બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રજૂ કર્યા હતા. મોદીને તેનાથી સંતોષ ના થતાં ભાજપને મહત્તમ રાજકીય ફાયદો થાય એ રીતે ભરતીનો કાર્યક્રમ બનાવવા સૂચના આપી છે. મોદીએ ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રમોશન, બેકલોગ સહિતના તમામ વિકલ્પોનો ઉપયોગ કરવાની પણ સૂચના આપી છે.  મોદી આગામી લોકસભા ચૂંટણીમાં  બેરોજગારીનો મુદ્દો ના ચગે એવું ઈચ્છે છે તેથી ૨૦૨૩ના અંત સુધીમાં ૧૦ લાખ સરકારી જગાઓ પર ભરતી કરશે. 

શાહની સુરક્ષામાં છિંડાં પણ ભાજપની બોલતી બંધ

ગૃહમંત્રી અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીની ઘટના બનતાં શાહે તતડાવતાં મહારાષ્ટ્ર સરકાર દોડતી થઈ ગઈ છે. શાહની મુંબઈ યાત્રા દરમિયાન હેમંત પવાર નામનો યુવક કલાકો સુધી તેમની આસપાસ ફરતો રહ્યો હતો.

બીજી તરફ ભાજપની હાલત કફોડી થઈ ગઈ છે કેમ કે પોતાની જ સરકારમાં થયેલી આવી ગફલતની ભાજપ ટીકા કરી શકે તેમ નથી. સોશિયલ મીડિયા પર લોકો ભાજપના નેતાઓને પંજાબની ઘટનાની યાદ અપાવીને સવાલ કરી રહ્યા છે કે, હવે કેમ તમારી બોલતી બંધ છે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૫ જાન્યુઆરીએ પંજાબ ગયા ત્યારે સુરક્ષામાં ખામી થતાં ભાજપે ભારે હોબાળો મચાવી દીધો હતો.  ફિરોઝપુરમાં આંદોલનકારીઓ દ્વારા નાકાબંધીને કારણે મોદીનો કાફલો ફ્લાયઓવર પર રોકી રાખવામાં આવ્યો હતો. વડાપ્રધાન ૧૫-૨૦ મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા અને છેલ્લે એક પણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પાછા દિલ્હી આવી ગયા હતા.

ભાજપે  કોંગ્રેસ સરકારના માથે માછલાં ધોવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. હવે પોતાની સરકારના શાસનમાં એવું જ બનતાં ભાજપ બોલી શકે તેમ નથી.

રાજસ્થાનમાં કોંગ્રેસના મંત્રી ઈન્કમટેક્સની ઝપટે ચડયા

ઈન્કમ ટેક્સ વિભાગે રાજસ્થાનના ગૃહ રાજ્ય મંત્રી રાજેન્દ્ર યાદવને ત્યાં દરોડા પાડતાં કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ફરી ચગ્યો છે. આવકવેરા વિભાગે  ચાર રાજ્યોમાં ૫૩ જેટલી જગ્યા પર દરોડા પાડયા તેમાં યાદવ પણ લપેટમાં આવી ગયા છે. પૌષ્ટિક આહાર બનાવતી કંપનીઓ, તેમના સપ્લાયર અને કંપનીની નજીકના લોકોને ત્યાં પાડયા છે. આ દરોડાનું રાજકીય પક્ષોને કરાતા ફંડિંગ સાથે કનેક્શ હોવાનું કહેવાય છે. રાજસ્થાનમાં જયપુર અને કોટપુતલીમાં જ ૩૭ સ્થળે દરોડા પડયા છે.

સરકારી સૂત્રોનો દાવો છે કે. આ દરોડાની કામગીરીને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી. મધ્ય પ્રદેશમાં પૌષ્ટિક આહાર સપ્લાય કરવામાં કરેલા ગોટાળા બદલ કંપની સામે કેસ નોંધાયો છે.  આ કેસ ૨૦૧૮નો છે કે જ્યારે મધ્ય પ્રદેશમાં કમલનાથના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. યાદવે વગ વાપરીને કંપનીને કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો પણ કોન્ટ્રાક્ટ મળ્યા પછી કૌભાંડ કરવામા આવતાં શિવરાજસિંહ ચૌહાણ સરકારે ફરિયાદ નોંધાવી છે.

કોંગ્રેસનું કહેવું છે કે, પોતાના નેતાઓને ડરાવવા માટે મોદી સરકાર એજન્સીઓને છૂટી મૂકી દીધી છે.

 નીતિશના મોરચામાં કોંગ્રેસ પણ જોડાશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી એકતાના પ્રયાસોના સંદર્ભમાં સૂચક નિવેદન કર્યું છે. નીતિશે દિલ્હી પ્રવાસના અંતિમ દિવસે ત્રીજા મોરચાની સંભાવનાનો ઈન્કાર કરીને કહ્યું કે, આ વખતે  થર્ડ ફ્રન્ટ નહીં પણ મેઈન ફ્રંટ બનશે. નીતિશે કોંગ્રેસને પણ આ મોરચામાં સામેલ કરાશે એવો સંકેત આપતાં કહ્યું કે, સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરીશ અને તેમને પણ વિપક્ષી મોરચામાં સામેલ થવા માટે સમજાવીશ.

નીતિશ કુમાર ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી એકતાના સપનાને સાકાર કરવા  વિપક્ષી દળોના નેતાઓને મળવા માટે ત્રણ દિવસના દિલ્હી પ્રવાસે હતા. પત્રકાર પરિષદમાં નીતિશે કહ્યું કે,  વિપક્ષી સરકારો છે એ રાજ્યોમાં વિપક્ષો એક થશે તો દેશમાં ભાજપ વિરોધી માહોલ બનવાનું શરૂ થઈ જશે અને ૨૦૨૪ની ચૂંટણીમાં વિપક્ષો માટે સારા પરિણામ આવશે.

સૂત્રોનો દાવો છે કે, બિહારમાં ભાજપ સત્તામાંથી જતાં વિપક્ષોમાં ઉત્સાહ છે. મોટા ભાગના પ્રાદેશિક નેતાઓ તો તૈયાર છે જ પણ કોંગ્રેસ પણ નીતિશ સાથે બેસવા તૈયાર છે એ જોતાં મોટો મોરચો બનશે એવું લાગે છે.

મેમણની કબર મુદ્દે રાજકીય આક્ષેપબાજી શરૂ

મુંબઈ બોમ્બ બ્લાસ્ટમા જેને ફાંસી આપવામાં આવી હતી એ યાકુબ મેમણની કબરને મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ ગઈ છે. ભાજપનો આક્ષેપ છે કે, ઉધ્ધવ ઠાકરેના સમયમાં મેમણની કબરની આસપાસ માર્બલ લગાવીને એલઆઈડી લાઈટોની સજાવટ કરવામાં આવી હતી.

ઉધ્ધવ ઠાકરે જૂથે ભાજપ રાજકીય ફાયદા માટે ખોટા આક્ષપો કરી રહ્યો હોવાનો દાવો કરી રહ્યો છે. ઉધ્ધવ જૂથ સવાલ કર્યો કે, એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા એ વાતને ત્રણ મહિના થઈ ગયા તો પછી ભાજપ હવે કેમ જાગ્યો ?

ભાજપના નેતા રામ કદમે સોશિયલ મીડિયા પર તસવીરો મૂકીને સવાલ કરતાં મુંબઈ પોલીસે કબર પરથી એલઈડી લાઈટ્સ હટાવી દીધી છે. કદમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સવાલ કરેલો કે, ગુનેગાર યાકુબની કબરને કેમ શણગારવામાં આવી છે? જે માણસ સેંકડો લોકોનાં મોત માટે જવાબદાર હતો તેની કબરને કેમ સન્માન કેમ આપવામાં આવી રહ્યું છે?

યાકુબને ૧૯૯૩ના બોમ્બવિસ્ફોટ માટે દોષિત ઠેરવીને ફાંસી અપાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, મેમણના પરિવારે બધું કર્યું પણ રાજકીય ફાયદા માટે મુદ્દાને ચગાવાઈ રહ્યો છે.

સોરેનના ભાઈ મજાક કરવા જતાં ભેરવાઈ ગયા

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નાના ભાઈ  અને ઝારખંડ  મુક્તિ મોરચાના દુમકાના ધારાસભ્ય બસંત સોરેન મજાક કરવા ગયા તેમાં વાતનું વતેસર થઈ ગયું છે ને લોકો તૂટી પડયા છે. શિબુ સોરેનના નાના પુત્ર બસંતના વિધાનસભા મતવિસ્તારમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે કિશોરીઓની હત્યાને કારણે ખળભળાટ મચી ગયો છે.

બસંતે સોરેન અત્યાર લગી ગાયબ હતા પણ બુધવારે પહેલીવાર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં પહોંચીને બંને યુવતીઓના પરિવારજનોને મળ્યા હતા. એ પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી તેમાં પત્રકારો સવાલ કર્યો કે, અત્યાર સુધી તમે ક્યાં હતા ? બસંતે માથું ખંજવાળીને હસતાં હસતાં જવાબ આપ્યો કે, મારા અન્ડરગાર્મેન્ટ્સ ખૂટી ગયા હતા તેથી ખરીદી કરવા હું દિલ્હી ગયો હતો.

બસંત સોરેનના નિવેદનને લોકો અસંવેદનશીલતાનો નાદાર નમૂનો ગણાવી રહ્યા છે. બસંત સોરેને પેટ્રોલ છાંટી સળગાવી હત્યા કરાઈ હતી એ યુવતીની મોટી બહેનને  નોકરી અપાવવાની ખાતરી આપી હતી. બીજી આદિવાસી યુવતીની હત્યા કરીને લટકાવી દેવાઈ તેના પરિવારને ૧૦ લાખનું વળતર આપ્યું હતું.

***

તેલંગણામાં કેસીઆર સરકારની આકરી ટીકા કરતા ગવર્નર

તેલંગણાના ગવર્નર ડો. તમિલિસાઈ સૌંદરરાજને મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની આગેવાની હઠળની સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે તેમના શાસન હેઠળ ગવર્નર ઓફિસનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે રાજભવન ખાતે બિગિનિંગ ઓફ ફોર્થ યર ઇન ધ સર્વિસ ઓફ પીપલ ઓફ તેલંગણામાં ભાગ લેતા આ વાત જણાવી હતી. ગવર્નરે કેસીઆર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી ે. ૭૫મા સ્વતંત્રતા દિનને યાદ કરતા તેમણએ જણાવ્યું હતું કે તેમને તે હકીકતથી આઘાત લાગ્યો હતો કે ગવર્નરને રાષ્ટ્રધ્વજ જ ફરકાવવા દેવાયો ન હતો. રાજ્યનો ઇતિહાસ લખાશે ત્યારે લખવામાં આવશે કે કેવી રીતે મહિલા ગવર્નર સાથે ભેદભાવ આચરવામાં આવ્યો છે. આજે પણ હું જ્યાં જઉં છું ત્યાં પ્રોટોકોલનું પાલન કરવામાં આવતુ નથી. 

કેજરીવાલ બયાન બહાદુર છે, તેને ગંભીરતાથી ન લોઃ પ્રધાન

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદીને લખ્યું છે કે દેશની બધી સ્કૂલોને અપગ્રેડ કરવામાં આવે. તેમણએ જણાવ્યું છે કે દરેક શાળામાં સારામાં સારુ શિક્ષણ મળે નહી ત્યાં સુધી ભારત વિકસિત દેશ ન બની શકે. કેજરીવાલે જણાવ્યું હતું કે શાળાઓ જંકયાર્ડ બની ગઈ છે. કેજરીવાલે વડાપ્રધાનને લખેલા પત્ર અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે બયાન બહાદુરેે દરેક સ્કૂલને કબાડખાના ગણાવી છે. મને તે શિક્ષણ પ્રણાલિ અંગે જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે તેની ચિંતા છે. તેમની વાત ગંભીરતાપૂર્વક ન લેવી જોઈએ. 

14 રાજકીય પક્ષોના જમીન પેટે 150 કરોડ માફ કરવાનું આયોજન

મોદી સરકાર ભારતીય જનતા પક્ષ (ભાજપ) સહિત ૧૪ રાજકીય પક્ષોના કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી મંત્રાલય સમક્ષ ૧૫૦ કરોડના લેણા નીકળે છે તેને બચાવે તેવી સંભાવના છે. આ રાજકીય પક્ષોને દિલ્હીમાં તેમની પાર્ટી ઓફિસ માટે જમીન ફાળવવામાં આવી હતી. આ રાજકીય પક્ષોમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), તૃણલૂલ કોંગ્રેસ, જનતા દળ (યુનાઇટેડ) અને ઓલ ઇન્ડિયા દ્રવિડ મુન્નેત્ર કઝકમ સહિત બીજા રાજકીય પક્ષોને ૨૦૦૦થી ૨૦૧૭ દરમિયાન સરકારે બજારભાવથી નીચેના ફિકસ્ડ સંસ્થાકીય દરે લેન્ડ પાર્સલ ફાળવ્યા હતા. ભાજપને દીન દયાળ માર્ગ પર ચાર એકર જમીનના ત્રણ લેન્ડ પાર્સલ ફાળવવામાં આવ્યા હતા. આથી તેના ૭૦ કરોડ લેણા નીકળે છે, કોંગ્રેસના કોટા રોડ પર બે એકરના પ્લોટના ૨૦ કરોડના લેણા નીકળે છે. આ બધી રકમ માફ થઈ જશે. 

- ઇન્દર સાહની

Gujarat